ભગવાનમાં આકર્ષણ થવું એ પ્રેમ અને સંસારમાં આકર્ષણ થવું એ આસક્તિ છે.

ભગવાનમાં આકર્ષણ થવું એ પ્રેમ અને સંસારમાં આકર્ષણ થવું એ આસક્તિ છે.
ભગવાનમાં આકર્ષણ થવું એ પ્રેમ અને સંસારમાં આકર્ષણ થવું એ આસક્તિ કહેવાય છે.વસ્તુમાં ઉત્તમતા અને પ્રિતિ દેખાવવી એ આસક્તિ છે.મમતા સ્પૃહા વાસના આશા વગેરે દોષો આસક્તિ કહેવાય છે.આ દોષો આસક્તિના કારણે જ થાય છે.જેટલી ઊંડી આસક્તિ એટલું મોટું દુઃખ થતું હોય છે.આસક્તિ અને અભિમાન-એ બંને જીવને બંધન કરનાર છે,જ્ઞાની આ બંનેને ત્યજે છે.
એક વૃદ્ધ સંન્યાસી પોતાની કુટિયામાં રહીને સાધન-ભજન કરતા હતા.તે નગરના રાજા ક્યારેક તેમની પાસે આવીને જ્ઞાનની વાતો સાંભળતા હતા.સંતની સેવાનું મહત્વ જાણીને રાજાએ મહાત્માને આગ્રહ કર્યો કે મહારાજ ! હું તમારા માટે કેટલીક સારી વ્યવસ્થા કરવા ઇચ્છું છું.સંન્યાસીએ કહ્યું કે મારે કોઇ વસ્તુની આવશ્યકતા નથી.હું મારી પોતાની પરિસ્થિતિ અનુસાર જે વ્યવસ્થામાં જીવી રહ્યો છું તેનાથી પ્રસન્ન છું.રાજાએ ઘણો જ આગ્રહ કર્યો તો મહાત્માજીએ સ્વીકૃતિ આપી જેથી રાજાએ પોતાના રાજભવનની નજીક જ મહાત્માના માટે સુંદર ભવન બનાવડાવ્યું તથા તમામ સુખ-સુવિધા માટે તમામ પ્રકારની સામગ્રીની વ્યવસ્થા કરી.ભવનની સામે જ સુંદર બગીચો બનાવડાવ્યો.મહાત્માને સવારીના માટે હાથી-ઘોડા અને તેમની સેવા કરવા માટે અનેક સેવાદારોની વ્યવસ્થા કરી.હવે મહાત્મા રાજા દ્વારા બનાવવામાં આવેલ ભવનમાં રહેવા લાગ્યા.હવે તેઓ કપડાં પણ કિંમતી અને સુંદર પહેરવા લાગ્યા.
કેટલાક દિવસ બાદ એક દિવસ રાજા અને મહાત્મા સાથે સાથે ફરવા માટે જાય છે.રસ્તામાં રાજાએ મહાત્માને પુછ્યું કે મહારાજ ! હવે મારા અને આપણામાં શું અંતર છે? ત્યારે મહાત્મા કહે છે કે હજું થોડા આગળ ચાલો પછી તમારા પ્રશ્નનો જવાબ આપીશ.બંન્ને ચાલતાં-ચાલતાં ઘણા દૂર નીકળી ગયા.રાજા થાકી ગયા હતા.રાજ્યના કેટલાક અગત્યના રાજકીય કામો પણ તેમને યાદ આવે છે એટલે રાજાએ મહાત્માને નિવેદન કર્યું કે આપણે રાજ્યથી ઘણા દૂર આવી ગયા છીએ એટલે હવે આપણે પાછા વળવું જોઇએ.
મહાત્માએ કહ્યું કે હજું થોડા આગળ ચાલો.થોડીવાર ચાલ્યા તો સામે ગાઢ જંગલ આવી ગયું તેથી રાજા ગભરાઇને કહે છે કે મહારાજ ! હવે આનાથી આગળ જવું યોગ્ય નથી.હવે સાંજ પડવા આવી છે તેથી આપણે હવે પરત ભવન ઉપર જવું જોઇએ ત્યારે મહાત્માએ જવાબ આપ્યો કે હવે પાછા જઇને શું કરવાનું છે? હવે તો મારી ભવન ઉપર પાછા આવવાની ઇચ્છા નથી.અમોએ રાજસુખ તો ઘણું ભોગવ્યું હવે ચાલો જંગલમાં રહીને ઇશ્વરનું ભજન કરીશું.ત્યારે રાજાએ હાથ જોડીને કહ્યું કે મહારાજ ! મારે સ્ત્રી છે,બાળકો છે, રાજ્યની વ્યવસ્થા સંભાળનાર બીજો કોઇ નથી એટલે જંગલમાં રહેવાનું સાહસ મારામાં નથી એટલે હવે હું અહીથી આગળ આવી શકું તેમ નથી.
