સંત-ચરીત્ર : ભગવાન કૃષ્ણના પરમ ભક્ત શ્રી બિલ્વમંગલજીનું જીવન-ચરીત્ર

સંત-ચરીત્ર : ભગવાન કૃષ્ણના પરમ ભક્ત શ્રી બિલ્વમંગલજીનું જીવન-ચરીત્ર
Spread the love

સંત-ચરીત્ર : ભગવાન કૃષ્ણના પરમ ભક્ત શ્રી બિલ્વમંગલજીનું જીવન-ચરીત્ર

દક્ષિણ ભારતમાં કૃષ્ણવીણા નદીના કિનારે એક ગામમાં રામદાસ નામના ભગવદભક્ત બ્રાહ્મણ રહેતા હતા.તેમના પૂત્રનું નામ બિલ્વમંગલ હતું.પિતાએ યથાસાધ્ય પૂત્રને ધર્મશાસ્ત્રોનું શિક્ષણ આપ્યું હતું.પિતાની શિક્ષા તથા તેમના ભક્તિભાવના પ્રભાવથી બાળપણથી જ બિલ્વમંગલ શાંત, શિષ્ટ અને શ્રદ્ધાવાન બની ગયા હતા પરંતુ દૈવયોગથી માતા-પિતાનું દેહાવસાન થયા પછી તમામ સંપત્તિ ઉપર તેનો અધિકાર થયો ત્યારથી તેને કુસંગી મિત્રોનો સંગ થવા લાગ્યો. “માણસ ખરાબ નથી હોતો તેને જેવો સંગ મળે છે તેવો તે બની જાય છે.”

હિતોપદેશમાં કહ્યું કે “યુવાની, ધન, પ્રભુત્વ (પદ-પ્રતિષ્ઠા,માન-મોટાઇ) અને અવિવેક..આમાંથી એક આવી જાય તો પણ ઘણો મોટો અનર્થ થાય છે તો પછી આ ચારેય જીવનમાં આવી જાય તો કહેવું જ શું?” બિલ્વમંગલ પાસે ધન હતું, યુવાનીનું પૂર હતું અને કુસંગી મિત્રોના સંગમાં અવિવેકે આવીને અડ્ડો જમાવી દીધો.ધીરે ધીરે તેના અંતઃકરણમાં અનેક દોષોએ ઘર કરી લીધું.એક દિવસ ગામમાં ચિંતામણી નામની વેશ્યાનો નાચ-ગાનનો કાર્યક્રમ હતો.નાચ-ગાનના શોખીનો મોટી સંખ્યામાં સહભાગી થયા.બિલ્વમંગલ પણ મિત્રોની સાથે ત્યાં પહોચ્યો.વેશ્યાની સુંદરતા જોઇને બિલ્વમંગલનું મન ચંચળ બન્યું.વિવેકશૂન્ય બુદ્ધિએ સહારો આપ્યો, બિલ્વમંગલ ભાન ભૂલ્યો અને તેને હાડ-માંસ ભરેલા,ચામડાથી મઢેલા કલ્પિત રૂપ ઉપર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. તન મન ધન કુળ માન-મર્યાદા અને ધર્મ બધું જ ભૂલી ગયો.બ્રાહ્મણ કુમારનું પતન થયું.સૂતાં-જાગતાં, ઉઠતાં-બેસતાં અને ખાતાં-પીતાં તમામ સમયે બિલ્વમંગલ ચિંતામણીનું જ ચિંતન કરવા લાગ્યો.થોડા સમયના ખરાબ સંગનું આ દુષ્પરિણામ હતું.

