ઉજીમાને હેલીકૉપટરમાં યાત્રા કરાવો

// રામ//
ઉજીમાને હેલીકૉપટરમાં યાત્રા કરાવો : જયદેવ માંકડ
થોડીવારમાં અમદાવાદથી એક હેલિકોપ્ટર ‘ ચિત્રકૂટ ‘હેલીપેડ પર ઉતરવાનું હતું. પૂજ્ય મોરારીબાપુને લઈ ને અમદાવાદથી આ હેલિકોપ્ટર આવી રહ્યું હતું. આમ જુઓ તો આ અગાઉ હેલિકોપ્ટર તો અનેક વખત આવી ગયું હતું. પરંતુ આજે કઈંક વિશેષ ઘટના ઘટી રહી હતી ! પૂજ્ય બાપુને તલગાજરડા હેલીપેડ પર ઉતારી એ હેલિકોપ્ટર જ્યારે અમદાવાદ પરત જવાનું હતું ત્યારે તેમાં ઉજીમા સવારી કરવાના હતાં. ગત અનેક વર્ષોથી ચિત્રકૂટધામમાં સેવારત ઉજીમાંએ તે હેલીકૉપટરમાં અમદાવાદ જવાનુ હતું. સાથે વિઠ્ઠલભાઈ અને રસીલાબહેન પણ જવાના હતાં. ઉજીમા સાવ સામાન્ય પરિવારમાંથી આવે. 80 વર્ષના આ માએ સ્વપને પણ નહીં વિચાર્યું હોય કે તેઓ એક દિવસ હેલિકોપ્ટરમાં યાત્રા કરશે! વિવિઆઈપી લોકો જેમાં મુસાફરી કરે તેમાં હું તો કેમ યાત્રા કરી શકું? મહેમાનોના ભોજન કરેલાં એંઠા વાસણો સાફ કરતાં કરતાં માથા પરથી અને આકાશમાંથી હેલિકોપ્ટર અનેક વાર પસાર થયું હતું પરંતુ એમાં હું થોડી બેસી શકું? આવું વિચારતા ઉજીમા અમદાવાદ જવા જે દીવસે હેલિકોપ્ટરમાં બેઠાં ત્યારે ઘણી આંખોમાં ભાવના અશ્રુ ઉમટી પડ્યાં હતાં.
બાપુને આ વિચાર આવ્યો હતો કે હું કથામાંથી આવતો હોઉં કે બીજા કોઈ કાર્યક્રમમાં અન્ય સ્થળે જતો હોઉં ત્યારે મને લેવા અને મુકવા માટે અમદાવાદથી જે હેલિકોપ્ટર આવે છે એ એક વખત તો ખાલી જ અમદાવાદ પરત જવાનુ છે તો તેમાં વારાફરતી આપણા કર્મચારી ભાઈઓ બહેનોને મોકલીએ તો કેવું ? એમણે સ્ટાફના સભ્યોને હેલિકોપ્ટર માં બેસાડવાની સૂચના આપી અને એ રીતે શરૂ થયો એક અનોખો સિલસિલો કે જેમાં વારાફરતી ટ્રસ્ટના કર્મચારીઓ હેલિકોપ્ટરની યાત્રા કરવા લાગ્યા!
આજથી છેક 20 વર્ષો પહેલા બાપુને ત્યાં માળી તરીકે કામ કરતા પાલાભાઈને બાપુ પ્લેનમાં મુંબઈ લઈ ગયા હતાં. નેપાળી ચોકીદાર બહાદુર, ગુરુકુળનો સફાઈ કર્મચારી ચકો કે પછી મહુવા જેને પાગલ તરીકે પીછાણતું હતું તે મહેંદી એ પણ હવાઈ સફરની મોજ માણી હતી. એક દિવસે બાપુએ પૂછ્યું હતું : ગુરુકુળના વિદ્યાર્થીઓ પ્લેનમાં બેઠાં હશે? મેં કહ્યું ના. આદેશ મળેલો કે 100 વોદ્યાર્થીઓને દિલ્હી દર્શન કરાવી ત્યાંથી પ્લેનમાં અમદાવાદ લાવો! એવી જ રીતે સ્ટાફના સભ્યો સપરિવાર મુંબઈ ગયા હતા અને ત્યાંથી પ્લેનમાં અમદાવાદ આવ્યા હતા.
બાપુને આવો વિચાર કેમ આવે છે? કારણ કે એમનાં કેન્દ્રમાં તો છેલ્લો, છેવાડાનો માણસ છે. જે વંચિત છે, ઉપેક્ષિત છે. જે સક્ષમ છે તેની આલોચના નથી પરંતુ મને એવું અનુભવાયું છે કે એમની સંવેદના છેવાડાના વ્યક્તિ છે તેની સાથે વધુ જોડાયેલી છે. કથામાં હોય ત્યારે આસપાસના ઝુંપડાઓમાં જઈ ભિક્ષા ગ્રહણ કરે છે. એ વખતે નાત -જાત નથી જોવાતી, જોવાય છે કેવળ માણસ. બાપુએ કથાઓમાં કહ્યું છે કે આપણી પાસે વેદ છે પરંતુ સંવેદન ન હોય તો? ઉજીમા અને સ્ટાફના અન્ય સભ્યો હેલિકોપ્ટરમાં બેઠાં ત્યારે સૌથી વધુ પ્રસન્નતા બાપુના ચહેરા પર જોઈ શકાતી હતી. અને ફક્ત હેલિકોપ્ટર માં જ નહી, એમણે અનેક લોકોને કારમાં પણ લિફ્ટ આપી છે. ઉનાળામાં ગામમાં બરાફના ગોળા વેંચતા ભાઈ પાસે જેટલો બરફ હોય તેના ગોળા એકસાથે બાળકોને ખવડાવી દે અને ગોળા વેંચનારને તે દીવસે છુટ્ટી! ગુલ્ફીઓ વેંચનારો હોય કે પછી સાઇકલ પર બંગડી વેંચનારહોય, અનેક વખત તેમનો દસ -પંદર દિવસે માંડ વેચાય તેવો માલ એક દિવસમાં ખપી જાય અને તે ફેરિયાને બાપુ કહે કે જા ભાઈ, આજે તારા પરિવારને લઇ ફરવા જા. આપ આ મોરારિબાપુને ઓળખો તે હેતુથી જ આટલી વાત આપની સમક્ષ રજૂ કરી છે. પ્રણામ. જય સીયારામ.જયદેવ માંકડ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300