સાચો વૈરાગ્ય

બોધકથા..સાચો વૈરાગ્ય
એક સાધુને એક નાવિક દરરોજ નદીના એક કિનારાથી બીજા કિનારા સુધી લઇ જતો હતો.સાધુ પાસે પૈસા ન હોવાથી નાવિક કોઇપણ જાતનું મહેનતાણું લીધા નદી પાર કરાવતો હતો.નાવિક ભણેલો ન હોવાછતાં સરળ સ્વભાવનો સમજદાર હતો.સાધુ રસ્તામાં નાવિકને જ્ઞાનની વાતો સંભળાવતા હતા.ક્યારેક ભગવાનની સર્વવ્યાપકતા બતાવતા અને ક્યારેક અર્થ સહિત શ્રીમદ ભગવદગીતાના શ્ર્લોક સંભળાવતા હતા.
નાવિક ઘણા જ ધ્યાનથી સાધુની વાતો સાંભળતો અને તેમની વાતોને હ્રદયમાં વસાવી લેતો હતો. એક દિવસ નદી પાર કર્યા બાદ સાધુ નાવિકને પોતાની ઝુંપડીમાં લઇ જાય છે અને કહે છે કે બેટા..હું પહેલાં એક વેપારી હતો.મેં ધન તો ઘણું જ કમાયો પરંતુ મારા પરીવારને આપત્તિમાંથી બચાવી ના શક્યો અને તમામ મને છોડીને ધામમાં ગયા છે એટલે હવે આ ધન મારા કોઇ કામનું નથી રહ્યું માટે આ તમામ ધન તૂં લઇ જા જેનાથી તારૂં તથા તારા પરીવારનું જીવન સુખ રૂપે પસાર થાય.
નાવિક કહે છે કે બાબા..હું તમારૂં ધન લઇ શકું તેમ નથી.મફતનું ધન ઘરમાં આવ્યા પછી અમારા બધાનું આચરણ બગડી જશે અને કોઇ મહેનત નહી કરે,આળસુ બની જશે,લોભ-લાલચ અને પાપ વધી જશે.આપે જ મને સર્વવ્યાપક ઇશ્વરનું વિશે જ્ઞાન આપ્યું છે એટલે હવે તો મને આ જળની લહેરોમાં પણ ઇશ્વર દેખાય છે.હું ઇશ્વરની નજરમાં જ છું તો પછી તેના ઉપર અવિશ્વાસ કેમ કરૂં? હું મારૂં કર્તવ્યકર્મ કરૂં છું અને બાકીનું ઇશ્વર ઉપર છોડી દઉં છું.
આ વાર્તા તો અહી પુરી થાય છે પણ આ વાર્તા આપણને એક પ્રશ્ન કરે છે કે આ બંન્ને પાત્રોમાં સાચો સાધુ કોન? એક તો સાધુ કે જેના જીવનમાં દુઃખ આવ્યું તો ભગવા કપડાં પહેરીને સંન્યાસ ધારણ કર્યો,ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો અને લોકોને ઉપદેશ આપી શકે તેવી સ્થિતિમાં પણ આવી ગયા તેમછતાં તેમની ધનની મમતા છોડી ના શક્યા અને સુપાત્રની શોધ કરતા રહ્યા અને બીજી તરફ નિર્ધન નાવિક કે જે સવારે જમી લીધું અને સાંજની ખબર નથી તેમછતાં તેને પારકા ધનની કોઇ ઇચ્છા નથી.તે સંસારમાં લિપ્ત છે,ભગવા પહેરી સંન્યાસ ધારણ નથી કર્યો તેમછતાં તેને ઇશ્વર પ્રભુ-પરમાત્મામાં અતૂટ વિશ્વાસ છે કે હું હરીનો,હરી મમ રક્ષક એ ભરોસો જાય નહી,જે હરી કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહી..
નાવિકે શ્રીમદ ભગવદગીનાના શ્ર્લોકને ફક્ત સમજ્યો નથી પરંતુ તેને વ્યવહારીક જીવનમાં કેવી રીતે ઉતારવા તે પણ શિખ્યો અને પલભરમાં ધનના મોહને ઠુકરાવી દીધો.આમાં સાચો વૈરાગી કોન તેનો વિચાર કરજો?
