સેવાતીર્થનું સંગમસ્થાન: સંતરામ ભૂમિ નડિયાદ

સેવાતીર્થનું સંગમસ્થાન: સંતરામ ભૂમિ નડિયાદ
Spread the love

સેવાતીર્થનું સંગમસ્થાન: સંતરામ ભૂમિ નડિયાદ

મધ્ય ગુજરાતનું કેન્દ્રબિંદુ એટલે ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ.પણ‌ તેને યાદ કરતાં સંત શ્રી સંતરામજીની યાદ આવી જાય. સાંપ્રત 200 વર્ષના ઈતિહાસ તરફ નજરના ટેરવાઓને સ્થિર કરીએ તો સંતરામજી મહારાજની સાધના અને તપ કેવા હશે તેનો ઝણઝણાટીભર્યો અંદાજ જરૂર આવી શકે.આજે પણ આ ચેતનાનો ભરોસો સૌના વિશ્વાસને જીવનના હલેસાથી આગળ વધવા સંકેત કરે છે અને જીવાદોરી બનીને તે ગતિમાન થતો રહ્યો છે.સંતરામજી મહારાજ કોઈ સાત્વિક કેન્દ્રબિંદુ સુધી પહોંચવાનો માર્ગ પ્રશસ્ત કરવા જરૂર તપ કર્યું હશે.પરંતુ તેના અર્કમાં તેમને જીવનને વેદ, ઉપનિષદ,પુરાણ અને ભારતીય તત્વજ્ઞાનનો આધાર લઈને માનવસેવાની વાતને આગળની હરોળમાં ગોઠવી હશે.તેથી આજે પણ આ સેવા તીર્થ માનવની અનુકંપાને ઝીલવા અને તેની પીડાના આક્રદં પર શીતળતાનો અમીલેપ છાંટવા સતત પ્રતિભદ્ધ રહે છે.
નડિયાદ જવાનું મારે ઘણી વખત થયું.સને 2015 થી 2019 ની વચ્ચે સતત જ્યાં ચરણ રુકે ત્યાં કાશી તે ઉકતિ મુજબ તીર્થસ્થાનો હોય કે તપસ્થાનો હંમેશા દર્શન-વંદનનો લહાવો મળતો રહ્યો. પણ અહીં નડિયાદમાં આવ્યાં કે અનેક વખત પસાર થયા તો પણ સંતરામજીની આ ભૂમિએ પદ ચરણ પાસે શીશ નમાવવાનો અવસર પ્રદાન ન થયો. રામચરિત માનસ કહે છે “સંત મિલન સુખ જગ નાહી” મુજબ કોઈ સ્થાનો એવાં હોય કે જ્યાં કોઈ સંતના ચરણોની પ્રેરણા ત્યાં ખેંચીને લઈ આવે છે. બસ આ મુજબ જ પુ. મોરારિબાપુના શ્રી મુખેથી રામકથા ગાનનો એક ઉત્સવ મહારાજશ્રી ના આંગણે ઉજવાઈ રહ્યો હતો.તે હેતુથી અહીં આ ભૂમિની ધુળને સ્પર્શ કરાવવાનો મોકો ઝડપ્યો અને હું આવી પહોંચ્યો નડિયાદની એક તપોભૂમિમાં.
સંવત 1972માં સંતરામજી મહારાજ ગિરનારની પરિક્રમા અને ભ્રમણ કરીને મધ્ય ગુજરાત પર પોતાના ચરણોને પાવન કરે છે. જાણે કે આ ધરા તેમને સાદ પાડી રહી છે. ક્યાંક જઈએને ત્યાં શાંતિનો કે પછી ચેતનાનો અનુભવ થાય તો ત્યાં પદચરણને સ્થિર કરવા શુભત્વનો સંકેત હોય છે.આવું અનેક કથાઓમાં એ પણ સાંભળ્યું છે કે કોઈ સંતોએ જ્યારે કોઈ ભૂમિને પસંદગી આપી છે ત્યારે તેઓએ તેની આંતર ચેતનાઓથી તેને ઓળખીને તે પોતાના માટે બરાબર બંધ બેસે છે તેવો નિર્ણય કર્યો હોય.આ સેવાનો અંડિગો અહીં સતત 15 વર્ષ સુધી અત્યારે સંતરામ ડેરી છે ત્યાં ભોયરામાં રહ્યો તેથી તે સાધનાબિંદુ થયું એવું કહેવાય છે.સંવત 1887ના માધ મહિનાની પૂર્ણિમાને દિવસે જીવંત સમાધિ લેવાનો નિર્ણય થયો હોય અને એ નિર્ણયના ભાગરૂપે જોગ,લોક અને પરલોકનો સહયોગ થતાં તેઓ અગમ્યમાં ઓગળી ગયાં હોય.પરંતુ તેમની એ સાધના માત્રને માત્ર માનવ સંવેદનાત્મક રહી હશે અને તેને તેના અનુયાયીઓએ તેને આગળ વધારી છે.આજે લગભગ 200 વર્ષના પડાવે પહોંચવા તાલાવેલી કરનાર આ તપસ્થલી ભલે કોઈ એવી વિશેષ સનાતની અલગ સાંપ્રદાયિક ધારા નથી બની.પણ તેમણે માનવતાના જે કામો માટેનો દાખડો કર્યો તે સૌ કોઈ માટે મસ્તક નમાવવાનું ઠેકાણું બની ગયો છે.
