ભારદ્વાજ ઋષિનું જીવનચરીત્ર

ભારદ્વાજ ઋષિનું જીવનચરીત્ર
આકાશમાં ઉત્તર ધૃવ તરફ આવેલું સાત તારાઓનું ઝૂમખું.આ ઝુમખું ઉત્તર ધ્રુવની પ્રદક્ષિણા કરતું જણાય છે.આ સપ્તઋષિઓ સાત તારા રૂપે છે.વિશ્વામિત્ર, જમદગ્નિ, ભારદ્વાજ, ગૌતમ, અત્રિ, વશિષ્ઠ અને કશ્યપ આ સપ્તઋષિઓ છે તે પૈકી આજે આપણે ભારદ્વાજ ઋષિના જીવનચરીત્ર વિશે ચિંતન કરીશું.જડ-ચેતન તમામમાં પ્રભુ પરમાત્મા સર્વવ્યાપક છે.તમામ મનુષ્યોમાં પ્રભુના લાડકા એવા સંતો અને ઋષિઓમાં પ્રભુનો પ્રભાવ વિશેષ હોય છે.
દેવોના ગુરૂ બૃહસ્પતિ અને મમતાનું સંતાન એટલે ભારદ્વાજ.ભારતવર્ષના પુણ્યશાળી વ્યક્તિ રાજર્ષિ ભરત પાસે રહીને ભારદ્વાજ મોટા થયા હતા.તેમની બુદ્ધિ ઘણી પ્રભાવી હતી.ઋગ્વેદના છઠ્ઠા મંડલમાં તેમની સુવાસ દેખાય છે.તેમને સમગ્ર ભારતની તીર્થયાત્રા કરી અને તેમને જોયું કે માણસ કેવું જીવન જીવે છે તે જોઇને તેમને દુઃખ થયું.બધે નાસ્તિકતા વધી ગઇ છે,યજ્ઞો બંધ થયા છે.આખો સમાજ બગડ્યો છે.ધર્મના મૂળમાં બે વાતો હોવી જોઇએ.પરલોકની આકાંક્ષા અને પરલોકનો ડર..તેનાથી માનવ ધર્મનું પાલન કરે છે.
ભારદ્વાજે જોયું કે માનવી પશુ જેવું જીવન જીવી રહ્યો છે.સમાજમાં ધર્મના પુનઃસ્થાપન માટે વિચાર શક્તિ, વિત્તશક્તિ અને શરીરશક્તિ ભેગી કરવાથી જે શક્તિ ઉભી થાય તેનાથી માનવનું કલ્યાણ થાય તે માટે તેમને વારણા અને અસિ આ બે નદીઓ વચ્ચેની પુનિત જગ્યા(વારાણસી)ને પોતાની કર્મભૂમિ બનાવી.ગામે ગામ જઇને તેમને હજારો લોકોનો સંપર્ક કરી તેમને તૈયાર કરી તેમનામાં ખુમારી અને તેજસ્વિતા જગાડી.
ભગવાનનું કાર્ય એટલે શું? જીવન એટલે શું? દૈવી જીવન કેવી રીતે બનાવી શકાય? સંસારમાં ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છતાં હસતાં હસતાં સંતોષથી સમાધાનથી કેવી રીતે રહી શકાય? આ બધું ભારદ્વાજ મુનિએ લોકોને સમજાવ્યું.
જીવનનો હેતુ જ્ઞાન(સત્ય-પરમાત્મા)ને જાણવાનો છે.જ્ઞાન અનંત છે.જ્ઞાનનો એક પ્યાલો પીઓ એટલે વધુ પીવાની ઇચ્છા થાય.તેમણે જ્ઞાનવિજ્ઞાનના અનેક વિષયો લોકો સમક્ષ મુક્યા.માનવજીવનને સુખી અને સ્વસ્થ બનાવવા અનેક સંશોધનો કર્યાં.પોતે ખૂબ ભણ્યા અને બીજાને પણ ભણાવ્યા.માણસ ધારે તો કેટલું જાણી શકે અને જીવનમાં કેવી ઊંચાઇ પ્રાપ્ત કરી શકે તે માટે મહર્ષિ ભરદ્વાજ એક ઉત્તમ ઉદાહરણ છે.
વૈદિક ઋષિઓમાં ભારદ્વાજ ઋષિ ઉચ્ચ સ્થાને છે.મહર્ષિ ભારદ્વાજ મુનિનાં પત્નીનું નામ સુશીલા હતું.ભરદ્વાજના પુત્રો અને શિષ્યો પૈકી દસ ઋગ્વેદના મંત્રદ્રષ્ટા ઋષિઓ હતા.ઋજિષ્વા, ગર્ગ, નર, પાયુ, વસુ, શાસ, શિરામ્બિષ્ઠ, શુનહોત્ર, સપ્રથ, અને સુહોત્ર તેમના પૂત્રો હતા તથા ‘રાત્રિ’ નામની એક પૂત્રી હતી તે પણ વેદદ્રષ્ટા ઋષિકા હતાં.જેમનું રાત્રીસૂક્ત ખૂબ જાણીતું છે.આ ઉપરાંત ઋગ્વેદની સર્વાનુક્રમણીમાં તેમનાં પુત્રી ‘કશિપા’નો પણ ઉલ્લેખ છે.આમ મહર્ષિ ભરદ્વાજના બાર જેટલાં સંતાનો વેદના ઋષિ તરીકે માનવંતું સ્થાન ધરાવે છે.