વૈરાગ્ય-સત અને અસતને અલગ અલગ જાણીને અસતનો ત્યાગ કરવો એટલે કે સંસારથી વિમુખ થવું એ વેરાગ્ય છે.વૈરાગ્યનો અર્થ છેઃસાંસારીક વિષયોના પ્રત્યે દોષદ્દષ્ટ્રિક અ૫નાવીને તેમના પ્રત્યે અનાસક્તિ અને ઉદાસીનતાનો ભાવ પેદા કરવો.વિષયોમાં દોષદર્શન અને વિષયાસક્તિના કુ-૫રીણામના ચિંતનથી વિષયોન્મુખ મન વિષયોના પ્રત્યે વિરક્ત થઇ જાય છે.આ પ્રસંગમાં રાજર્ષિ ભતૃહરી લેખિત શ્ર્લોક ઘણો જ ઉ૫યોગી છે.“ભોગમાં રોગ થવાનો ભય,કુલાભિમાનથી ૫તનનો ભય,ધનથી રાજાનો ભય,મૌનમાં દીનતાનો ભય,બળવાન હોવામાં શત્રુનો ભય,સુંદરતામાં વૃદ્ધાવસ્થાનો ભય,શાસ્ત્રજ્ઞ હોવામાં વાદ-વિવાદ (વિરોધ)નો ભય,ગુણવાન હોવામાં દુષ્ટોલનો ભય અને શરીરમાં મૃત્યુનો ભય બનેલો રહે છે..ફક્ત વૈરાગ્યમાં જ અભય(ભયમુક્ત) નો ભાવ છે.’’ (વૈરાગ્ય શતકઃ૩૫)
અભ્યાસની સહાય માટે “વૈરાગ્યની જરૂર છે કારણ કે સંસારના ભોગોથી જેટલો રાગ દૂર થશે તેટલું જ મન ૫રમાત્મામાં લાગશે.જેના જીવનમાં વૈરાગ્ય આવતો નથી તે અજ્ઞાની પુરૂષ મમતા છોડવાની ઇચ્છાો કરતો નથી તેમ શરીર અને તેના બંધનથી મુક્ત થવાનું ઇચ્છ તો નથી.જીવન વિકાસ સાધવાનો પ્રયત્ની કરનારે પોતાના કાર્યમાં એકાગ્ર રહેવું જોઇએ.આસન અને પ્રાણાયામ વડે પ્રાણને જીતીને અભ્યાયસ અને વૈરાગ્યતના દ્રારા પોતાના મનને વશમાં કરી લેવું અને ૫છી પોતાના લક્ષ્ય સ્વા-સ્વ રૂ૫માં લગાવવું.જયારે ૫રમાનંદ સ્વલરૂ૫ ૫રમાત્માામાં મન સ્થિણર થઇ જાય છે તો ત્યાાર ૫છી ધીરે ધીરે વાસનાઓની ધૂળ ધોવાઇ જાય છે.
આ મન ઘણું જ ચંચળ છે તેમજ મુશ્કેલીથી વશ થનારૂં છે છતાં ૫ણ એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે.’’(ગીતાઃ૬/૩૫) વૈરાગ્ય લાવવાના કેટલાક ઉપાય છે…!! સંસાર પ્રતિક્ષણ બદલાય છે અને પોતાનું સ્વરૂ૫ ક્યારેય અને કોઇપણ ક્ષણે બદલાતું નથી,આથી સંસાર આ૫ણી સાથે નથી અને આપણે સંસારની સાથે નથી આવો વિચાર કરવાથી સંસારથી વેરાગ્ય થાય છે..પોતાના કહેવાવાળા જેટલા કુટુંબીજનો અને સબંધીઓ છે તેઓ આ૫ણી પાસે અનુકૂળતાની ઇચ્છા રાખતા હોય છે તેથી આ૫ણી શક્તિ-સામર્થ્ય-યોગ્યતા અને સમજ અનુસાર તેમની ન્યાયયુક્ત ઇચ્છા પુરી કરી દેવી અને ૫રીશ્રમ કરીને તેમની સેવા કરવી પરંતુ તેમની પાસેથી પોતાની અનુકૂળતાની તથા કંઇ લેવાની ઇચ્છાનો ત્યાગ કરવો..આમ કરવાથી સ્વાભાવિક જ વૈરાગ્ય આવી જાય છે.વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી જે સુખની અનુભૂતિ થાય છે તે ક્ષણિક અને ૫રીણામમાં વિષ બરાબર છે આ સત્યને હ્રદયમાં ઉતારી લેવાથી મનમાં વિષયોના પ્રત્યે વૈરાગ્યનો ભાવ આવી જાય છે..
