સંક્ષિપ્ત રામાયણ જે પરમાત્મા નિર્ગુણ-નિરાકાર છે તે ભક્તોને પ્રેમ વશ સગુણ-સાકાર બને છે

સંક્ષિપ્ત રામાયણ જે પરમાત્મા નિર્ગુણ-નિરાકાર છે તે ભક્તોને પ્રેમ વશ સગુણ-સાકાર બને છે.
દશરથરાજાને ત્રણ રાણીઓ હતી.કૌશલ્યા,સુમિત્રા અને કૈકેયી.છતાં કોઈ સંતતિ નહોતી.દશરથ રાજા વસિષ્ઠ પાસે ગયા.વસિષ્ઠે કહ્યું કે તમે પુત્રકામેષ્ઠી યજ્ઞ કરો.તમારે ત્યાં ચાર પુત્રો થશે.રાજાએ યજ્ઞ કર્યો, અગ્નિદેવ ખીર લઈને યજ્ઞકુંડમાંથી બહાર આવ્યા છે અને કહ્યું કે આ પ્રસાદ તમારી રાણીઓને ખવડાવજો આપને ત્યાં દિવ્ય બાળકો થશે.વસિષ્ઠે આજ્ઞા કરી.કૌશલ્યાને અડધો ભાગ આપજો અને બાકી વધે તેના બે ભાગ કરી કૈકેયી-સુમિત્રાને આપજો.મહારાજ કૈકેયીને પ્રસાદ આપવા છેલ્લે આવ્યા,એટલે કૈકેયીએ દશરથનું અપમાન કર્યું અને કહે છે કે મને છેલ્લે પ્રસાદ આપવા કેમ આવ્યા? ત્યાં આકાશમાંથી ફરતી ફરતી એક સમડી ત્યાં આવી અને પ્રસાદ ઉઠાવી લઇ ગઈ અને અંજનીદેવી તપશ્ચર્યા કરતાં હતાં ત્યાં આવી છે અને પ્રસાદ અંજનીદેવીને આપ્યો,જે તે આરોગી ગયા.આથી તેમને ત્યાં હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે.હનુમાનજી પહેલાં આવે છે.
આ બાજુ કૈકેયી દુઃખી થઇ ગયાં એટલે કૌશલ્યા અને સુમિત્રા એ તેમના ભાગમાંથી થોડો થોડો ભાગ આપ્યો.ત્રણે રાણીઓ પ્રસાદ ગ્રહણ કરે છે.દશરથ એટલે દશે ઇન્દ્રિયોના ઘોડાઓને કાબુમાં રાખી જેનો રથ રામજી તરફ (પ્રભુ તરફ) જાય છે.આવા દશરથને ત્યાં ભગવાન પુત્ર રૂપે આવે છે.દશમુખ રાવણ વિષયોને હદ ઉપરાંત ભોગવે છે એટલે રાવણને ત્યાં ભગવાન કાળરૂપે આવે છે.નવ માસ પરિપૂર્ણ થયા છે,રાત્રે દશરથજી સૂતેલા હતા તેમને સુંદર સ્વપ્નું દેખાયું કે મારે આંગણે મહાત્મા-ઋષિઓ આવ્યા છે,મને ઉઠાડે છે, સ્વપ્નમાં જ દશરથજીએ સરયુમાં સ્નાન કર્યું.પ્રભુનો પંચામૃતથી અભિષેક કર્યો અને સ્વપ્નમાં જ લક્ષ્મી નારાયણની આરતી ઉતારતા હતા.
