સૌથી શક્તિશાળી સ્વદેશી રોકેટ ‘બાહુબલી’ ૧૫ જુલાઈએ લોન્ચ થશે

ન્યુ દિલ્હી,
ભારતની ચંદ્ર યાત્રાની શરૂઆત બહું જલ્દી થશે. આ દિશામાં પ્રથમ ડગલા સ્વરૂપે રોકેટ ‘બાહુબલી’નું લોન્ચિંગ ૧૫ જુલાઈના રોજ કરવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. શ્રીહરિકોટાથી તેને લોન્ચિંગ કરવામાં આવશે. આ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર રહેશે. ઈસરોએ ભારતના બાહુબલી રોકેટની તસવીરો શેર કરી છે. જેમાં આ રોકેટ પોતાના લોન્ચીંગ પેડ પર ઉભેલું જાવા મળી રહ્યું છે. આ રોકેટ ભારતની ચંદ્ર સુધીની યાત્રાની શરૂઆત કરશે. ‘બાહુબલી’ની ઉપર જ ભારતના મિશન ચંદ્રાયન-૨ની સફળતા આધાર રાખે છે. ત્રણ દિવસ બાદ ૧૫ જુલાઈના રોજ મધરાતે લગભગ ૨.૫૧ વાગ્યે તેને લોન્ચ કરવામાં આવશે.
આ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી લોન્ચર છે જેના નાનાથી લઈને મોટામાં મોટા પાર્ટ સુધીનું બધું જ સ્વદેશમાં જ તૈયાર કરવામાં આવ્યું છે. બાહુબલી રોકેટનું વજન ૬૪૦ ટન છે. આ ઉપરાંત આ રોકેટ અત્યાર સુધીનું સૌથી વધુ ઉંચાઈ ધરાવતું લોન્ચર પણ બન્યું છે. જેની ઉંચાઈ ૧૫ માળની બિલ્ડીંગ જેટલી છે. રોકેટ બાહુબલી ચાર ટનના વજનના ઉપગ્રહને અવકાશમાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે. રોકેટના લોન્ચિંગ વખતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ શ્રીહરિકોટાના પ્રક્ષેપણ સ્થળ પર વિજ્ઞાનીઓની ટીમ સાથે હાજર રહેશે.