પંજાબ- હરિયાણામાં અનેક સ્થળે કમોસમી વરસાદ: ખેડૂતોને કરોડોના નુકસાનની ભીતિ

ઉ.ભારતમાં પંજાબ, હરિયાણા, ચંડિગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ થતાં, ખેડૂતોમાં ઘઉંના ઉભા પાકને નુકસાન થવાની ચિંતા વ્યાપી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર અમૃતસર, ખરાર, મુક્તસર, કપુરથલા, સંગરૃર, આદમપુર, ફરિદકોટ, તલવંડી, સબો, આનંદપુર સાહેબ સહિતના પંજાબમાં અનેક સ્થળોએ વરસાદ થયો હતો. જ્યારે હરિયાણાના દાબવાલી, કુરૃક્ષેત્ર, પિહોવા, ભિવાની, કૈથલ, જાઝર, કર્નાલ અને પંચકુલામાં વાતાવરણમાં અચાનક પલ્ટા સાથે વરસાદ ચાલુ થઇ ગયો હતો. આ રાજ્યોમાં આ સમય દરમિયાન સામાન્ય રીતે વરસાદની ભાગ્યે જ શક્યતા રહે છે. ચંડિગઢમાં પણ વરસાદ નોંધાયો હતો.
આ વરસાદને કારણે પંજાબ, હરિયાણા સહિતના વિસ્તારના ખેડૂતોમાં ચિંતાની લાગણી ફરી વળી છે કેમકે પાક લહેરાઇ રહ્યો છે. તો કેટલોક તૈયાર પાક યાર્ડમાં પણ પહોંચી ગયો છે. આ વરસાદને કારણે તે ઘઉંને નુકસાન થવાની પુરી શક્યતા છે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર પશ્ચિમી પવનોમાં ઉપલા સ્તરે સર્જાયેલા ચક્રવાતને કારણે વાદળો ખેંચાઇ આવતા આ વરસાદ થયો છે. જો કે હાલ આ ચક્રવાત પાકિસ્તાન તરફ ફંટાઇ ગયું છે પણ હજી વાતાવરણમાં હરિયાણા તેમજ પશ્ચિમ ઉત્તરપ્રદેશ અપર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું હોઇને આગામી બે દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે. તે સંજોગોમાં આ વિસ્તારના ખેડૂતો હાલ પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ ન આવે.
કેમકે જો વરસાદ અને પવન સાથે આવશે તો હાલ ઉભેલા ઘઉંના મોટા ભાગના પાકનો સોથ વાળી દેશે અને ખાલી વરસાદથી પલળેલા ઘઉં પણ કાળા પડી જવાની શંકા ખેડૂતોને સતાવે છે.
Source: Gujarat Samachar