મહાત્માએ ર્હંસીને કહ્યું કે રાજન ! મારામાં અને તમારામાં આ અંતર છે.બાહ્ય રહન-સહનથી શું થાય છે? હ્રદયનો ભાવ જ મુખ્ય હોય છે.જેનું મન ભોગોમાં આસક્ત છે તે વનમાં રહીને પણ સંસારી છે અને જેનું મન અનાસક્ત છે તે મહેલમાં રહીને પણ વિરક્ત છે,સંન્યાસી છે.તમે મહેલમાં જાઓ અને હું પોતાના લક્ષ્યની તરફ જઇ રહ્યો છું.આમ કહીને મહાત્માજી ઘનઘોર જંગલમાં ચાલ્યા ગયા.તુલસીદાસજીએ કહ્યું છે કે જે વ્યક્તિને આનંદદાયક બ્રહ્મ-પિયૂષ મળી ગયું છે તે મૃગતૃષ્ણાનું જળ પી ને દોડી શકતો નથી.
હે માનવ ! પરમાત્માનું જ્ઞાન અને ભક્તિ પ્રાપ્ત કરવા માટે પોતાનું ઘર છોડવાની..દર દર ફરી ભિક્ષા માંગવાની..ગૃહસ્થનો પરીત્યાગ કરવાની અને ભગવા વસ્ત્ર ધારણ કરવાની આવશ્યકતા નથી. ગૃહસ્થનો ત્યાગ કરી બનાવટી સાધુનો વેશ ક્યારેય ધારણ કરવો નહી.તમામના નિર્માતા જ્યોત્તિ સ્વરૂ૫ પરમેશ્વરની સૃષ્ટ્રિમાં તમામ મનુષ્યએ પોતપોતાના કર્તવ્ય કર્મ, ત્યાગભાવથી કરેલા કર્મોથી માનવ લિપ્ત બનતો નથી.ભગવાનની ભક્તિમાં ગૃહસ્થાશ્રમ નહી,પરંતુ આસક્તિ જ બાધક છે એટલે ક્યાંય કોઇની ૫ણ સાથે વિશેષ સ્નેહ અથવા આસક્તિ કરવી જોઇએ નહી.
જેવી રીતે મુખથી સાબુ સાબુ ઉચ્ચારવાથી કપડાં ધોવાઇ જતાં નથી,તેવી જ રીતે ફક્ત રામ-રામનો જાપ કરવાથી મુક્તિ મળતી નથી,જેમ પ્રકાશ થતાં જ અંધકાર આપોઆપ દૂર થાય છે તેવી જ રીતે જ્ઞાન થતાં જ પા૫..વગેરે કર્મો સ્વંયમ્ સમાપ્ત થાય છે.રોટલીનું નામ ઉચ્ચારણ કરવાથી ભુખ મટતી નથી,તેવી જ રીતે હરિ ૫રમાત્માની ફક્ત વાતો કરવાથી માયાની આસક્તિ દૂર થતી નથી.સંત તન મન ધનને પ્રભુની અમાનત સમજીને આસક્તિરહિત ત્યાગભાવનાથી પોતાનું જીવન વ્યતિત કરે છે.
બુદ્ધિમાન પુરૂષે કુસંગ ત્યજીને સત્પુરૂષોનો સંગ કરવો જોઇએ.તેઓ પોતાના સદઉ૫દેશથી મનની આસક્તિ દૂર કરી દે છે.મન અતિ ચંચળ છે અને વિષયોની તરફ દોડતું રહે છે,તેના ઉ૫ર સતત નજર રાખીને જયારે જયારે તે સાંસારીક પ્રપંચની તરફ જાય ત્યારે તેને ત્યાંથી હટાવીને પ્રભુ ૫રમાત્માના ચિંતનમાં લગાડવું જોઇએ.વિષયોનું ચિંતન કરવાથી વિષયોમાં આસક્તિ થઇ જાય છે,આસક્તિના કારણે જીવ પ્રભુ ૫રમાત્માથી વિમુખ બની જાય છે.જેના મનમાં આસક્તિ છે તેની કયારેય મુક્તિ થતી નથી.
૫રમાત્માના શુદ્ધ અંશ ચેતનમાં કે જડપ્રકૃતિમાં આસક્તિ નથી હોતી ૫ણ જડ અને ચેતનના સબંધરૂપી “હું’’ ૫ણાની માન્યતામાં છે તે જ આસક્તિ મન બુદ્ધિ ઇન્દ્દિયો અને વિષયો (૫દાર્થો)માં પ્રતિત થાય છે. આસક્તિનું કારણ અવિવેક છે.પોતાના અંશી પ્રભુથી વિમુખ થઇને ભૂલથી સંસારને પોતાનો માની લેવાથી સંસારમાં રાગ થઇ જાય છે અને રાગ થવાથી સંસારમાં આસક્તિ થઇ જાય છે.સંસાર સાથે માનેલું પોતાપણું સર્વથા દૂર થઇ જવાથી બુદ્ધિ સમ થઇ જાય છે.બુદ્ધિ સમ થતાં પોતે આસક્તિ રહીત થઇ જાય છે.
