શ્લોકથી લોક સુધી પહોંચી ‘માનસ લોકભારતી’

શ્લોકથી લોક સુધી પહોંચી ‘માનસ લોકભારતી’
Spread the love

શ્લોકથી લોક સુધી પહોંચી ‘માનસ લોકભારતી’

લોક ભારતી ગ્રામ્ય વિદ્યાપીઠ એવમ્ લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન, સણોસરાના રળીયામણા, પ્રાકૃતિક શૈક્ષણિક પરિસરમાં તારીખ 30 ડિસેમ્બર 2023 થી તારીખ 7 જાન્યુઆરી 2024 દરમ્યાન પૂજ્ય મોરારિબાપુની 929મી રામકથા ‘માનસ લોકભારતી’નું બાપુનાં શ્રીમુખે નવદિવસીય ગાન થયું

કથાના મનોરથી હર્ષાબા ગોહિલ એવમ્ લોકભારતી પરિવારે અત્યંત ભાવપૂર્ણ આગતા સ્વાગતા કરી, ચિમનભાઈ વાઘેલા ભરતભાઈ દ્વારા કથા, ભોજન, આવાસ વ્યવસ્થાપન સેવા સ્વાભાવિક જ ઉત્તમોત્તમ રહી.

લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં બાપુ, કથાની ‘હા’ પાડે એમાંય બાપુનો અત્યંત રાજીપો હોય કારણ કે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ-સણોસરા સંસ્થા મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના સર્વોદયના સિદ્ધાંતોના પાયા પર રચવામાં આવેલી છે. આ સંસ્થાની સ્થાપના નાનાભાઈ ભટ્ટ દ્વારા 1953માં પ્રખર ગાંધીવાદી કાકાસાહેબ કાલેલકરના હસ્તે કરવામાં આવી હતી. શિક્ષણની સાથે ગ્રામ્ય સમસ્યાઓનો વ્યવહારિક ઉકેલ લાવવામાં કઈ રીતે યોગદાન આપી શકાય તેનું જીવંત અને જ્વલંત ઉદાહરણ એટલે ‘લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ’.પ્રખર અભ્યાસુ,ઇતિહાસવિદ મનુભાઈ પંચોળી ‘દર્શક’ આ સંસ્થાના સહસ્થાપક.
ખૂબ જ લોકપ્રિય બનેલી ઘઉંની જાત ‘લોકવન’ એ અહીંના જ સંશોધનનું પરિણામ. હવે તો ગ્રામ-વિદ્યાપીઠ લોકભારતી યુનિવર્સિટીનું વિરાટરૂપ ધારણ કરી ચૂકી છે.

લોકભારતી સાથે બાપુનો વર્ષોનો અતૂટ નાતો અને સ્નેહ રહ્યા છે, ત્યારે ગ્રામ વિદ્યાપીઠના આ પરિસરમાં ‘માનસ લોકભારતી’નું ગાન કરતા બાપુએ સહજ રીતે જ રામકથાગાન સાથે સાથે દરેક દિવસે પૂજ્ય નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી,મૂળશંકરભાઈ ભટ્ટ, નટવરલાલ બુચને યાદ કર્યા. કહોને, સ્મરણ શલાકાથી અંજલિ અર્પી. જીવાતા જીવન સાથે અનુબંધ સાધીને અનુભવ દ્વારા સાત દાયકાથી કેળવણી આપતી ગાંધી વિચાર સાથે ગ્રામાભિમુખ ઉચ્ચ શિક્ષણને સમર્પિત
ગ્રામસમાજ કેળવણીની સાધના ભૂમિ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠે એટલે જ તો રામકથાના દરેક વિશાળકાય હોર્ડિંગ્સમાં લખ્યું, ‘હાલો ગામડાઓને ફરી ધબકતા કરીએ….’


બાપુ મુલત: તળના માણસ, ગાંધીજી કહેતા હતા કે ‘ભારત ગામડાઓમાં વસે છે…’ આ વાત-વિચાર અન્વયે પૂ.મોરારિબાપુએ મૂલ્ય શિક્ષણ અને આત્મનિર્ભરતા તરફ દોરી જતી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ એવમ્ લોકભારતી યુનિવર્સિટીના લાભાર્થે રામકથા ગાન કર્યું હતું.
જેમાં લોકભારતીના અગ્રણીઓ રઘુવીરભાઈ ચૌધરી, રાજેન્દ્રભાઈ ખીમાણી, હસમુખભાઈ દેવમુરારી,ભદ્રાયુભાઈ વછરાજાની, રામચંદ્રભાઇ પંચોલી, અરુણભાઈ દવે તેમજ સમગ્ર સંસ્થા કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ, આગેવાનો, ગ્રામજનો દ્વારા રામકથાના શ્રોતાજનો માટે કથા શ્રવણ માટે તેમજ ભોજન, આવાસ તથા મંડપ સ્થળ આવન જાવનની સુંદરત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી.

