સરકાર ખેડૂતો કરતા અમીરોને વધારે મહત્વ કેમ આપે છે? – રાહુલ ગાંધી

ન્યુ દિલ્હી,
લોકસભામાં કોંગ્રેસ સાંસદોએ ખેડૂતોની સ્થિતિ વિશે ચર્ચા કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા સંસદીય વિસ્તાર વાયનાડમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. અહીં ૮ હજાર ખેડૂતોને લોન ન ચૂકવી હોવાથી નોટિસ આપવામાં આવી છે અને કેરળમાં ૧૮ ખેડૂતોએ આત્મહત્યા કરી છે કારણકે તેઓ બેન્કની લોન ચૂકવી શક્યા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં સરકારે ખેડૂતોને ખૂબ ઓછા પૈસા આપ્યા છે જ્યારે અમીરોને ખૂબ વધારે આપ્યા છે. આવું બમણુ વલણ કેમ? સરકાર માટે ખેડૂતો કરતા અમીરો વધારે મહત્વના કેમ છે? રાહુલ ગાંધીએ સરકાર પાસે માંગણી કરતા કહ્યું છે કે, આરબીઆઈને નિર્દેશ આપે અને ખેડૂતોને ધમકાવવાનું બંધ કરે. દેશમાં
ખેડૂતોની સ્થિતિ ખૂબ ખરાબ છે, તે માટે સરકારે કોઈ પગલાં લેવા જાઈએ.
લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન વિશે સીનિયર નેતા રાજનાથ સિંહે કહ્યું કે, ખેડૂતોની દયાજનક સ્થિતિ ૪-૫ વર્ષમાં નથી થઈ. જે લોકોએ લાંબા સમયથી સરકાર ચલાવી છે તેઓ આ માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર આવ્યા પછી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં પગલાં લેવામાં આવ્યા છે. જેટલા ટેકાના ભાવ અમારી સરકારમાં વધ્યા છે તેટલા કોઈ સરકારમાં નથી વધ્યા. રાજનાથ સિંહે કહ્યું કે, દરેક ખેડૂતોને રૂ. ૬ હજાર પેન્શન આપવાનું પણ અમારી સરકારમાં નક્કી કરવામાં આવ્યું છે. ખેડૂતોની સૌથી વધારે આત્મહત્યા આ પહેલાંની સરકારના સમયમાં થઈ છે અને તે વાત હું દાવા સાથે કહી શકુ છું.