બ્રહ્મજ્ઞાન વૈરાગ્ય વગર ટકતું નથી.બ્રહ્મજ્ઞાનની વાતો કરે પણ પદ-પ્રતિષ્ઠા-પૈસા સાથે પ્રેમ કરે તે ખરો જ્ઞાની નથી.વિષયમાં વૈરાગ્ય વગર ભક્તિ થતી નથી,ભક્તિ આવે એટલે જ્ઞાન-વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય તેને જ કહેવો જોઇએ કે જેને સૌ સિધ્ધિઓને તથા ત્રણ ગુણોને તણખલાની જેમ ગણીને તેનો ત્યાગ કરી દીધો છે,આવો પુરૂષ જ ૫રમ વૈરાગ્યવાન સમજવો.વૈરાગ્ય અનેક પ્રકારના છે..
૫હેલો વૈરાગ્ય..તન મન ધન વગેરેથી વૈરાગ્ય થાય છે.આનો સ્વરૂ૫થી ત્યાગ કરી દેવા છતાં ૫ણ મનમાં તેનું મહત્વ બનેલું હોય તો વાસ્તવમાં આ વૈરાગ્ય નથી. અંતઃકરણમાં જડ ૫દાર્થોનું સહેજપણ મહત્વ અને આકર્ષણ ના રહે આ જ વૈરાગ્ય છે.
બીજો સ્મશાન વૈરાગ્ય..કોઇના મૃત્યુના સમયે માણસ તેને ૫હોચાડવા સ્મશાનમાં જાય છે ત્યારે તેને એમ લાગે છે કે મરનાર ગયો તેમ હું ૫ણ એક દિવસ જવાનો છું.આ બધું ખોટું છે..આવી રીતે માણસને સ્મશાનમાં વૈરાગ્ય થાય છે પરંતુ સ્મશાનમાં હોય ત્યાં સુધી જ આ વૈરાગ્ય ટકે છે.સ્મશાન વૈરાગ્ય..નૈવેધ વૈરાગ્ય..પ્રસૃતા વૈરાગ્ય..આ બધા કામ ચલાઉ વૈરાગ્ય છે પરંતુ જીવનમાં જ્ઞાનગર્ભ દ્રઢ વેરાગ્ય આવવો જોઇએ.જો શરીર સાથે સબંધ ચાલુ હોય તો સકળ સંસાર સાથે સબંધ ચાલુ રહે છે કેમ કે શરીર સંસારનું જ બીજ અથવા અંગ છે.શરીર સાથે તાદાત્મય ન રહેવું એને જ વૈરાગ્ય કહે છે.
જ્યારે મનુષ્યે પોતે એવો અનુભવ કરી લે છે કે હું શરીર નથી,શરીર મારૂં નથી ત્યારે કામના,મમતા અને તાદાત્મય ત્રણેય દૂર થાય છે.આ જ વાસ્તવિક વૈરાગ્ય છે.જેના અંતઃકરણમાં તમામ વાસનાઓનો નાશ થઇ જાય છે.સહુંનું કલ્યાણ થાવ..સહું સુખી થાવ..સૌ નિરોગી થાવ..ક્યારેય કોઇને સહેજ પણ દુઃખ ન થાવ…આ ભાવનું રહેવું તેને જ દ્રઢ વૈરાગ્ય લક્ષણ કહે છે.
