શંખેશ્વરના રાજુભાઈ જાદવ હળદરની પ્રાકૃતિક ખેતી કરીને GOPCA સર્ટીફિકેટ મેળવ્યું…

શંખેશ્વરના રાજુભાઈ જાદવ હળદરની પ્રાકૃતિક ખેતી કરીને GOPCA સર્ટીફિકેટ મેળવ્યું…
પ્રાકૃતિક ખેતીનો સફળ પ્રયોગ કરીને ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરતા રાજુભાઈને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ તેમજ GOPCA સર્ટીફિકેટ પણ મળેલ..અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત છે….
પાટણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વધી રહી છે. હાલમાં જિલ્લા ભરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરીત કરવામાં આવી રહ્યા છે. આંકડાઓ પર નજર કરીએ તો પાટણ જિલ્લામાં ૫ હજારથી વધુ તાલીમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના ૧૬ હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. આ ખેડૂતો અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બને છે. આવ જ એક ખેડૂતની વાત કરવી છે જેઓ અન્ય ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિના આઈકોન બન્યા છે.
વાત કરીએ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુંવારદ ગામના રાજુભાઈ જગમાલભાઈ જાદવની. રાજુભાઈ વર્ષ 2017-18 થી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે. પ્રાકૃતિક ખેતીના સંદર્ભમાં અનેક પુરસ્કારો પ્રાપ્ત કરેલ રાજુભાઈ અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. રાજુભાઈ 5.48 હેકટર જમીન ધરાવે છે. તેઓએ પોતાનું પ્રાકૃતિક મોડલ ફાર્મ બનાવ્યું છે. જેની ખેડૂતો મુલાકાત લેવા માટે પણ આવે છે. રાજુભાઈ કાળુ જીરૂ અને હળદરના પાકોનું વાવેતર કરનાર જિલ્લાના પ્રથમ વ્યક્તિ છે. પોતાની એક હેક્ટર જમીનમાં બાગાયતી પાક હળદરની પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધન કરનાર રાજુભાઈ સેલમ જાતની હળદરનું વાવેતર કરે છે. તેઓ હળદરની માતૃગાંઠને પ્રાકૃતિક ખેતીના આયામો જેમ કે બીજામૃતનો પટ આપીને તેમજ જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદનના ઉપયોગથી સિંચાઈના પાણીની બચત થાય તે માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને વાવેતર કરે છે.
રાજુભાઈ જણાવે છે કે આત્મા કચેરી મારફતે ટ્રેનિંગ લીધા બાદ મે પ્રાકૃતિક ખેતી કરવાનું નક્કી કર્યું હતુ. સૌ પ્રથમ મે કાળુ જીરૂ અને હળદરનું વાવેતર કર્યું હતુ. હળદરના ઉત્પાદનમાંથી કોલ્ડ પ્રોસેસિંગ પધ્ધતિથી પાવડર બનાવી બજારમાં પોતાના નામથી મે સીધુ વેચાણ કર્યું હતુ. “પ્રાકૃતિક કૃષિ” દ્વારા ઉત્પાદીત હળદર પાવડર પ્રતિ કિલોએ રૂ.400/- ના સરેરાશ ફિક્સ ભાવે વેચાણ કર્યું હતુ. આમ દર સિઝને મારા નિયમિત ગ્રાહકો ખેતર ઉપરથી “પ્રાકૃતિક કૃષિ” દ્વારા ઉત્પાદન થતી હળદર અને તેના પાવડરનું એડવાન્સ બુકિંગ કરાવી ખરીદી કરે છે.
બાગાયતી પાકો અને તેના મૂલ્યવર્ધન થકી ઉત્પાદીત પેદાશોનું સીધું વેચાણ કરવામાં આવે તો સારા ભાવ મળે છે. રાજુભાઈ અન્ય ખેડૂતોને પણ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી કરવા માટે આહ્વાન કરે છે. રાજુભાઈ પાટણ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર તરીકેની સફળ કામગીરી કરી રહ્યા છે. તેમજ તેઓને વિવિધ કૃષિલક્ષી સંસ્થાઓ દ્વારા સરાહનીય ખેતી માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજુભાઈને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ તેમજ GOPCA સર્ટીફિકેટ પણ મળેલ છે.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300