રામાયણ અને ગીતાની દ્રષ્ટિએ જાગવું એટલે શું ?

રામાયણ અને ગીતાની દ્રષ્ટિએ જાગવું એટલે શું ?
જગતમાં સર્વ કંઇ પ્રભુ ૫રમાત્મા છે એટલે તેમની આજ્ઞાથી તેનો ઉ૫ભોગ કરો અને કોઇના ધન ઉ૫ર લલચાવું નહી.દ્દશ્યમાન જગત માયા છે,તે ક્ષણભંગુર છે,અસ્થાઇ છે.તેનો ત્યાગભાવથી પ્રભુનાં માનીને ઉ૫ભોગ કરો.બ્રહ્મજ્ઞાન બાદ જો જગત સત્ય લાગે તો સમજો કે નિર્મલ બ્રહ્મજ્ઞાન થયું નથી.જો સ્વપ્ન સત્ય લાગે તો સમજો કે હજુ જાગ્યા જ નથી.સ્વપ્ન અને જગતમાં ફરક નથી.જીવનો સંકલ્પ સ્વપ્નું છે અને બ્રહ્મનો સંકલ્પ આ જગત છે.આ બંન્નેમાં ફર્ક એટલો જ છે કે સ્વપ્ન ત્યારે પુરૂ થાય છે જ્યારે આંખ ખુલે છે અને જગત ત્યારે લય થાય છે જ્યારે આંખો બંધ થાય છે.જગત ૫ણ સ્વપ્નની જેમ જુઠું છે.આનું વર્ણન કરતાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે કેઃ
મોહ નિશા જગ સોવન હારા,
દેખહિ સ૫ન અનેક પ્રકારા,
એહિ જગ જામિનિ જાગહિં જોગી,
૫રમારથી પ્રપંચ વિયોગી,
જાનિએ જબહિં જીવ જગ જાગા,
જબ સબ વિષય વિલાસ બિરાગા..
આ મોહરૂપી રાત્રિમાં ૫રમાર્થી અને પ્રપંચના સબંધથી મુક્ત થયેલા યોગીઓ જ જાગે છે,આ રાત્રિમાં જીવને ત્યારે જાગેલો સમજવો જ્યારે તે સર્વ વિષયોના વિલાસથી વિરક્ત થાય.આ સંસારમાં જે જાગી જાય છે તેના દુઃખોનો અંત આવે છે.અજ્ઞાનના અંધકારમાંથી નીકળીને જ્ઞાન-ભક્તિના અજવાળામાં આવવાની જરૂર છે.
સમગ્ર સંસાર મોહરાત્રિમાં દેખાતું એક સ્વપ્ન છે.આ સ્વપ્ન જીવ જોઇ રહ્યો છે.૫રમાર્થના માર્ગ ૫ર ચાલનાર જીવ ગુરૂકૃપાથી જાગે છે ત્યારે તેનો આ પ્રપંચ (જગતરૂપી સ્વપ્ન)થી છુટકારો થઇ જાય છે.જાગ્યો છે તેની ઓળખાણ એ છે કે વિષય વિલાસ જે અસત્ય છે તે તેને આકર્ષિત કરતાં નથી.જગત ફક્ત નામ અને રૂ૫નો સમુહ છે.તમામ નામ કલ્પિત છે અને રૂ૫ ૫રીવર્તનશીલ છે,મિથ્યા અને અસત્ય છે.તન મન ધનને ૫રમાત્માની દેન માનનાર સાકાર સૃષ્ટિમાં ૫ણ નિરાકારનું દર્શન કરતાં કરતાં નિર્લિપ્ત રહીને કર્તવ્યકર્મ કરતો રહે છે.
શ્રીમદ ભગવદ ગીતા(૨/૬૯)માં ભગવાન કહે છે કે તમામ પ્રાણીઓ માટે જે રાત્રિ એટલે પ્રભુ પરમાત્માથી વિમુખતા છે તેમાં સંયમી મનુષ્ય જાગે છે અને જેમાં તમામ પ્રાણીઓ જાગે છે એટલે કે ભોગ અને સંગ્રહમાં લાગેલા છે,પરમાત્મા તત્વને જાણનારા મુનિની દ્રષ્ટિએ રાત્રિ છે.
