સામાકાંઠે ત્રણ ઝવેરી સાથે રૂ.19.17 લાખની ઠગાઈ, મુંબઈના બે વેપારીની શોધખોળ

રાજકોટ:શહેરના સામાકાંઠા વિસ્તારના ચાંદીના ત્રણ વેપારી પાસેથી પાયલ અને પારા મંગાવી મુંબઈના બે આંગડિયાથી પાર્સલ છોડાવ્યા બાદ કુલ રૂ.19,17,930 નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી. જે અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આંગડિયા પેઢી મારફતે માલ મુંબઈ મોકલ્યો હતો:બનવાની વિગત અનુસાર શહેરના રણછોડનગરમાં શિવમ સિલ્વર ઓર્નામેન્ટ નામે પેઢી ધરાવતા દિલીપભાઇ ધીરજલાલ સગપરિયા (ઉ.વ.46)એ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સંજય નામનો વ્યક્તિ તથા મુંબઇના મણિભદ્ર જવેલર્સના અશોકકુમારનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મુંબઇના મણિભદ્ર જવેલર્સના નામે ચાંદીના દાગીનાનો વેપાર કરતા અશોકકુમાર અને સંજય નામના વ્યક્તિએ ટેલિફોનિક સંપર્ક કરી રૂ.3,31,610ની કિંમતની 15 કિલો 682 ગ્રામ ચાંદીની પાયલનો ઓર્ડર આપ્યો હતો અને તે પેટે રૂ.1.50 લાખ ચૂકવી દીધા હતા.જેથી ફરિયાદીને વિશ્વાસ આવ્યા બાદ વધુ રૂ.3,31,610ની 5 કિલો 269 ગ્રામ પાયલનો ઓર્ડર મોકલ્યો હતો અને ઓર્ડર મુજબનો તમામ માલ આંગડિયા પેઢી મારફત મુંબઈ મોકલી આપ્યો હતો.
મુંબઈના આરોપીની શોધખોળ શરૂ:શરૂઆતમાં બંને શખ્સે રૂ.1.50 લાખ ચૂકવ્યા હોવાથી તેના પર વિશ્વાસ બેઠો હતો, પરંતુ લાખોનો માલ આંગડિયામાંથી છોડાવ્યા બાદ બંનેએ બાકીના રૂ. 3,16,930 નહીં ચૂકવી વિશ્વાસઘાત કર્યો હતો. બાદમાં દિલીપભાઇએ અન્ય વેપારીઓને આ અંગે વાત કરતા બંને શખ્સોએ અન્ય બે વેપારી રામજીભાઇ પાસેથી રૂ.10.88 લાખના ચાંદીના પારા મગાવી તેમજ મનીષભાઈ અજાણી પાસેથી રૂ.5.13 લાખના ચાંદીના પારા મગાવી તેમની રકમ નહીં ચૂકવી વિશ્વાસઘાત કર્યો હતો. દિલીપભાઇની ફરિયાદ પરથી પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધી મુંબઈના આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.