સમાધિ મંદિર સરસ મજાનું કાચનું બનાવવામાં આવ્યું છે કે જ્યાં અખંડ જ્યોતિ અજવાળુ પાથરી રહી છે.કોઈના જીવનમાં પથરાયેલા અંધકારને ઓગાળી દેવા માટે એ દીવાઓ અખંડ જગમગી રહ્યાં છે. આવી બે જ્યોત છે અને બંને જ્યોત અખંડ છે. વર્તમાન મહંત શ્રી રામદાસજી શ્વેતવસ્ત્રો અને સતત મુખ ઉપર સસલા જેવું ગભરું- નિર્દોષ હાસ્ય સૌની મંગલ કામનાઓ કરતુ રહે છે.તેમનો એક બહુ અડગ અને આવકાર્ય નિર્ણય એ છે કે તેઓ આ ભૂમિ કે સ્થાનને કદીએ કોઈપણ કાર્યક્રમ માટે કે પછી કોઈ હેતુ માટે છોડતા નથી.પુ. મોરારિબાપુની રામકથા મંદિર પરિસરના એક વિદ્યાલયના ભાગમાં જ હતી તો પણ તેઓશ્રી 200 ફૂટના અંતરે પોતાની પીઠ છોડીને કદી રામકથામાં આવ્યા નથી.હા, તેઓની ગાદી સામે એક એલઈડી સ્ક્રીન મૂકેલી હતી તેમાં એવો સતત કથા શ્રવણ કરતા રહ્યા. મહોત્સવમાં પધારેલા સંતોના દર્શન, વ્યવસ્થા અને સુભાષિશ જરૂરી એક અલગ ખંડમાં જઈને મેળવે છે.બીજી તેમની એક ખાસિયતથી તેમના વ્યક્તિત્વ,પ્રતિભાને વંદિત કરવાનું મન થાય કે તેમણે અધ્યાત્મ્ય ચિંતન પર લગભગ 35 જેટલા ગ્રંથોનું સર્જન કર્યું છે. તાજેતરમાં જ આ કથા દરમિયાન ‘યોગીરાજ માનસ’ રામચરિત માનસને આધાર બનાવીને પોતાનું અલગ ચિંતન રજૂ કરતો ગ્રંથ સમાજને અર્પણ કર્યો છે. બાપુએ આ ગ્રંથમાંથી તેના અમૃત બિંદુઓ ચૂંટીને કથાપ્રેમીઓ,શ્રદ્ધાળુઓ પાસે રોજ અમૃત બિંદુના રુપે છાંટણા કર્યા છે.તેઓ કોઈ ખાસ વ્યવસ્થામાં પણ જળ કમળવત્ રહીને પોતાનું કામ કરતા દેખાય છે.તે પણ તેમની સ્થિતપ્રજ્ઞતાનો આગવો પુરાવો છે.