દશરથજી મહારાજ નારાયણને વારંવાર વંદન કરે છે,પ્રભુ આજે તેમને હસતા દેખાય છે.દશરથ સ્વપ્નમાંથી જાગ્યા છે,વિચારે છે કે લાવ ગુરૂદેવ વશિષ્ઠને સ્વપ્નની વાત કરૂં.તે વશિષ્ઠ પાસે આવ્યા અને સ્વપ્નની વાત કરી.વશિષ્ઠ કહે છે કે આ સ્વપ્નનું ફળ અતિ ઉત્તમ છે,પરમાત્મા નારાયણ તમારે ઘેર આવવાના છે તેનું સૂચક છે.મને ખાતરી છે કે આ સ્વપ્નનું ફળ તમને ચોવીસ કલાકમાં મળશે.રાજાનો આનંદ સમાતો નથી.પરમાત્મા મારે ઘેર પધારવાના છે..! રાજા સરયુમાં સ્નાન કરી નારાયણની સેવા કરે છે.આ બાજુ કૌશલ્યા ધ્યાનમાં છે,આજે પવિત્ર રામનવમીનો દિવસ છે.
ચાર વેદો શિવજીના શિષ્યો થયા છે,શિવજી અયોધ્યાની ગલીમાં શ્રી રામ શ્રી રામ બોલતાં બોલતાં ભમે છે.કોઈ પૂછે તો કહે છે કે મારૂં નામ સદાશિવ જોષી છે.ભગવાન શંકરના ઇષ્ટદેવ બાળક રામ છે.પ્રાતઃ કાળથી દેવો,ગંધર્વો પ્રતીક્ષા કરે છે.આતુરતા વગર ભગવાનનો જન્મ થતો નથી.પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે,ચૈત્ર માસ,શુક્લપક્ષ,નવમી તિથિ, બપોરના બાર વાગ્યે રઘુનાથજી પ્રગટ થયા છે.દશરથને ત્યાં પરબ્રહ્મ શ્રી હરિ પ્રગટ થયા છે.જે પરમાત્મા નિર્ગુણ-નિરાકાર છે તે આજે ભક્તોને પ્રેમ વશ સગુણ-સાકાર બન્યા છે.આકાશમાંથી દેવો-ગંધર્વો પુષ્પ વૃષ્ટિ કરે છે.
માતાજીને આજે પ્રભુએ બતાવ્યું કે મારા ભક્તોનું હું ચારે તરફથી રક્ષણ કરૂં છે એટલે ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે.માતાજીએ સુંદર સ્તુતિ કરી છે.નાથ ! મારા માટે તમે બાળક બનો,મને મા..મા..કહી બોલાવો,એટલે ચતુર્ભુજ સ્વરૂપ અદ્રશ્ય થયું છે અને બે હાથવાળા બાળક બન્યા છે.દાસીઓને ખબર પડી, કૌશલ્યા ર્માં ના ખોળામાં સુંદર બાળક બિરાજે છે.દાસી વધાઈ આપે છે.કૌશલ્યાએ નવલખો હાર દાસીને આપ્યો છે,મારો રામ સુખી થાય..દાસી કહે છે કે મારે કાંઇ જોઈતું નથી,મારે તો રામને રમાડવો છે.દાસીના ગોદમાં રામને આપ્યા છે.આજે દાસીનો બ્રહ્મસંબંધ થયો છે.બીજી દાસી દોડતી દોડતી દશરથ રાજા પાસે ગઈ અને કહે છે કે મહારાજ ! વધાઈ હો..લાલો ભયો હૈ,સાક્ષાત નારાયણ આવ્યા હોય તેવું લાગે છે.
દશરથજીને વૃદ્ધાવસ્થામાં આજે ઘણા વર્ષે પુત્ર આવ્યો છે.પુત્ર પણ સાધારણ નહિ, સાક્ષાત પરમાત્મા આજે પુત્રરૂપે આવ્યા છે.રાજાએ સુંદર શૃંગાર કરી પ્રથમ ગણપતિપૂજન કર્યું છે.પુણ્યાહવાચન થયું, નાન્દીશ્રાદ્ધમાં પિતૃઓની પૂજા કરી છે અને ત્યારબાદ એટલું બધું દાન કર્યું છે કે અયોધ્યામાં કોઈ ગરીબ રહ્યા નથી.વશિષ્ઠે વેદ-મંત્રોનો ઉચ્ચાર કરી મધમાં મંત્રનો અભિષેક કર્યો છે અને પછી તે મધને અંદર લઇ જઈ બાળકને અનામિકા (આંગળી) થી ચટાડવાનું રાજાને સૂચવ્યું.રાજા રાણી વાસમાં આવ્યા છે.છડીદારો પોકાર કરે છે.હટો..હટો..મહારાજ પધારે છે.રાજ કહે છે કે હટો..હટો..નહિ બોલો.બધાના આશીર્વાદથી મારે ત્યાં દીકરો આવ્યો છે.