લોકભારતીના મેનેજિંગ ટ્રસ્ટી, લોકવૈજ્ઞાનિક શ્રી અરૂણભાઇ દવેએ રામકથાના આટલાં મોટા ભગીરથ કાર્યને પાર પાડવા સંદર્ભે કહ્યું હતું કે’ હાંજા તો ગગડતા હતાં, છેલ્લે સુધી ડરમાં હતા કે કેમ પાર પાડીશું, પરંતુ બાપુ કૃપા અને રામ ભગવાને કરાવી દીધું. સાથે બાપુની રામકથા ટિમનો પણ અભૂતપૂર્વ ફાળો રહ્યો, જેથી કાર્ય વ્યવસ્થાપનની સુગમતા રહી’.
આમ, અથથી ઈતિ અરૂણભાઇ નાદુરસ્ત તબિયત છતાં સક્રીય રહી સતત ફોલોઅપ લેતાં રહ્યા અને સાબિત કરી આપ્યું કે લોકભારતી એટલે માત્ર નોકરી નહીં, પરંતુ ‘પરિવાર’ એવી ભાવના!

પિડીલાઈટના ડૉ. પી.કે.શુક્લાએ પણ ગ્રામ વિદ્યાપીઠ, લોકભારતી સંસ્થાનોના ઉત્કર્ષ માટે પિડીલાઈટ પરિવાર તરફથી અપાતાં આર્થિક યોગદાનની તથા પિડીલાઈટ સ્થાપિત વૈજ્ઞાનિક ઢબે કાર્ય કરતાં લોકભારતીના એગ્રિકલ્ચર રિસર્ચ સેન્ટરથી અવગત કરાવી પૂજ્ય બાપુની રામકથા નિમિત્તે લોકભારતીના ઉત્કર્ષ માટે આર્થિક સહયોગી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું તેનો હરખ વ્યક્ત કર્યો.

કથા પ્રારંભે લોકભારતીના વિદ્યાર્થીઓએ રામાયણના વિધવિધ પાત્રો શબરી, કૈકેયી, કેવટ, ઉર્મિલા, જટાયુ, વાલિયો- વાલ્મિકી, વિભિષણ અને ખિસકોલીના પાત્રોની નાટ્ય એકોક્તિ દ્વારા એકપાત્રિય અભિનયનાં માધ્યમે શ્રોતાજનોમાં આકર્ષણ જમાવ્યું.
લોકભારતીના સંગીત વૃંદ દ્વારા સુંદર સ્તુતિ-ભજનોની પ્રસ્તુતિ કર્ણપ્રિય રહી.

લોકભારતી પરિસરમાં નઈતાલીમ અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ રૂરલ ઇનોવેશનના સંદર્ભે ગ્રામાભિમુખ સંશોધન અને નવીનીકરણ તેમજ પ્રાકૃતિક કૃષિ અને કૃષિ પેદાશોનું મૂલ્યવર્ધન અંગેની ત્રિ-દિવસીય સંગોષ્ઠિનું સુચારું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાની પ્રારંભિક પ્રેરક ઉપસ્થિતિ રહી.

કથાગાન દરમ્યાન શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાએ નવી શિક્ષણ પ્રણાલી અને લોકભારતીના અનુબંધ દ્વારા પોતાના પ્રેરક ઉદબોધનમાં રાજીપો વ્યક્ત કરી પૂજ્ય મોરારીબાપુ દ્વારા રામકથાના સેતુબંધથી સંસ્કૃતિ અને સંસ્કારને વૈશ્વિક કક્ષાએ પહોંચાડવાની યાત્રાને શબ્દસ્થ કરી વંદના કરી હતી.

સુપ્રસિદ્ધ વક્તા-લેખક જય વસાવડા, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીરભાઈ ચૌધરી,
પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સામાજિક અગ્રણી ગિરીશભાઈ દલસુખભાઈ ગોધાણી સહિત રામકથા શ્રોતાગણોમાં સુખ્યાત સંતો મહંતો, રાજકીય અગ્રણીઓ, સાહિત્યકારો, શિક્ષણવિદો, સામાજિક અગ્રણીઓ પણ અન્ય શ્રેતાજનો સાથે કથાશ્રવણ માટે ઉપસ્થિત રહ્યા હતા.

સાંધ્ય કાર્યક્રમમાં એકતારો ફેમ હાર્દિક પ્રફુલભાઈ દવેએ ‘ભજન સંધ્યા’માં એકથી એક ચડિયાતી સુંદર રચનાઓ પ્રસ્તુત કરીને શ્રોતાગણને હિલોળે ચડાવ્યા. ઓડિયન્સને સુર-તાલના સથવારે ડોલાવ્યા જ નહીં, પરંતુ નર્તન પણ કરાવ્યું. લોકભારતીના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત નયનગમ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યો.

રામપારાયણ નિમિત્તે પૂજ્ય બાપુએ પોતાની આગવી શૈલીમાં રામાયણના પ્રસંગ કથનો-વર્ણનો સાથે અનુબંધ સાધતા શિવ કથા, કૃષ્ણ કથા, વેદો-ઉપનિષદોનાં સૂત્રાત્મક વાત-વિચાર સાથે સાથે ઈસુ ખ્રિસ્ત, ભગવાન બુદ્ધ, ઓશો રજનીશ, ગાંધીજીના મૂલ્યો, લોક પ્રસંગો, ગુરુવાણી, શિખામણ સુત્રો, અનુભવ કથાઓ દ્વારા રામાયણ મહામંત્રને ગુંજતો કર્યો હતો.

નિલેશ વાવડીયા, મહુવા
|| જય સિયારામ |

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!