બિલ્વમંગલના પિતાનું શ્રાદ્ધ હતું એટલે આજે તે નદીના સામા કિનારે ચિંતામણીના ઘેર મળવા ના જઇ શકતો નથી.શ્રાદ્ધની તૈયારી થઇ રહી છે.વિદ્વાન કુલપુરોહિત શ્રાદ્ધના મંત્રો બોલી રહ્યા છે પરંતુ તેનું મન તો ચિંતામણીના ચિંતનમાં નિમગ્ન હતું. ગમે તેમ કરીને શ્રાદ્ધની વિધિ પતાવી બ્રાહ્મણોને ભોજન કરાવી બિલ્વમંગલ ચિંતામણીના ઘેર જવા તૈયાર થયો પરંતુ સાંજ પડી ગઇ હોવાથી મિત્રોએ સમજાવ્યું કે આજે તારા પિતાનું શ્રાદ્ધ છે તેથી વેશ્યાના ઘેર ના જવું જોઇએ પરંતુ તે કોઇની વાત સાંભળતો નથી. તેનું હ્રદય તો ક્યારનું ધર્મ-કર્મને છોડી ચુક્યું હતું.બિલ્વમંગલ દોડીને નદીના કિનારે જાય છે.ભગવાનની માયા અપાર છે. અકસ્માતે પ્રબળ વેગથી તૂફાન આવે છે અને ભારે વરસાદ તૂટી પડે છે. આકાશમાં અંધકાર છવાયો છે. વાદળોની ભયાનક ગર્જના અને વીજળીના કડાકાથી તમામ જીવો ભયભીત થઇ રહ્યા હતા. રાત-દિવસ નદીમાં રહેનારા કેવટોએ પોતાની નાવો કિનારે બાંધી વૃક્ષ નીચે સહારો લીધો હતો પરંતુ બિલ્વમંગલ ઉપર આની કોઇ અસર ના થઇ. બિલ્વમંગલે કેવટને સામે કિનારે લઇ જવા વારંવાર વિનંતી કરી, ડબલ ઉતરાઇ આપવાનું પ્રલોભન આપ્યું પરંતુ તમામ કેવટોએ સામા કિનારે લઇ જવાની ના પાડી દીધી.

વિલંબ થતાં બિલ્વમંગલની વ્યાકુળતા વધી ગઇ અને છેવટે આગળ-પાછળની વિચાર કર્યા વિના તરીને પાર ઉતરવા નદીમાં કૂદી પડ્યો.ઘણું દુઃસાહસ ભર્યું કામ હતું પરંતુ “કામાતુરાણાં ન ભયં ન લજ્જા” સંયોગવશ નદીમાં એક મડદું તરતું હતું, બિલ્વમંગલે તેને લાકડું સમજીને સામા કિનારે દિગંબર અવસ્થામાં પહોંચી ગયો. બિલ્વમંગલના પિતાનું શ્રાદ્ધ હતું એટલે આજે તે નહી આવે તેમ સમજી ચિંતામણી ઘરના તમામ દરવાજા બંધ કરી સૂઇ ગઇ હતી. બહારથી તેને અનેકવાર બૂમો પાડવા છતાં ભારે તોફાનના લીધે અંદર અવાજ જતો નથી. વિજળીના પ્રકાશમાં તેને ઘરની દિવાલ ઉપર દોરડું લટકતું જોયું અને તેને પકડીને ચિંતામણીના ઘરમાં પ્રવેશ કરીને તેને જગાડે છે. બિલ્વમંગલને જોઇને ચિંતામણીને ઘણી જ નવાઇ લાગે છે. તેનું શરીર નગ્ન છે,શરીરમાં ભયાનક દુર્ગંધ આવે છે તેથી ચિંતામણીએ પુછ્યું કે આવી ભયાનક રાતમાં તમે બંધ ઘરમાં કેવી રીતે આવ્યા?

બિલ્વમંગલે લાકડા ઉપર બેસીને નદી પાર કરીને અને દોરડાના સહારે દિવાલ ઉપર ચઢી આવવાની વાત કરી.વરસાદ રોકાઇ ગયો હતો.ચિંતામણી હાથમાં ફાનસ લઇને બહાર જુવે છે તો એક ભયાનક કાળો નાગ દિવાલ ઉપર લટકી રહ્યો હતો અને નદી કિનારે સડી ગયેલ મડદું પડેલું જુવે છે. બિલ્વમંગલ પણ આ જોઇને ગભરાઇ જાય છે.

ચિંતામણી ઠપકો આપતાં કહે છે કે તૂં બ્રાહ્મણ છે.આજે તારા પિતાનું શ્રાદ્ધ હતું પરંતુ એક હાડ-માંસના શરીર ઉપર તૂં એટલો આસક્ત થઇ ગયો કે પોતાના તમામ ધર્મ-કર્મને તિલાંજલી આપીને આવી ભયાનક રાતમાં મડદા અને સાપના સહારે અહીયાં દોડી આવ્યો ! તૂં આજે જેને પરમ સુંદર સમજીને ગાંડો બન્યો છે તેની તો એક દિવસ આ સડેલા મડદા જેવી જ દશા થવાની છે.તારી આવી નીચ વૃત્તિને ધિક્કાર છે ! અરે ! આટલી આસક્તિ મનમોહન શ્યામ સુંદર ઉપર હોત, તેમને મળવાની આવી તાલાવેલીથી દોડ્યો હોત તો અત્યાર સુધી તેમને પામીને અવશ્ય કૃતાર્થ થયો હોત.