વશિષ્ઠજી આગળ થયા.આજે હરિદર્શનની સર્વને લાલસા છે,દેવો-ગંધર્વો સૂક્ષ્મરૂપે આવ્યા છે. પરમાનંદ થયો છે,બાળક રામના આજે સર્વને દર્શન થયા છે.રાજા દશરથ આજે આનંદથી ભાવ વિભોર થયા છે.નિરાકાર બ્રહ્મ આજે સાકાર થઇ તેમના ઘેર પુત્ર રૂપે પધાર્યા છે.રામ જન્મોત્સવમાં સર્વને આનંદ થયો છે,બધા દેવો રાજી થયા છે, ફક્ત એક ચંદ્ર નારાજ થયા છે.રામજીના દર્શન કરી,સૂર્યનારાયણ સ્તબ્ધ બની સ્થિર થયા છે કે મારા વંશમાં ભગવાન આવ્યા છે.અતિ આનંદમાં સૂર્યની ગતિ સ્થિર થઇ છે,સૂર્ય નારાયણ આગળ વધતા જ નથી,તે અસ્ત તરફ જાય તો ચંદ્રને દર્શન થાય ને? ચંદ્રમાએ રામજીને પ્રાર્થના કરી કે આ સૂર્યને આગળ જવાનું કહોને? મને તમારાં દર્શન કરવા દેતો નથી.ચંદ્રને રામજીએ આશ્વાસન આપ્યું છે કે આજથી હું તારૂં નામ ધારણ કરીશ.(રામચંદ્ર) છતાં ચંદ્રને સંતોષ થયો નહિ એટલે રામજી કહે છે કે તું ધીરજ રાખ,આ વખતે મેં સૂર્યને લાભ આપ્યો છે પણ ભવિષ્યમાં કૃષ્ણાવતાર ધારણ કરી તને એકલાને જ દર્શન આપીશ.હું રાત્રે બાર વાગે આવીશ.
બાલકૃષ્ણ પ્રગટ થયા ત્યારે આખું જગત નિંદ્રામાં હતું, ફક્ત બે જીવ જાગે છેઃવસુદેવ-દેવકી અને ત્રીજો ચંદ્ર.જે રાતે જાગે તેને કનૈયો મળે છે,સુતો હોય તેને નહિ.જાગવું એટલે શું? જાનિયે જીવ તબહિ જબ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા..ગીતામાં પણ કહ્યું છે કે સર્વ જીવોની માટે જે રાત્રિ છે ત્યારે સંયમી પુરૂષો જાગે છે અને જયારે પ્રાણીઓ-જીવો નાશવાન,ક્ષણભંગુર-સંસારિક સુખોમાં જાગે છે,તે સુખો તરફ જ્ઞાની-મુનિઓ દ્રષ્ટિ પણ કરતા નથી.જ્ઞાની મુનિઓ માટે તે સમય રાત્રિ સમાન છે.દશરથજીએ બાળ સ્વરૂપ જોયું અને હૃદય ભરાણું છે,પરમ-આનંદ થયો છે.રામ-દશરથની ચાર આંખ મળી,રામલાલાએ ગાલમાં સ્મિત કર્યું છે,દશરથ રાજા જીભ પર મધ મૂકી રામને મધ ચટાડવા લાગ્યા,રાજાએ વશિષ્ઠને વેદમંત્રો બોલવાનું કહ્યું.વશિષ્ઠજી કહે છે કે રામના દર્શન કરી વેદો તો શું? મારૂં નામ પણ ભૂલાઈ ગયું છે.હું શું મંત્ર બોલું? દર્શનમાં નામ-રૂપ ભુલાય છે ત્યારે દર્શનનો આનંદ આવે છે.તત્ર વેદા-અવેદા ભવન્તિ..ઈશ્વરદર્શન પછી વેદો ભુલાય છે પછી વેદોની જરૂર પણ નથી.લૌકિક નામ-રૂપની વિસ્મૃતિ થાય ત્યારે બ્રહ્મસંબંધ થાય છે.
