મહા શિવરાત્રી એટલે શિવ, શિવા અને શિવત્વને જાણવાનો અને માણવાનો એક લ્હાવો..

મહા શિવરાત્રી એટલે શિવ, શિવા અને શિવત્વને જાણવાનો અને માણવાનો એક લ્હાવો..
મહા શિવરાત્રી એટલે શિવ, શિવા અને શિવત્વને જાણવાનો અને માણવાનો એક લ્હાવો. એક અનેરો અવસર. શિવ તાંડવ કે શિવ સ્તુતિમાં રહેલા મર્મને હ્રદય પૂર્વક સ્પર્શી જવાનો અણમોલ અવસર. પ્રાણ એટલે કે શિવ અને પ્રકૃતિ એટલે કે શક્તિના સંયોગથી રચાયેલી સૃષ્ટિના અલૌકિક રહસ્યોથી છલકાતા સરોવરમાંથી અંજલીભરી આચમન કરવાનો આનંદોત્સવ ! નહી કે ભાંગ કે ગાંજાના નામે ધતિંગ કરવાનો મોકો. ભગવાન શિવ ભાંગેરી કે ગંજેરી છે જ નહીં. શિવ એટલે સૃષ્ટિના આદિ, મધ્ય અને અંતમાં પણ કલ્યાણ કરનારુ કાયમી -અમર અસ્તિત્વ. શિવત્વ એટલે જ્યાં વાણી વિરામ પામે અને જે શબ્દમાં સમાય નહીં એવું વિરાટ અસ્તિત્વ.
વાણી અને શબ્દોના સીમાડાની હદ સાવ ટૂંકાં પડે. દરિયો માપી શકાય, પૃથ્વી માપી શકાય, કેટલાક ગ્રહો -ઉપગ્રહો માપી શકાયા છે. એમના એકબીજા વચ્ચેના અંતરને વિજ્ઞાન આંબી શક્યું છે. પરંતુ, આકાશને માપી શકાય ખરું? અસંભવ ! એનુ હોવાપણું નકારી શકાય ખરું ? અત્ર, તત્ર અને સર્વત્ર એને નિહાળી શકાય, સ્વિકારી શકાય, અનુભવી શકાય પરંતુ કોઈ એક ચોક્કસ સેન્ટર પર પોઈન્ટર મૂકી દર્શાવી કે વર્ણવી શકવું બિલકુલ અશક્ય. હા, એની વિરાટતાની અનૂભૂતિનો અવકાશ સો ટકા છે. યુગોથી આ જગત-બ્રહ્માંડ અસ્તિત્વ ધરાવે છે. એના ઉદય કે અસ્ત માટે કોઈ ચોક્કસ સમયગાળો બાંધી શકવા આપણે અસમર્થ છીએ. એ અનંત, અમાપ અને નિરંતર છે. એટલે તો આપણે એને મહા કાલ કહીએ છીએ. મહા દેવ કહીએ છીએ. સમય માટે આદિ, મધ્ય કે અંત કહેવુ અઘરુ જ નહીં અસંભવ પણ છે.
વેદ પણ મહા કાલને વર્ણવી શકવા અસમર્થ રહ્યા ત્યારે ‘ નેતિ નેતિ ‘ કહી પૂર્ણ વિરામ મૂકેલું. શિવને સર્વે દેવોમાં સર્વોપરી (હેડ ઓફ ડિપાર્ટમેન્ટ) ગણવામાં આવે છે એનુ કારણ સર્જન, સંચાલન અને વિસર્જન એમના નિયંત્રિત ગણવામાં આવે છે. આપણે જેને ત્રણ દેવ, ત્રણ ગુણ, ત્રણ કાળ અને ત્રણ લોક કહીએ છીએ એ સમગ્ર પર જેનુ આધિપત્ય છે-એ સમગ્ર જેના વડે છે એ શિવ છે. મહા મૃત્યુંજય મંત્ર પ્રમાણે પણ ભગવાન શિવને ત્રણેય પ્રકારના ભયથી મુક્તિ અપાવનાર અભય કહ્યા છે. ત્ર્યંબક એટલે ત્રણ આંખો વાળા ત્રિનેત્ર કહ્યા છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય એમ ત્રણેયના સંચાલક કહ્યા છે. મૃત્યુના ભયમાંથી મુક્ત કરનાર કે રુદ્ર સ્વરૂપ પણ માનવામાં આવે છે.
