પોતાના વખાણ કરવાથી પતન થાય છે.

પોતાના વખાણ કરવાથી પતન થાય છે.
બીજાના મનમાંથી અમુક માણસ ઉતરી જાય એવો પ્રયત્ન કરવો એ નિંદા અને સ્વાર્થ રહીત વખાણને પ્રસંશા-સ્તુતિ કે શ્લાઘા કહેવાય છે.જે સાધુ પુરૂષ હોય છે તે સ્વેચ્છાથી ક્યારેય પોતાના બળની સ્તુતિ અને પોતાના મુખથી ક્યારેય આત્મશ્લાઘા કરતા નથી.
પૈસાનો મોહ છૂટી શકે છે અને અતિસાવધ રહેવાથી કામને જીતી શકાય છે પણ કીર્તિ-પ્રતિષ્ઠા મળ્યા પછી આત્મશ્લાઘા પતનનું કારણ બને છે.સાધુઓને થાય છે કે મારી પાછળ મારો આશ્રમ ચાલે,લોકો મને યાદ કરે.મોટા મોટા રાજાઓને જગત ભૂલી ગયું છે તો મારી પાછળ મારૂં નામ રહે તેવી આત્મશ્લાઘા રાખવી વ્યર્થ છે.મઠ-મંદિર અને આશ્રમની આસક્તિ એ ભક્તિમાં વિઘ્ન કરનારી છે.જ્ઞાની પુરૂષો પરમાત્માના દ્વાર સુધી પહોંચે છે પણ જો કીર્તિમાં ફસાય તો ત્યાંથી નીચે ગબડી પડે છે.મનુષ્યને પણ કીર્તિ-પ્રતિષ્ઠાનો મોહ છૂટતો નથી.ઘરનું નામ આપે છે “વિનોદ-નિવાસ” પણ વિનોદભાઈ તેમાં કેટલા દિવસ રહેવાના? ઘરને ભગવાનનું નામ આપો.
ચેલાઓ વખાણ કરે એટલે ગુરૂને લાગે કે હું બ્રહ્મ રૂપ થઇ ગયો છું પછી સેવા સુમિરણ સત્સંગમાં ઉપેક્ષાથી પતન થાય છે.યોગીઓને સિદ્ધિ મળે એટલે તેનો ઉપયોગ કરવાનું મન થાય છે.સિદ્ધિના ઉપયોગથી પ્રસિદ્ધિ વધે એટલે આત્મશ્લાઘાથી પતન થાય છે.
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે બીજા કોઈ રાજાનાં નહી પરંતુ જનકરાજાના વખાણ કરતાં કહ્યું છે કે જનક રાજાએ કર્મ દ્વારા જ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી હતી.જનકરાજાની સતત આત્મદ્રષ્ટિ હતી.સતત એક જ ભાવ હતો કે “હું શરીર નહિ-શુદ્ધ ચેતન આત્મા છું.”
મહાભારત યુદ્ધમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન કર્ણ સામે યુદ્ધમાં હતા તે સમયે તેમને સમાચાર મળ્યા કે યુધિષ્ઠિર ક્યાંય દેખાતા નથી તેથી તેઓ તેમને શોધવા માટે જાય છે ત્યારે તે કર્ણ સાથેના યુદ્ધમાં ઘાયલ થઇ પોતાના તંબૂમાં આવ્યા હતા.અર્જુનને આવેલો જોઇને યુધિષ્ઠિર પુછે છે કે તૂં કર્ણને મારીને આવ્યો છે? ત્યારે અર્જુન કહે છે કે મોટાભાઇ તમે દેખાયા નહી એટલે અમે તમોને શોધવા આવ્યા છીએ.તે સમયે યુધિષ્ઠિર કહે છે કે જો તારાથી કર્ણ ના મરાયો હોય તો તારા ગાંડીવને ધિક્કાર છે.
