રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં પ્રચંડ ગરમી : જેસલમેરમાં ૪૬.૫ ડિગ્રી

રાજસ્થાન, પંજાબ અને હરિયાણા ઉપરાંત મધ્ય અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં પ્રચંડ ગરમીનું મોજું યથાવત્ રહ્યું હતું. પાટનગર દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૭.૬ ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ ૬૩ અને ૪૦ની વચ્ચે રહ્યું હતું. હિમાચલમાં આ સપ્તાહે કરા સાથે ભારે વરસાદની આગાહી થઇ હતી.
રાજસ્થાનના જેસલમેરમાં સૌથી વધુ ૪૬.૫ ડિગ્રી તાપમાન સાથે પ્રચંડ ગરમી પડી હતી. ચુરૃમાં ૪૬.૪, બિકાનેરમાં ૪૬.૨, કોટામાં ૪૫.૬, બારમેરમાં ૪૫.૪ અને શ્રી ગંગાનગરમાં ૪૫ ડિગ્રી તાપમાન નોંધાયા હતા. જોકે જયપુર, બિકાનેર, કોટા અને અજમેરમાં ભારે પવન સાથે હળવા ઝાપટાં પણ પડયા હતા.
પંજાબ અને હરિયાણામાં પણ પ્રચંડ ગરમી હતી. નારતોલમાં ૪૨.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભિવાનીમાં ૩૯.૪, અંબાલામાં ૩૫.૧, અમૃતસરમાં ૪૦, પતિયાલામાં ૩૭.૭ અને લુધિયાણામાં ૩૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હિમાચલમાં તાપમાનનો પારો સામાન્ય કરતાં વધુ રહ્યો હતો. હવામાન વિભાગે આ સપ્તાહમાં બુધ અને ગુરુવારે કરા સાથે ભારે વરસાદની આગાહી કરી હતી. જેના કારણે ફળોના ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી હતી. આજે હિમાચલનું ઉના ૪૧.૨ ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું.