રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલી જિલ્લાની મુલાકાતે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલી જિલ્લાની મુલાકાતે
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં બગસરામાં શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ‘દિવ્યમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવનો દિવ્ય અને ભવ્ય શુભારંભ
શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ‘દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવ અંતર્ગત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતમાં ગૌ આધારિત ‘પ્રાકૃતિક કૃષિ’ પરિસંવાદ સંમેલન સંપન્ન
ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વમાં સમસ્યાઓ વધી રહી છે, રસાયણમુક્ત-ઝેરમુક્ત ખેતી આજના સમયની પ્રમુખ જરુરિયાત છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
અમરેલી : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજે અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના બગસરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ‘દિવ્યમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવનો દિવ્ય અને ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.
બગસરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ‘દિવ્યમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવ અંતર્ગત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતમાં ગૌ આધારિત ‘પ્રાકૃતિક કૃષિ’ પરિસંવાદ સંમેલન પણ યોજાયું હતું. ઉપરાંત રાજ્યપાલશ્રીએ ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી અને ગૌ માતાનું પૂજન કર્યુ હતુ.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ હતું કે, સમગ્ર વિશ્વમાં આજે ગ્લોબલ વોર્મિંગના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થઈ રહી છે. જળ, જમીન અને વાયુનું પ્રદૂષણ વધી રહ્યું છે તેવા સમયે સમગ્ર દેશમાં ગૌ આધારિત ‘પ્રાકૃતિક કૃષિ’ ની આવશ્યકતા છે. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની આવશ્યકતા છે. ‘રસાયણમુક્ત – ઝેરમુક્ત’ ખેતી થકી જ આપણી જમીનને પ્રદૂષિત થતી અટકાવી સ્વસ્થ આહાર મેળવી શકાય તેમ છે, સ્વસ્થ આહાર થાકી આરોગ્યને સુરક્ષિત બનાવી શકાય છે.
ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ સંમેલન પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રેરક ઉદ્ધબોધનમાં કહ્યુ કે, ભારત એ ગુરુ-શિષ્ય પરંપરા ધરાવતો દેશ છે. આપણી સંસ્કૃતિમાં નારી દેવી સમાન છે. ગુજરાતમાં કૃષિ, ઉદ્યોગ સહિતના ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિકાસનું વિઝન મિશન સતત આગળ ધપી રહ્યું છે. ગુજરાતના વિકાસમાં શ્રી સ્વામિનારાયણ સહિતના તમામ સંપ્રદાયના સંતોનો અમૂલ્ય ફાળો છે. આ સંપ્રદાય અને સંતો સમાજ સુધારણાનું પણ કાર્ય કરી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતગણ ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વળવા ખેડૂતોને આહ્વાન કરી રહ્યા છે જે સરાહનીય કાર્ય છે. રાજ્યપાલશ્રીએ વધુમાં કહ્યુ કે, ગુજરાત ખાતે વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી સહિતની સંસ્થાઓ પ્રાકૃતિક કૃષિનો પ્રચાર અને પ્રસાર કરી રહી છે. સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા માટે સહકાર મળી રહ્યો છે. ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવતા રસાયણોથી જમીનને નુકશાન થાય છે તેના લીધે ખેતી ખર્ચ વધે છે અને ખેત ઉત્પાદન ઘટે છે.
ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી એ જૈવિક ખેતીથી ભિન્ન છે. ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઘટવાની સાથે જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન વધે છે. ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીનમાં અળસિયા, સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણ વધે છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ગૌ સંવર્ધન, લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ રક્ષણ, ખેડૂત અને દેશનું ધન બચે છે. રાજ્યપાલશ્રીએ સૌ ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે આહ્વાન કર્યું હતું.
આ સંમેલનમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ.સી.કે. ટીંબડીયાએ બગસરા તાલુકાના પાંચ ગામોમાં ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અભિયાન અપનાવવા અંગેની વિગતો જણાવી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ, બગસરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ‘દિવ્યમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવ નિમિત્તે સૌને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ‘દિવ્યમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવ કાર્યક્રમમાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું હારથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીનો આજે તા.૧૮મી જાન્યુઆરીએ જન્મ દિવસ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત બગસરાના શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંતશ્રીઓએ રાજ્યપાલશ્રીને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ૧૧ પ્રગતિશીલ ખેડૂતોએ ૧૧ પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશની ભેટ અર્પણ કરી રાજ્યપાલશ્રીના જન્મદિવસ નિમિત્તે રાજ્યપાલશ્રીનુ અભિવાદન કર્યું હતું.
બગસરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ‘દિવ્યમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવ ઉપરાંત ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ સંમેલન કાર્યક્રમમાં પૂજય સદગુરુ શ્રી લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી, પૂજય સદગુરુ શ્રી વિવેકસ્વરુપદાસજી સ્વામી, પૂજય સદગુરુ શ્રી નિત્યસ્વરુપદાસજી સ્વામી, વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા, પ્રાકૃતિક કૃષિના ગુજરાત રાજ્યના કન્વીનર મહાત્મા શ્રી પ્રફુલભાઈ સેંજલીયા, શ્રી દલસુખભાઈ હિરપરા, ટ્રસ્ટી શ્રી રાકેશભાઈ દુધાત, જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા, બગસરા પ્રાંત અધિકારી શ્રી નંદા અને બહોળી સંખ્યામાં ભકતજનો ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300