વશિષ્ઠજીએ બાળકોનું નામકરણ કર્યું છે.આ કૌશલ્યાનો પુત્ર છે તે સર્વને આનંદ આપનાર છે. રમન્તે યોગિનઃ યસ્મિન ઇતિ રામ..તે સર્વને રમાડે છે તેથી તેનું નામ રામ રાખું છું.સુમિત્રાનો પુત્ર સર્વ લક્ષણ સંપન્ન છે તેથી તેનું નામ લક્ષ્મણ રાખું છું.કૈકયીનો પુત્ર રામ-પ્રેમથી જગતને ભરી દેશે એટલે તેનું નામ ભરત રાખું છું અને ચોથો પુત્ર શત્રુઓનો વિનાશ કરશે એટલે તેનું નામ શત્રુઘ્ન રાખું છું.રામ વગર આરામ મળતો નથી.જીવ માત્ર આરામ-શાંતિને શોધે છે.જીવમાત્ર શાંતિનો ઉપાસક છે,તે એવી શાંતિ ખોળે છે કે જેનો ભંગ ન થાય.રામજીની મર્યાદાનું પાલન થાય તો જ આવે શાંતિ મળી શકે.ધર્મનું ફળ છેઃશાંતિ અને અધર્મનું ફળ છે અશાંતિ.ધર્મની મર્યાદાનું પાલન ન કરે તેને શાંતિ મળતી નથી.સ્ત્રી-સ્ત્રીની મર્યાદામાં રહે અને પુરૂષ-પુરૂષની મર્યાદામાં રહે અને મર્યાદા જ્યાં સુધી ઓળંગે નહિ ત્યાં સુધી અશાંતિ આવતી નથી.
પહેલાં કરતાં અત્યારે મંદિરોમાં અને કથાઓમાં ભીડ વધારે થાય છે.એમ લાગે કે લોકોમાં જ્ઞાન-ભક્તિ વધ્યાં છે પણ મનુષ્યોને શાંતિ નથી અને તેથી તે શાંતિને મદિરોમાં ખોળવા જાય છે.લોકો ધર્મ મર્યાદા પાળતા નથી અને સ્વ-ધર્મને ભૂલ્યા છે.ધર્મ વગર શાંતિ નથી.ચંદ્ર-સૂર્ય-સમુદ્ર..એ બધા પ્રભુની મર્યાદા પળે છે,સમુદ્ર પોતાની મર્યાદા છોડે તો પ્રલય થાય.એક મનુષ્ય જ પોતાની મર્યાદા ભૂલે છે,લોકોને થોડા પૈસા મળ્યા,અધિકાર મળ્યા,માન મળ્યું એટલે તે ધર્મની મર્યાદા છોડે છે,મને પૂછનાર કોણ? સનાતન ધર્મ કેવો છે તે જાણવું હોય તો રામજીના જીવનનો અભ્યાસ કરવો જોઈએ.રામજી માને છે કે હું ધર્મ-પરતંત્ર છું.રઘુનાથજી મર્યાદા પુરૂષોત્તમ અને સર્વ સદગુણોના ભંડાર છે.રામ એ પરમાત્મા હોવાં છતાં ધર્મનું, મર્યાદાઓનું ખુબ પાલન કરે છે અને ક્યારેય પણ મર્યાદાનો ભંગ કર્યો નથી.
આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300