ભગવાન શિવ નિલકંઠ કેમ કહેવાયા?

ભગવાન શિવ નિલકંઠ કેમ કહેવાયા?
Spread the love

ભગવાન શિવ નિલકંઠ કેમ કહેવાયા?

મહાદેવનો કંઠભાગ નીલા રંગનો છે એટલે તેમને નીલકંઠ કહેવાય છે.તે અંગે દેવાસુરસંગ્રામની કથા જોઇએ.દેવ તથા અસુરોનો અનાદિથી સંગ્રામ ચાલ્યા કરે છે.એક વાર બન્નેએ મળીને સમુદ્રમંથન કરી રત્નો કાઢવાનું નક્કી કર્યું પણ સમુદ્રને મથવો શાનાથી? મંદરાચલ પર્વત ઉપાડી લાવ્યા જે રવૈયા તરીકે ગોઠવી દીધો પણ ગોઠવવો શેના ઉપર? તરત જ કચ્છપ પધરાવ્યો,તેના ઉપર મંદરાચલ મૂક્યો પણ હવે વલોવવો શાનાથી? તો વાસુકી નાગ લઈ આવ્યા આમ તૈયારી પૂરી થઈ.આવતી કાલે વલોણું વલોવવાનું શરૂ થશે.રાતે દેવો ચિંતાતુર વદને ભેગા થયા.ચિંતા છે કે જો વાસુકિનું મુખ આપણી તરફ આવ્યું તો તેના ઝેર-વમનથી આપણું સત્યાનાશ વળી જશે.દૈત્યો અવળચંડા છે,એ જરૂર આપણા તરફ મોઢું રખાવશે.બધા ચિંતાતુર છે તેવામાં આવી પહોંચ્યા નારદ.નારદ સનાતન પાત્ર છે.જ્યારે જુઓ ત્યારે હાજર.દેવોની ચિંતા જાણીને નારદે આશ્વાસન આપ્યું કે ચિંતા ન કરો.હું યોગ્ય વ્યવસ્થા કરું છું. રાત્રે બાર વાગ્યે તે દૈત્યોની છાવણીમાં ગયા.ત્યાં પણ બધા જાગતા હતા પણ ચિંતાના કારણે નહિ.ખાણીપીણી ચાલતી હતી.નારદને જોઈને બધા હરખાયા: “ઓહો ! નારદજી અત્યારે કેમ પધાર્યા ?”

નારદની વિશેષતા એ છે કે પક્ષ-વિપક્ષ બન્ને તેમને પોતાના ખાસ માણસ સમજે. બન્ને પક્ષોને આંગળાઓના ટેરવે નચાવી શકે તે નારદ થઈ શકે.થોડા આક્રોશ તથા ચિંતા સાથે નારદે કહ્યું: “અરે ! તમને ખબર નથી શું? આવતીકાલે સમુદ્રમંથન થશે,તેમાં તમને નાના બાપના હલકા કુળના સમજીને પૂંછડું આપવાનું દેવોએ નક્કી કર્યું છે.માથું તો દેવો પાસે રહે કારણ કે તેઓ પોતાને મોટા બાપના કુળવાન માને છે એટલે સવારે તમારું નાક કપાવાનું છે.મારાથી રહ્યું ના ગયું એટલે તમને સાવધાન કરવા આવ્યો છું” નારદની વાત સાંભળીને દૈત્યો ઊકળી ઊઠ્યા “એ નહિ બને ! અમે પૂંછડું નહિ લઈએ,માથું જ લઈશું.” નારદે જોયું કે કામ બરાબર થયું છે એટલે કહ્યું: “પણ સવારે ઝઘડો થશે તો શું કરશો? એમ કહેજો મને ન્યાયાધીશ તરીકે નીમી દેજો,હું જે નિર્ણય આપું તે બન્ને પક્ષને માન્ય રહે તેવી વ્યવસ્થા કરજો પછી હું નિર્ણય આપીશ.” નારદજીની સલાહ સાંભળીને બધા ખુશખુશ થઈ ગયા: ‘વાહ ! નારદજી વાહ ! કાળી રાતે કામ કર્યું.દૈત્યો કૃતજ્ઞભાવથી નમી પડયા.નારદે વિદાય લીધી.આવ્યા પાછા દેવોના કેમ્પમાં. ચિંતાતુર દેવોને કહ્યું કે કામ થઈ ગયું છે.તમારે હવે આટલું કરવાનું: સવારે વાસુકિનું મુખ તમારા પક્ષ તરફ રાખવાનું, દૈત્યો માગે તો પણ આપવાનું નહિ પછી કોલાહલ થાય અને દૈત્યો ન્યાયાધીશ તરીકે મારું નામ મૂકે તો તમારે માન્ય રાખવાનું પછી હું નિર્ણય આપીશ.