આપણા માટે સમજવુ કે પામવુ ભલે અઘરુ લાગતું હોય પરંતુ, બ્રહ્માંડના કેટલાક અચલ સિદ્ધાંતોને આપણે નકારી કે નજર અંદાજ કરી શકીએ નહીં. સ્વિકારવા જ પડે. સ્વિકારભાવ એ જ શિવજીનુ શરણ અને મહા શિવરાત્રીની સાચી ઊજવણી ગણાય. એક સિદ્ધાંત એ છે કે જગતની કોઈ પણ ચીજ વસ્તુઓ ક્યારેય નાશ પામતી નથી. એનુ રૂપાંતર થાય છે. જેમકે કપ ફૂટી જાય છે નાશ પામતો નથી. સ્વરૂપ અને નામ બદલાય છે. કપ એના ટૂકડામાં ફેરવાય છે. હાઈડ્રોજન અને ઓક્સિજન નામના વાયુઓ સંયોજાઈ નાશ પામતા નથી એ પાણી સ્વરૂપે રૂપાંતર પામે છે. એ બંને પાણીમાં તો છે જ. પાણીની વિઘટન પ્રક્રિયા પાણીને હાઈડ્રોજન અને ઓક્સિજનમાં રૂપાંતરિત કરે છે. નામ, રૂપ, રંગ અને ગુણ એટલે કે ગુણધર્મો બદલાય છે. કશુ નાશ પામતુ નથી.પાણીની વરાળ બને છે.વરાળનાં વાદળાં બને છે. વળી, પાછુ વાદળ માંથી પાણી બને છે. આ ઘટના ચક્ર અવિરત ચાલ્યા કરે છે. બસ આ જ રીતે બ્રહ્માંડના સજીવ નિર્જીવ દરેક પદાર્થ તત્વો રૂપાંતર પામે છે નાશ પામતા નથી. મૃત્યુ પણ એક એવી જ ઘટના કહી શકાય. આ અટલ સિદ્ધાંતને સ્વિકારીએ તો શરીર નાશ પામતુ નથી, પ્રાણ તત્વ નાશ પામતુ નથી કે પ્રકૃતિ નાશ પામતી નથી. હા, રૂપાંતર ચોક્કસ પામે છે.
આ પ્રમાણે બ્રહ્માંડનો બીજો અચલ સિદ્ધાંત એ છે કે કોઈ પણ સજીવ, નિર્જીવ, પદાર્થ તત્વો દરેકે દરેક એક બીજા સાથે કોઈ ને કોઈ રીતે ચોક્કસ સંબંધ ધરાવે છે. આ બાબતે ઝીણવટપૂર્વક વિગતે ચર્ચા અહીં અપ્રસ્તુત ગણીએ કારણ કે આપણે વાત કરવી છે. મહા શિવરાત્રી , શિવ મહાત્મ્ય, શિવત્વની ઉજવણીના અવસરની. જેને આધ્યાત્મિક જગતમાં સદ્ ગુરુના સામ્રાજ્ય સાથે સરખાવવામાં આવે છે એવા અગમ-અગોચર પ્રદેશની સીમા પાર શિવ, શિવા અને શિવત્વનું અલૌકિક સાયલન્ટ સંગીત શરુ થાય છે. એ નિરવ શાંતિના સામ્રાજ્યની એકાદ લહેર પણ જો સ્પર્શી જાય તો બેડો પાર થઈ જાય. પછી સ્વયંમાં રહેલુ ચિદાનંદ સ્વરૂપ શિવોહમ્ પ્રગટ થવામાં વાર નહીં લાગે. સંસારની કોઈપણ પ્રકારની ગતિવિધિઓ, કોઈ પણ પ્રકારના ગુણ -અવગુણ કે કોઈ પણ પ્રકારના રાગ-દ્વેશ સહેજ પણ વિચલિત કરી શકતા નથી એવા વ્યક્તિને શંભુને શરણે પડી ઘડીએ ઘડીએ માંગવાની જરૂર નથી પડતી. જગત તરફથી મળતા અનેક પ્રકારના કષ્ટો, અપમાન, અવગણના જેવા દર્દોની પિડા રૂપી હળાહળ ઝેરને હસતાં હસતાં પચાવી જવાની ત્રેવડ સાચા સંતો- ભક્તોમાં એમ જ નથી આવી જતી. જીવનને શિવ ભક્તિમાં કસોટીએ ચડાવવુ પડે છે. ત્યારે જીવનરૂપી બાગમાં પ્રેમ,પ્રકાશ અને આનંદનાં ફૂલડાં મહેકે છે. જન્મ પહેલાં, જીવન દરમિયાન અને મૃત્યુ પછીની એમ ત્રણેય લોકની ઘટનાઓને પેલેપારનુ નાઅસ્તિત્વનુ હોવાપણું એટલે શિવત્વ. જીવ, શિવ અને સંસારનું ઐક્ય હળાહળ વિષ અને અમૃત વચ્ચેના ભેદ ને છેદવા સમર્થ હોય છે.
અત્ર તત્ર સર્વત્ર માત્ર શિવપણાનો સહજ અને સહર્ષ સ્વીકાર, અન્ય કંઈ જ નહીં, માત્ર શૂન્યાવકાશ. શૂન્ય છતાં સમસ્ત નું હોવાપણું ! એટલે તો શિવના અસ્તિત્વ ને જીવમાં , સંસારમાં, મસાણમાં અને મૃત્યુ પછી પણ નકારી શકાય નહીં. તેમ છતાં એકદમ ખાલીખમ દર્પણની અવસ્થા એટલે શિવત્વ. અભેદ મૂક્તિ નું વિરાટ સામ્રાજ્ય એટલે શિવત્વ. સમર્થ સંતોની કૃપા-કરૂણા અને પ્રેમ જો ધોધમાર વરસી જાય તો શૂન્યતા સાથે યોગ સંભવ છે. અને પછી આનંદલોકને સ્પર્શી જતાં વાર નહીં લાગે !
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300