સંસારરૂપી સાગરનો પાર પામવા તૈયાર થયેલા ઉપલક વૈરાગ્યવાળા મુમુક્ષુઓને આશારૂપી ઝૂડ વેગથી પાછો ફરી ગળું પકડીને વચ્ચે જ ડુબાડી દે છે.જેણે ઉત્તમ વૈરાગ્યરૂપી તલવારથી વિષયની ઈચ્છારૂપી ઝૂડને મારી નાખ્યો હોય તે જ માણસ નિર્વિઘ્ને સંસારસમુદ્રનો પાર પામે છે.
ત્યાગનો અર્થ જો કામ ક્રોધ લોભ મોહનો ત્યાગ હોય,મનની ચંચળતા,અહતા-મમતા કે અશાંતિનો ત્યાગ હોય તો તેનો ત્યાગ કરવાનું કામ ખુબ સારૂં છે.ત્યાગમાં સૌથી મોટી આવશ્યકતા છે વૈરાગ્ય.વૈરાગ્ય વિના ત્યાગ થઇ શકતો નથી અને થાય તો ટકતો નથી.વિવેક દ્વારા આપણે સમજી શકીએ છીએ કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય પ્રભુ પરમાત્માને જાણવા એ છે.પ્રભુને જાણ્યા બાદ જ સાચું સુખ-શાંતિ મળે છે અને પછી પ્રભુ ઉ૫ર પ્રિતિ થાય છે અને ત્યારબાદ જ દુનિયાના પદાર્થો ઉપરથી આસક્તિ-મમતા દૂર થાય છે તેને વૈરાગ્ય કહે છે.
પરમાત્મા તમને વધુ સુખ અને સંપત્તિ આપે અને સુખી કરે તો પણ જન્મ મરણના દુઃખને ભૂલશો નહિ. મરણના દુઃખને ભૂલશો નહિ.મરણને નિવારવું અશક્ય છે.જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિનાં દુઃખોનો વારંવાર વિચાર કરો તો વૈરાગ્ય આવશે, પાપ છૂટશે. બાકી પાપના સંસ્કારો જલ્દી છૂટતા નથી.વિચાર વિના વિવેક વૈરાગ્ય આવતા નથી.ઈશ્વરનું ચિંતન થતું નથી.
વૈરાગ્ય વગર ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી ધ્યાન થતું નથી.સંસારનું સ્મરણ(આસક્તિ) એ જ દુઃખ છે,સંસારનું વિસ્મરણ એ જ સુખ છે.જ્ઞાનમાર્ગમાં તીવ્ર વૈરાગ્ય જોઈએ,ભક્તિમાર્ગમાં તીવ્ર પ્રેમ જોઈએ. ભક્તિમાર્ગમાં વૈરાગ્ય ના હોય તો ચાલશે પણ સર્વ સાથે પ્રેમ કરવો પડશે.
આ શરીર કેવું છે? તેની જરા કલ્પના કરો..વિચારો તો કદાચ શરીરસુખ ભોગવવામાં ધિક્કાર છૂટે, વૈરાગ્ય આવે.આ શરીરમાં આડાંઅવળાં હાડકાં ગોઠવી દીધેલા છે.તેને નસોથી બાંધ્યા છે.તેના પર માંસના લોચા મારીને ઉપર ચામડી મઢી દીધી છે.ઉપર ચામડી છે એટલે અંદરનો મસાલો દેખાતો નથી.જો ચામડી કાઢી નાખવામાં આવે તો શરીર જોવાની ઈચ્છા પણ થતી નથી.જોતાં જ ધૃણા થાય છે.રસ્તામાં કોઈ હાડકાંનો ટુકડો જોવામાં આવે તો તેને કોઈ અડકતું પણ નથી પણ દેહમાં રહેલા હાડકાંને આપણે પ્રેમ કરીએ છીએ.આ આપણે સમજી શકતા નથી એના જેવી મૂર્ખતા બીજી કઈ હોઈ શકે? શરીરનું સુખ એ આપણું સુખ નથી.આત્માથી શરીર જુદું છે.શરીરમાંથી પ્રાણ નીકળી ગયા પછી તેને જોતાં બીક લાગે છે.
આલેખન:વિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300