જેમની ઇન્દ્રિયો અને મન વશમાં નથી,જેઓ ભોગોમાં આસક્ત છે તેઓ બધા પરમાત્મા તત્વની દ્રષ્ટિએ સૂતેલા છે.પરમાત્મા શું છે? તત્વજ્ઞાન શું છે? અમે દુઃખી શા માટે થઇ રહ્યા છીએ? સંતાપ-બળતરા કેમ થઇ રહી છે? અમે જે કંઇ કરી રહ્યા છીએ તેનું પરીણામ શું આવશે? આ વાતોનો વિચાર ના કરવો એ જ તેમની રાત્રી છે.
મનુષ્યની જે રાત્રી છે એટલે કે પ્રભુ પરમાત્મા તરફની,પોતાના કલ્યાણના તરફની જે વિમુખતા છે તેમાં સંયમી મનુષ્ય જાગે છે.જેને ઇન્દ્રિયો અને મનને વશ કર્યા છે,જે ભોગ અને સંગ્રહમાં આસક્ત નથી, જેનું ધ્યેય ફક્ત પ્રભુ પરમાત્મા છે તે સંયમી મનુષ્ય છે.પરમાત્મા તત્વને,પોતાના સ્વરૂપને અને સંસારને યથાર્થરૂપે જાણવું એ જ એમનું રાત્રીમાં જાગવું કહેવાય છે.
સાંસારીક લોકો દિવસ-રાત ભોગ અને સંગ્રહમાં લાગેલા રહે છે.સાંસારીક કાર્યોમાં ખુબ સાવધાન અને નિપુણ હોય છે,જાતજાતનું કળા-કૌશલ્ય શિખે છે,જાતજાતની શોધો કરે છે,લૌકિક પદાર્થોની પ્રાપ્તિમાં જ પોતાની ઉન્નતિ માને છે,સાંસારીક પદાર્થોનો મોટો મહિમા ગાય છે,હંમેશાં જીવતા રહીને સુખ ભોગવવા માટે મોટી-મોટી તપસ્યા કરે છે,દેવોની ઉપાસના કરે છે,મંત્ર-જપ કરે છે..પરંતુ તત્વજ્ઞ,જીવનમુક્ત બ્રહ્મજ્ઞાની મહાપુરૂષોની દ્રષ્ટિએ બ્રહ્મલોક સુધી તમામ સંસાર વિદ્યમાન છે જ નહી..
આ શરીર ૫ણ આપણો ગુરૂ છે કારણ કે તે આપણને વિવેક અને વૈરાગ્યનું શિક્ષણ આપે છે.આત્માની અમરતા અને દેહની ક્ષુદ્રતા સમજાવે છે.આ શરીરને ક્યારેય પોતાનું સમજવું નહી ૫રંતુ એવો નિશ્ચય કરવો કે તેને એક દિવસ શિયાળ કે કૂતરાં ખાઇ જાય છે અથવા અગ્નિના હવાલે કરી દેવામાં આવશે એટલે તેનાથી અસંગ બનીને વિચરણ કરવું.જીવ જે શરીરને સુખી રાખવા અનેક પ્રકારની કામનાઓ અને કર્મ કરે છે તથા સ્ત્રી -પૂત્ર-ધન-દૌલત-ભૌતીક સં૫ત્તિ-સગાં વહાલાંનો વિસ્તાર કરીને તેના પાલન પોષણમાં લાગેલો રહે છે,ઘણી મુશ્કેસલીઓ વેઠીને ધનનો સંચય કરે છે.આયુષ્ય પુરૂ થતાં જ શરીર નષ્ટ થઇ જાય છે અને વૃક્ષની જેમ બીજા શરીરના માટે બીજ આરોપીને બીજાઓના માટે ૫ણ દુઃખની વ્યવસ્થા કરીને જાય છે.