આ તીર્થસ્થળ કોઈ દેવ દેવતા કે માળા, પૂજન -અર્ચન કે ટીલા ટપકામાં ભલે મોટા પ્રમાણમાં મુહિમ ન ચલાવતું હોય પરંતુ આત્મા સો પરમાત્માની સેવા માટે તેમને આરંભેલા મહા અભિયાનનો એક એક મણકો ફૂલોના ગંજથી સતત અભિષેક થયાં કરે છે.હિતોપદેશ કહે છે કે सेवा धर्म परम गहनों योगिनाप्यगम्य। આપણાં માટે તો સેવા ધર્મ કઠીન છે પણ સંતો અને યોગીઓ પણ તેમાંથી બાકાત નથી પણ સંતરામજીના વિચાર માનસ સંતાનો તે નિભાવી રહ્યા છે.કથા દરમિયાન રક્તદાનનો કેમ્પ થયો, અગણિત એવા યુનિટ થેલેસેમિયાથી લઈને અનેકોના જીવનને દીપક બનવા માટે કામ આવશે. દર્દી નારાયણની સેવા અહીં હોસ્પિટલ દ્વારા થઈ રહી છે. અન્નમ્ બ્રહ્મથી આંતરડીને શાતા આપવા માટે અન્નક્ષેત્ર પણ ધબકતું રહે છે.ગર્ભ સંસ્કારની વાત હોય‌ કે જેમાં બાળકોમાં આપણા વેદજ્ઞાનને આરોપિત કરવા માટેની વૈદિક પરંપરાને અનુસરતી એક ચોક્કસ પદ્ધતિથી ગર્ભાધાન સંસ્કાર કરાઈ રહ્યા છે.અત્યાર સુધીમાં 9000 થી પણ વધારે બહેનોએ પોતાના સંતાનોને જગતમાં અવતરણ કરતાં પહેલા સંસ્કારોનું સ્થાપન કરવા આ તપસ્થલી સેવાનો લાભ મેળવ્યો છે. પ્રાથમિક શિક્ષણ, હાઈસ્કુલ વગેરેના શિક્ષણ માટે પણ પછી તે ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમો માટે આ ધજા કાર્યરત છે. સંસ્કૃત વિદ્યાલયના માધ્યમથી ગુજરાતના એવા વિદ્યા સાધકો માટે ભૂમિ સંસ્કાર કેન્દ્ર થઈ છે.બધી મળીને 56 પ્રકારની અલગ અલગ સેવાઓ જેમાં આંખની સારવારથી શરૂ કરીને તમામ પ્રકારની શરીર સેવાઓ,યોગ, યજ્ઞ જેવી મનની સેવાઓ અને પૂર -વાવાઝોડાના કારણે ધનની સેવાઓમાં આ સંસ્થા હંમેશા જી જાનથી પ્રયત્ન કરતી રહી છે.રામચરિત માનસ પણ’ सबके सेवक धर्म कठोरा’ કહે છે ત્યાં આ પવિત્ર સ્થાનની નિર્મળતાના દર્શન માત્ર ધન્ય કરે છે.
વર્તમાન નવમા મહંત શ્રી રામદાસજી કદાચ આ કાર્યોનો કોઈ યશ લેવા માગતા નથી. તેથી તેઓ તેમનો ફોટોગ્રાફ્સ પણ કોઈ જગ્યાએ પ્રકાશિત થાય તેમ ઇચ્છતા નથી.જો કે આ આચાર પુ.સંતરામજી મહારાજે ઉભો કર્યો છે.તેથી આ તપોઋષિ એવા સંતરામજી મહારાજની મૂર્તિને પણ જાહેર સ્થળો પર પ્રદર્શિત ન કરવાની વણલખી એક મર્યાદા છે તેથી અહીં માત્ર તેમની સમાધિને પર ધૂપ કરવામાં આવે છે.પરંતુ તેની મૂર્તિ ને કોઈ જગ્યાએ સાર્વજનિક કરવામાં આવતી નથી. આ પણ એક બહુ નોંધપાત્ર હકીકત છે.આપણા સંસ્કૃત ગ્રંથોને વધુમાં વધુ જન સમુદાય સુધી લઈ જવા માટે અને પરંપરાઓને ટકાવી રાખવા માટે સતત અહીંયા અનેક સંતો,કથા સાધક બુધ્ધજનો તથા જગતના મહાનુભાવોને નિમંત્રિત કરીને તેમની વાણીનો લાભ નડિયાદની એ પાવનભૂમિને અને જગતભરમાં ફેલાયેલા સંતરામ મહારાજના શ્રદ્ધાળુઓને અપાઈ રહ્યો છે.આ પણ એક એક અંડરલાઇન કરવા જેવી વાત ગણાય જ! અહીં સતત કથા ગંગા વહેતી રહે છે તેના વાહકો તરીકે કોઈ અહીં ન પહોંચ્યું હોય તેમ નથી.
આટલું બધું હોવા છતાં હું હજુ સુધી અહીં પહોંચી નહોતો શક્યો તેનો મને જરૂર રંજ થયો હતો.પણ બીજી પળે એક શાતા થઈ કે સંતોની વાણી શુદ્ધ થવા માટે કોઈ તપસ્થલી પર પધારે છે ત્યારે બીજા પણ અનેક શ્રાવકોને એ તેમની પરમ ચેતનાથી ખેંચી લાવે છે. મને પણ આ જ બાપુની પાવિત્ર્ય શબ્દ ગાથા મબલખ ચેતનતંતુઓના દર્શનાર્થે પકડી લાવી લાભ અપાવ્યાનો આનંદ થયો.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!