ચિંતામણીની વાણીએ બહુ મોટું કામ કર્યું. બિલ્વમંગલ ચિંતન કરવા લાગ્યો. બાળપણના સંસ્કારોની સ્મૃતિ મનમાં જાગી ઉઠી.પિતાજીની ભક્તિ અને તેમની ધર્મપરાયણતાનું દ્રશ્ય તેની આંખો આગળ મૂતિમંત બની નાચવા લાગ્યું.વિવેક જાગૃત થયો,ભગવદપ્રેમનો સાગર ઉમટ્યો અને તેની આંખોમાં આંસુઓની ધારા વહેવા લાગી. તેને ચિંતામણીના પગ પકડ્યા અને કહ્યું કે માતા ! તમે આજે મને દિવ્ય-દ્રષ્ટિ આપીને કૃતાર્થ કર્યો છે.મનોમન ચિંતામણીને ગુરૂ માનીને ત્યાંથી નીકળી ગયો.

શ્યામ સુંદરની પ્રેમમયી મનોહર મૂર્તિના દર્શન કરવા માટે બિલ્વમંગલ પાગલની જેમ અહી તહી ભટકવા લાગ્યો.ઘણા દિવસો પછી અચાનક રસ્તામાં પરમ રૂપવતી સુંદરતાની મૂર્તિ એક યુવતીને જુવે છે. પૂર્વના સંસ્કાર પુરેપુરા દૂર થયા નહોતા. યુવતીનું સુંદર રૂપ જોઇને તેના નેત્રો ચંચળ બને છે અને મનને ખેંચી લઇ જાય છે.

ભગવાને ગીતામાં કહ્યું છે કે “રસબુદ્ધિ રહેવાથી યત્ન કરવા છતાં બુદ્ધિમાન મનુષ્યની પણ મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો તેના મનને બળપૂર્વક હરી લે છે.(ગીતાઃ૨/૬૦)” આ અનુસાર બિલ્વ મંગલને પણ મોહ થયો. ભગવાનને ભૂલીને તે પુનઃ પતંગીયુ બનીને વિષયાગ્નિની તરફ દોડ્યો. બિલ્વમંગલ તે યુવતીની પાછળ પાછળ તેના મકાન સુધી ગયો. યુવતી પોતાના ઘરમાં ચાલી ગઇ અને દરવાજો અંદરથી બંધ કરી દીધો.બિલ્વમંગલ ઉદાસ થઇને દરવાજાની બહાર ઓટલા ઉપર બેસી જાય છે. ઘરના માલિકે બહાર આવીને જોયું કે એક મલિનમુખ અતિથિ બ્રાહ્મણ બહાર બેઠો છે, તેમને કારણ પુછ્યું તો બિલ્વમંગલે કપટ છોડીને તમામ ઘટના સંભળાવી અને કહ્યું કે હું ફરી એકવાર તે યુવતીને દિલભરીને જોવા ઇચ્છું છું તેને બહાર બોલાવો. આ યુવતી શેઠની ધર્મપત્ની હતી. શેઠે વિચાર્યું કે જો મારી પત્નીને જોવાથી તેને તૃપ્તિ થતી હોય તો તેને બહાર બોલાવવાં શું વાંધો હોઇ શકે ! આમ વિચારી અતિથિવત્સલ શેઠ પોતાની પત્નીને બોલાવવા ઘરની અંદર જાય છે. આ બાજુ બિલ્વમંગલના મનમાં અનેક પ્રકારના વિચારોનું તોફાન ચાલતું હતું.

“જે એકવાર અનન્યભાવથી ભગવાનના શરણમાં જાય છે તેમના યોગક્ષેમની તમામ જવાબદારી ભગવાન ઉપાડી લે છે.” આજે બિલ્વમંગલને સાચવી લેવાની જવાબદારીની ચિંતા ભગવાનને હતી. દીન વત્સલ ભવાને અજ્ઞાનાન્ધ બિલ્વમંલને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા. તેમને પોતાના સ્વ-સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું, હ્રદય શોકથી ભરાઇ ગયું. તેમને નજીકમાંના બાવળના વૃક્ષના બે કાંટા તોડી લાવ્યા, એટલામાં જ શેઠની પત્ની ત્યાં આવી પહોંચી. બિલ્વમંગલે તેમને જોયાં અને મનોમન પોતાને ધિક્કાર કરતાં કહ્યું કે અભાગી આંખો ! તૂં ના હોત તો આજે મારી આ દશા ના થાત,આટલું કહીને આંખોને દંડ આપવા બાવળની બે શૂળો આંખોમાં ભોંકી દીધી. આંખોમાંથી લોહીની ધારા છુટી. બિલ્વમંગલ ર્હંસતો નાચતો જોર જોરથી હરિનામ ઉચ્ચારવા લાગ્યો. શેઠ અને તેમની પત્નીને ઘણું જ દુઃખ થયું પરંતુ તેઓ બિચારાં નિરૂપાય હતાં. બિલ્વમંગલના ચિત્તનો મલ આજે નષ્ટ થયો અને તે અનાથોના નાથને પ્રાપ્ત કરવા વ્યાકુળ બન્યા.