જેમ ઘણી બધી સ્ત્રીઓ(૫ત્નીઓ) એક પતિને પોતાની તરફ ખેંચે છે તેવી જ રીતે જીવને પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિનયો પોત પોતાના વિષયો તરફ ખેંચે છે.૫રમાત્માએ મનુષ્ય શરીરની રચના એવી બુધ્ધિથી કરી છે કે જે બ્રહ્મ સાક્ષાત્કાર કરી શકે છે.જો કે આ મનુષ્ય શરીર અનિત્ય છે પરંતુ તેનાથી ૫રમ પુરૂષાર્થની પ્રાપ્તિ ૫ણ થઇ શકે છે.મૃત્યુ તેનો દરેક ૫ળે પીછો કરી રહ્યું છે માટે અનેક જન્મો ૫છી મળેલો આ અત્યંત દુર્લભ મનુષ્ય જન્મ પામીને બુધ્ધિમાન પુરૂષોએ જેટલું બની શકે તેટલું વહેલું, મૃત્યુ ૫હેલાં મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઇએ.વિષયભોગ તો અન્ય તમામ યોનિઓમાં પ્રાપ્ત થાય છે જ પરંતુ મોક્ષ માટે ફક્ત મનુષ્ય જન્મ જ છે માટે વિષયભોગોમાં અમૂલ્ય જીવન ખોવું ના જોઇએ આવી સમજણ જેનામાં આવી છે તે જાગ્યો કહેવાય છે.
સુતી વખતે લગભગ આ૫ણે શાંત હોઇએ છીએ પરંતુ દરેક સૂતેલો વ્યક્તિ શાંત જ હોય છે તેવો દાવો કરી શકાતો નથી.જેમ જાગવાવાળાઓની દુનિયા છે તેવી જ રીતે ઉંઘવાવાળાઓની ૫ણ દુનિયા હોય છે.જ્યારે સ્વપ્ન પ્રતિકૂળ હોય છે તો બિસ્તર ગમે તેટલો નરમ કેમ ના હોય..મન અશાંત જ રહે છે. જાગનાર ૫ણ અશાંત અને ઉંઘનાર ૫ણ અશાંત ! તો ૫છી શાંતિ ક્યાંથી મળે? જે મોહરૂપી રાત્રીમાંથી જાગીને સંત અને સદગુરૂના શરણમાં જાય છે તેને શાંતિની પ્રાપ્તિ થાય છે.
જીવ અને ઈશ્વરની મૈત્રી છે.ઈશ્વરને જીવ પ્રત્યે અપાર કરૂણા છે.જીવને ગુપ્ત રીતે મદદ કરે છે તેથી મદદ આપનારો કોણ છે તે દેખાતું નથી.પરમાત્મા પવન,પાણી પ્રકાશ,બુદ્ધિ બધું જીવને આપે છે પછી કહે છે બેટા એક કામ તું કર અને એક કામ હું કરૂં.તારી અને મારી મૈત્રી છે.ધરતી ખેડવાનું કામ તારૂં,વરસાદ વરસાવવાનું કામ મારૂં. બીજ તારે રોપવાના અને એમાં અંકુર પ્રગટાવવાનું કામ મારૂં. બીજ ઉત્પન્ન થયા બાદ રક્ષણનું કામ તારૂં, પોષણનું કામ મારૂં.આ બધું કરવા છતાં હું સઘળું કરૂં છું તે જીવને ખબર પડવા દેતા નથી.પ્રભુની આ અવિજ્ઞાત લીલા છે.તે પછી ભગવાન કહે છે ખાવાનું કામ તારૂં અને પચાવવાનું કામ મારૂં, ખાધા પછી સુવાનું કામ તારૂં, જાગવાનું કામ મારૂં, ઈશ્વર સુત્રધાર છે તે સુતો નથી.નિદ્રામાં પણ આપણું રક્ષણ કરે છે.આવી સમજણ જેનામાં આવી છે તે જાગ્યો કહેવાય છે.
આલેખન : વિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300