જે મનુષ્ય મનથી ઇન્દ્દિયો ઉ૫ર નિયંત્રણ રાખીને આસક્તિ રહીત થઇને નિષ્કામ ભાવથી તમામ ઇન્દ્દિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે જ શ્રેષ્ઠ છે.
વૈરાગ્યનો અર્થ છેઃસાંસારીક વિષયોના પ્રત્યે દોષદ્દષ્ટ્રિ અ૫નાવીને તેમના પ્રત્યે અનાસક્તિ અને ઉદાસીનતાનો ભાવ પેદા કરવો.વિષયોમાં દોષદર્શન અને વિષયાસક્તિના કુ-૫રીણામના ચિંતનથી વિષયોન્મુખ મન વિષયોના પ્રત્યે વિરક્ત થઇ જાય છે.વૈરાગ્ય-સત અને અસતને અલગ અલગ જાણીને અસતનો ત્યાગ કરવો એટલે કે સંસારથી વિમુખ થવું એ વેરાગ્ય છે.વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી જે સુખની અનુભૂતિ થાય છે તે ક્ષણિક અને ૫રીણામમાં વિષ બરાબર છે આ સત્યને હ્રદયમાં ઉતારી લેવાથી મનમાં વિષયોના પ્રત્યે વૈરાગ્યનો ભાવ આવી જાય છે. વૈરાગ્ય તેને જ કહેવો જોઇએ કે જેને સૌ સિધ્ધિઓને તથા ત્રણ ગુણોને તણખલાની જેમ ગણીને તેનો ત્યાગ કરી દીધો છે,આવો પુરૂષ જ ૫રમ વૈરાગ્યવાન સમજવો.
“ભોગમાં રોગ થવાનો ભય,કુલાભિમાનથી ૫તનનો ભય, ધનથી રાજાનો ભય,મૌનમાં દીનતાનો ભય,બળવાન હોવામાં શત્રુનો ભય,સુંદરતામાં વૃદ્ધાવસ્થાનો ભય,શાસ્ત્રજ્ઞ હોવામાં વાદ-વિવાદ (વિરોધ)નો ભય,ગુણવાન હોવામાં દુષ્ટોનો ભય અને શરીરમાં મૃત્યુનો ભય બનેલો રહે છે.ફક્ત વૈરાગ્યમાં જ અભય(ભયમુક્ત) નો ભાવ છે.’’(વૈરાગ્ય શતકઃ૩૫)
જીવન વિકાસ સાધવાનો પ્રયત્ન કરનારે પોતાના કાર્યમાં એકાગ્ર રહેવું જોઇએ.આસન અને પ્રાણાયામ વડે પ્રાણને જીતીને અભ્યાસ અને વૈરાગ્યના દ્રારા પોતાના મનને વશમાં કરી લેવું અને ૫છી પોતાના લક્ષ્ય સ્વ-સ્વરૂ૫માં લગાવવું.જયારે ૫રમાનંદ સ્વરૂ૫ ૫રમાત્મામાં મન સ્થિર થઇ જાય છે તો ત્યાર ૫છી ધીરે ધીરે વાસનાઓની ધૂળ ધોવાઇ જાય છે.જેમ ઇંધન વિના અગ્નિ શાંત ૫ડી જાય છે તેમ સત્વગુણની વૃધ્ધિ થવાથી રજોગુણ અને તમોગુણી વૃત્તિઓનો ત્યાગ થવાથી મન શાંત બની જાય છે.
વૈરાગ્ય થવાના કેટલાક ઉપાયો છેઃસંસાર પ્રતિક્ષણે બદલાય છે અને સ્વરુ૫ કયારેય અને કોઇપણ ક્ષણે બદલાતું નથી.આથી સંસાર આપણી સાથે નથી અને આ૫ણે સંસારની સાથે નથી, આવો વિચાર કરવાથી સંસારથી વૈરાગ્ય થાય છે. પોતાના કહેવાવાળા જેટલા આ૫ણા કુટુંબીઓ અને સબંધિઓ છે તેઓ આ૫ણી પાસે અનુકૂળતાની ઇચ્છા રાખતા હોય તો આ૫ણી શક્તિ,સાર્મથ્ય,યોગ્યતા અને સમજ અનુસાર તેમની ન્યાયયુક્ત ઇચ્છા પુરી કરી દેવી અને ૫રીશ્રમ કરીને તેમની સેવા કરવી,પરંતુ તેમની પાસેથી પોતાની અનુકૂળતાની તથા કંઇ લેવાની ઇચ્છાનો ત્યાગ કરી દેવો,એથી સ્વાભાવિક જ વૈરાગ્ય થઇ જાય છે અને રાગ દૂર થાય છે.જેટલા ૫ણ દોષ,પા૫ અને દુઃખ સંસારના રાગથી પેદા થાય છે,એવો વિચાર કરવા થી વૈરાગ્ય થઇ જાય છે.
આલેખનઃવિનોદભાઈ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300