ભગવાનની પ્રાપ્તિનું નામ યોગ અને તેમના નિમિત્તે કરવામાં આવતા સાધનોની રક્ષાનું નામ ક્ષેમ છે. પરમ પ્રિયતમ ભગવાન શ્રીકૃષ્ણના દારૂણ વિયોગની વ્યથાથી તેમની ફુટેલી આંખો ચૌવીસ કલાક આંસુ વહાવતી હતી. તેમને ભૂખ-તરસ કે સુવા-જાગવાનું ભાન નથી. કૃષ્ણ-કૃષ્ણના નામ ઉચ્ચારણ કરતા કરતા ગામેગામ ફરે છે.

સ્વાર્થ અને કામનાથી પ્રેમ કલંકિત થાય છે અને સામા પાત્રમાં દોષ જુવે છે કારણ કે ત્યાં લેન-દેનનો વ્યવહાર હોય છે પરંતુ નિર્મળ પ્રેમના સાગરમાં પ્રેમ સિવાય બીજાને સ્થાન હોતું નથી અને આવા પ્રેમમાં પ્રેમાસ્પદને ચૈન પડતું નથી અને તે દોડતા આવવું જ પડે છે.

આજે આંધળા બિલ્વમંગલ કૃષ્ણપ્રેમમાં મતવાળા બની અહી-તહી ભટકે છે. ક્યાંક પડી જાય છે તો ક્યાંક ટકરાઇ જાય છે. ખાવા-પીવાનું ઠેકાણુ નથી. આવી દશામાં ભગવાન કેવી રીતે નિશ્ચિંત રહી શકે? એક નાનકડા ગોપ બાળકનું રૂપ લઇ ભગવાન બિલ્વમંગલ પાસે આવી પોતાની મધુર વાણીથી કહે છે કે સૂરદાસજી ! આપને ઘણી ભૂખ લાગી હશે તો હું મીઠાઇ અને પાણી લાવ્યો છું જેને આપ ગ્રહણ કરો. બિલ્વમંગલના પ્રાણ તો બાળકના મધુર સ્વરથી મોહિત થાય છે.તેમના હાથનો દુર્લભ પ્રસાદ પામીને હ્રદય પુલકિત થઇને પુછે છે કે ભાઇ ! તમારૂં ઘર ક્યાં છે? તમારૂં નામ શું છે? તમે શું કરો છો?

બાળક કહે છે કે મારૂં ઘર નજીક જ છે.મારૂં કોઇ ખાસ નામ નથી.મને જે નામથી બોલાવે છે હું તેનાથી જ બોલું છું.ગાયો ચરાવું છું.મને જે પ્રેમ કરે છે હું તેની સાથે પ્રેમ કરૂં છું.બાળકની મધુર વાણી સાંભળી બિલ્વમંગલ વિમુગ્ધ બને છે.બાળક જતાં જતાં કહે છે કે હું રોજ આવીને તમોને ભોજન કરાવીશ.બિલ્વ મંગલ કહે છે કે આ ઘણી સારી વાત છે તમે રોજ આવતા રહેજો.બાળક ચાલ્યો જાય છે. ભગવાન ભક્તો માટે શું નથી કરતા? અનેક પ્રકારની ભોગ સામગ્રીઓનો ભોગ લગાવીને પણ જે તેમની કૃપા માટે તરસે છે તે કૃપાસિંધુ આજે બિલ્વમંગલને પોતાના હાથે ભોજન કરાવે છે.