ભારદ્વાજ મુનિ ગુરૂ દ્રોણાચાર્યનાં પિતા અને સાત ચિરંજીવીઓ પૈકીના એક,અશ્વત્થામાનાં દાદા હતાં. ભારદ્વાજ મુનિનાં વંશજ ગણાતા ઉત્તર ભારતનાં અમુક બ્રાહ્મણો પોતાની અટક ભારદ્વાજ લખે છે.આ સિવાય મોટા ભાગનાં બ્રાહ્મણો અને દક્ષિણ ભારતનાં કેટલાક ક્ષત્રિયોમાં પણ ભારદ્વાજ ગોત્ર હોય છે.
વનવાસ દરમિયાન ભગવાન રામ-સીતાજી અને લક્ષ્મણ પણ મહર્ષિ ભરદ્વાજના દર્શને પધાર્યાં હતાં તે સમયે મહર્ષિએ તેમને વનાંચલના જીવનને લગતી ઘણી ઉપયોગી માહિતી આપી હતી.
મહર્ષિ ભારદ્વાજે દેવરાજ ઇન્દ્ર પાસેથી વ્યાકરણનું શિક્ષણ મેળવ્યું અને પછી તેની વ્યાખ્યા કરી અનેક ઋષિઓને ભણાવ્યું હતું.પ્રાચીન શરીરવિજ્ઞાની ચરક નોંધે છે કે આયુર્વેદનું સૌ પ્રથમ જ્ઞાન મહર્ષિ ભારદ્વાજે ઇન્દ્ર પાસેથી લીધું હતું,જેના આધારે તેમણે ‘આયુર્વેદ સંહિતા’ની રચના કરી હતી.મહાભારતમાં ઉલ્લેખ છે કે મહર્ષિ ભૃગુ પાસેથી ભારદ્વાજે ધર્મશાસ્ત્રનો ઉપદેશ લઇને ‘ભારદ્વાજ સ્મૃતિ’ની રચના કરી હતી.ભક્તિમાર્ગના પાંચરાત્ર સંપ્રદાયની એક સંહિતા ‘ભારદ્વાજ સંહિતા’ નામે જાણીતી છે.આમ તેમણે ભક્તિમાર્ગનો પણ ગહન અભ્યાસ કર્યો હતો.મહાભારતના શાંતિપર્વમાં જણાવ્યા અનુસાર મહર્ષિ ભારદ્વાજે ધનુર્વિદ્યા (શસ્ત્રવિદ્યા) અને રાજ્યશાસ્ત્રનું સર્જન કર્યું હતું.મૌર્યયુગના મહાપંડિત ચાણક્ય પણ મહર્ષિ ભરદ્વાજને અર્થશાસ્ત્રના મૂળ સર્જકોમાં ગણના કરી માન આપે છે.
મહર્ષિ ભરદ્વાજે ‘યંત્ર સર્વસ્વ’ નામના મહાગ્રંથની રચના કરી હતી.સ્વામી બ્રહ્મમુનિએ આ ગ્રંથનો એક ભાગ ‘વિમાનશાસ્ત્ર’ તરીકે પ્રકાશિત કર્યો છે,જેમાં આકાશમાં ખૂબ ઊંચે અને નીચે ઊડતાં વિમાનોનાં નિર્માણ સારૂં કયા પ્રકારની ધાતુ વાપરવી તેનું પણ વર્ણન છે.આમ પ્રાચીન સમયમાં ભારતમાં વિમાનવિદ્યાનું જ્ઞાન હતું તે વાતનો સંદર્ભ મળે છે.
ઋષિ એટલે વૈજ્ઞાનિક.પોતે નવું નવું જાણે અને બીજાઓને શીખવે,જીવનને જ્ઞાનયજ્ઞ માને અને આ જ્ઞાનનું અમૃત પીએ તે અમર થાય એ ન્યાયે મહર્ષિ ભારદ્વાજ અમર છે,તેમનો જીવનબોધ અમર છે. ભરૂચ શુક્લતીર્થ પછી મંગલેશ્વર નામનું નાનકડું ગામ નર્મદાજીનાં કિનારે આવેલું છે તેના સામે કિનારે સુપ્રસિદ્ધ કબીરવડ છે.મંગલેશ્વરમાં ભારદ્વાજ આશ્રમની સ્થાપના સુપ્રસિદ્ધ સંત મૌનીભિક્ષુ સંપૂર્ણાનંદ બાપુએ કરેલ છે.
આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300