યુધિષ્ઠિરના આવા વચનોથી અર્જુન ગાંડીવ લઇને યુધિષ્ઠિરને મારવા માટે તૈયાર થાય છે ત્યારે કૃષ્ણ વચ્ચે પડ્યા અને કહ્યું કે અર્જુન તું શું કરવા જાય છે તેનું તને ભાન છે? ત્યારે અર્જુન કહે છે કે મારી પ્રતિજ્ઞા છે કે મારા ગાંડીવનું કોઇ અપમાન કરશે તો તેને મારી નાખવો.તે સમયે કૃષ્ણએ સમજાવ્યું કે જેને માનાર્થે તમે કહીને બોલાવવા જોઇએ તેને તૂં કહીને બોલાવો એટલે તેને માર્યા બરાબર છે એટલે તૂં યુધિષ્ઠિરનું અપમાન કર એટલે તે મરી ગયો એમ સમજ જેથી તારી પ્રતિજ્ઞાનું પાલન થશે અને યુધિષ્ઠિરનું શરીર ટકી જશે.
ભગવાન કૃષ્ણની આવી યુક્તિ અનુસાર અર્જુને યુધિષ્ઠિરનું અપમાન કર્યું એટલે ધર્મરાજાને મારી નાખ્યા બરાબર કહેવાય.ધર્મરાજાનું અપમાન કર્યા બાદ અર્જુન હાથમાં તલવાર લઇ પોતાનું માથું કાપવા તૈયાર થયો ત્યારે કૃષ્ણ કહે છે કે તૂં આ શું કરે છે? ત્યારે અર્જુન કહે છે કે મારી પ્રતિજ્ઞા છે કે કોઇ ધર્મરાજાનું અપમાન કરે કે તેમને મારે તેને હું મારી નાખીશ.ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે હવે શું કરવું? આ લોકોના મનમાં મરવું અને મારવું સિવાય કોઇ વિચાર જ નથી.ભગવાને દેવતાઓને દુર્લભ મનુષ્ય શરીર આપ્યું છે તેનાથી કંઇ કામો લેવા માટે આપ્યું છે માટે શરીરનું રક્ષણ કરવાનું છે.આવી નાની વાતમાં શરીરને ફેંકી દેવું એ ડહાપણની વાત નથી..પોતાની આત્મશ્લાઘા કરવી એ પોતાના મરણ બરાબર છે એટલે તૂં જાહેરમાં વડીલો સામે તારા વખાણ કર એટલે મૃત્યુ બરાબર છે આવો મરણનો રસ્તો ભગવાને બતાવ્યો છે.
મનનો સ્વભાવ છે અવગુણોની તરફ દોડવું.કોઇની નિન્દા કરવાની હોય,કોઇને નુકશાન થાય તેવી યોજના બનાવવાની હોય,વ્યભિચારની વાતો થતી હોય ત્યાં મન ઘણું જ રસપૂર્વક સાંભળતું હોય છે એટલે જ તો લોકો પોતાની પ્રસંશા કરવામાં અને સાંભળવામાં,બીજાના અવગુણોની ચર્ચા કરવામાં,ગપ્પાં મારવામાં,પોતાની મહત્તા વધારવામાં વ્યસ્ત જોવા મળે છે પરંતુ જો સત્સંગમાં જવાનું હોય,પ્રભુની ચર્ચા કરવાની હોય તો તેમની પાસે સમય હોતો નથી.મનની આ જ મૂઢતા છે કે પ્રભુ ભક્તિને છોડીને અસ્થાયી અને નિમ્ન કોટીના કામોમાં આનંદ પ્રાપ્ત કરવા ઇચ્છે છે.
પ્રસંશાથી પિગળવું નહી, આલોચનાથી ગુસ્સે ના થવું.નિઃસ્વાર્થ ભાવથી કર્મ કરતા રહીએ કારણ કે અહીયાં આવીને આપણને મળેલ તમામ ભૌતિક સંપત્તિ અહીંયાં જ રહી જાય છે.
રિપોર્ટ : વિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300