બિલ્વમંગલ એ ના સમજી શક્યા કે જેના માટે મેં ફકીરી લીધી અને આંખો ફોડી તે આ બાળક તો નહી હોય ! એક દિવસ મનોમન વિચાર કરવા લાગ્યા કે તમામ આફતો છોડીને અહીયાં આવ્યો તો નવી આફત આવી છે. સ્ત્રીનો મોહ છોડ્યો તો આ બાળકના મોહમાં મને ઘેરી લીધો છે આવો વિચાર કરતા હતા ત્યાં જ આ રસિક બાળક તેમની સામે આવીને બેસી ગયો અને કહે છે કે બાબા ! એકલા એકલા શું વિચારો છો? મારી સાથે વૃંદાવન આવશો? વૃંદાવનનું નામ સાંભળતાં જ તેમને ખુશી થાય છે પરંતુ પોતાની અસમર્થતા પ્રગટ કરતાં કહે છે કે ભાઇ ! હું આંધળો છું તો વૃંદાવન કેવી રીતે આવી શકું? બાળક કહે છે કે આ મારી લાકડી પકડી લો હું તમોને દોરીને લઇ જઇશ. બિલ્વમંગળ ખુશ થઇને લાકડી પકડીને ચાલે છે આગળ ભગવાન અને પાછળ ભક્ત. વૃંદાવન પહોંચતાં બાળક કહે છે કે બાબા ! વૃંદાવન આવી ગયું હવે હું જાઉં છું. બિલ્વમંગલે બાળકનો હાથ પકડી લીધો.હાથનો સ્પર્શ થતાં જાણે આખા શરીરમાં વિજળીના કરંટ જેવો અનુભવ થયો. સાત્વિક પ્રકાશથી તમામ દ્વાર પ્રકાશિત થયાં.બિલ્વમંગલને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્તિ થઇ અને તેમને જોયું કે બાળકના રૂપમાં સાક્ષાત્ શ્યામસુંદર છે.શરીર રોમાંચિત થયું.આંખોમાં પ્રેમાશ્રુની ધારા વહેવા લાગી.તેમને ભગવાનનો હાથ જોરથી પકડી લીધો અને કહ્યું કે હવે હું આપને ઓળખી ગયો છું. ઘણા દિવસો પછી આપને પકડી શક્યો છું. પ્રભુ ! હવે હું તમારો હાથ નહી છોડું.ભગવાને જોરથી ઝટકો મારીને હાથ છોડાવી લીધો.જેના બળથી માયા સમગ્ર જગત ચલાવી રહી છે તેમના બળ આગળ બિચારા આંધળા શું કરી શકે !

બિલ્વમંગલ કહે છે કે જાઓ છો? પરંતુ યાદ રાખો હાથ છુડાતે જાત હો,નિર્બલ જાનિકૈ મોહિ, હ્રદયતેં જબ જાઉગે સબલ બદૌગો તોહિ.. ભગવાન કેવી રીતે જઇ શકે? કેમકે તેમને પ્રતિજ્ઞા કરી છે કે “જે ભક્તો મારૂં જેવા ભાવથી શરણ લે છે હું તેમને એવા ભાવથી આશ્રય આપું છું કેમકે સૌ મનુષ્યો સર્વ રીતે મારા માર્ગનું અનુસરણ કરે છે.” (ગીતાઃ૪/૧૧)

ભગવાને બિલ્વમંગલની આંખો ઉપર પોતાના કોમળ હાથનો સ્પર્શ કરતાં તેમની આંખો ખુલી.નેત્રોથી ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન કરતાં તે ભગવાનના ચરણોમાં પડી અશ્રુથી ચરણકમળોને ધોવા લાગ્યા. ભગવાને તેમને છાતી સરસા ચાંપી લીધા.ભક્ત અને ભગવાનના મધુર મિલનથી તમામ જગતમાં મધુરતા છવાઇ ગઇ.દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી.સંતો-ભક્તોના ટોળા નાચવા લાગ્યા.હરિનામના પવિત્ર ધ્વનિથી આકાશ છવાઇ ગયું.ભક્ત અને ભગવાન બંન્ને ધન્ય થઇ ગયા.ચિંતામણી,શેઠ અને તેમની પત્ની પણ આવી પહોચ્યા.ભક્તના પ્રભાવથી ભગવાને તે તમામને દિવ્ય દર્શન આપી કૃતાર્થ કર્યા. બિલ્વમંગલ જીવનભર ભક્તિનો પ્રચાર કરી,ભગવાનની મહિમા વધારતાં છેલ્લે ગોલોકધામમાં ગયા.તેમણે ચિંતામણીના સંગમાં રહી વ્રજગોપીઓ સાથે ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું સુંદર વર્ણન “કૃષ્ણકર્ણામૃત” નામના સુંદર કાવ્ય સંગ્રહમાં કર્યું છે.(ભક્તમાલ)

આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!