સવારે તેવું જ થયું.મંદરાચલને આંટો મારેલો વાસુકિ નાગ દેવો તરફ મુખવાળો હતો. દૈત્યો તરફ પૂંછડું હતું. દૈત્યોને નારદની ચેતવણી યાદ આવી, અને નારદની લાગણી બદલ કૃતકૃત્ય થવા લાગ્યા. દેવોએ કહ્યું કે ચાલો ત્યારે મંથન શરૂ કરીએ, દૈત્યોએ કહ્યું કે નહિ બને, અમે પૂંછડા તરફ રહેવાના નથી, અમારે તો મોઢાવાળો ભાગ જ જોઈએ. દેવોએ ના પાડી. બન્ને વચ્ચે ખરો ઉગ્ર વિવાદ ચાલ્યો. ત્યાં તો નારદ પધાર્યા. બન્નેએ મળીને તેમને જ નિર્ણય સોંપ્યો, અને નારદે નિર્ણય સંભળાવ્યો કે દૈત્યો મોઢા તરફ રહેશે. નિર્ણય સાંભળીને દૈત્યો રાજીરાજી થઈ ગયા.જે જોઈતું હતું તે જ મળ્યું. આ બાજુ દેવો પણ રાજીરાજી હતા.નારદની ચતુરાઈથી તે બહુ મોટા ભયથી બચી ગયા હતા.સમાજમાં ઘણા લોકો એવા હોય છે કે સીધી રીતે કહો તો માને નહિ પણ ઊંધી રીતે કહો તો જ માને.

મંથન શરૂ થયું.વાસુકિના ઝેરભર્યા શ્વાસોચ્છ્વાસથી ઘણા દૈત્યો મરવા લાગ્યા.મંથનમાં સર્વપ્રથમ ખદખદ કરતું હળાહળ ઝેર નીકળ્યું.ઝેરને જોતાં જ બધા ભાગ્યા કે અલ્યા રત્નો લેવા ગયા પણ આ તો ઝેર નીકળ્યું. આ ઝેર કોણ પચાવે ! બધા દોડયા ભગવાન વિષ્ણુ પાસે પણ તેમને તો પહેલાં જ કહી દીધું કે ઝેર પચાવવાનું કામ મારૂં નથી.મારૂં કામ તો બાળભોગ,રાજભોગ પચાવવાનું છે.બધા દેવો બ્રહ્મા પાસે ગયા પણ તે પણ તૈયાર થયા નહિ.ઝેર તો ત્રૈલોકને નાશ કરવા તૈયાર હતું.આવી અતિ વિપત્તિભરી સ્થિતિમાં બધા મહાદેવજી પાસે ગયા તથા પ્રાર્થના કરી કે વિશ્વને બચાવવા માટે આ ઝેરનો સ્વીકાર કરો.મહાદેવ હસ્યા અને સંપૂર્ણ વિશ્વની રક્ષા માટે પેલું હળાહળ કાળકૂટ ઉપાડીને નિર્લિપ્ત ભાવથી ગટગટાવી ગયા.ભયાક્રાન્ત સંસાર શાન્ત થયો ત્યારથી શંકરનું નામ મહાદેવ થયું.

અમૃત પીએ તે દેવ પણ પારકાં ઝેરને પીને પણ જે અમર રહે તે મહાદેવ.અમૃત પીનારા બધે જ હોય છે પણ ઝેર પીનારા ભાગ્યે જ મળતા હોય છે.ઝેર પીધા વિના મહાદેવ ના થવાય પણ મહાદેવે જે ઝેર પીધું તે પેટમાં ના જવા દીધું નહિતર નસેનસમાં ફેલાઈને મૃત્યુ નોંતરત,તેમજ ઝેરને પાછું થૂંકી ના દીધું પણ કંઠમાં રાખી લીધું એના કારણે કંઠ નીલા રંગનો થઈ ગયો તેથી તેમને નીલકંઠ કહેવાય છે.દૂષણ ભૂષણ બની ગયું.

ઝેરને પાછું થૂંકી દેવું તેનો અર્થ સમજ્યા? કડવી ઝેર જેવી વાત કોઈ સંભળાવે,તેને સામેથી બમણી કડવી વાતો સંભળાવવી,મેણાં મારવાં તે ઝેરને થૂંકી દેવા બરાબર છે.પરિણામે ઝેર વધ્યા જ કરે.

આવત ગાલી એક હૈ, ઊલટત હોય અનેક,
કહે કબીર ના ઊલટીએ, વહી એક કી એક..
કોઈ ગાળ આપે ત્યારે એક જ ગાળ હોય છે,આપણે તેની ગાળ પાછી આપીએ તો તે પાછો અનેક ગાળો આપણને આપતો હોય છે.આમ ગાળની આપ-લે ચાલ્યા કરે તો કલહ મોટો થઈ જાય,તેના કરતાં તો કબીર કહે છે કે પેલી જે પ્રથમ એક ગાળ આવી છે તેને જ રાખી લેવી શું ખોટી? સંસારની કડવાશને પીધા વિના મહાદેવ ન થવાય.આ કડવાશને માત્ર પીએ જ નહિ,પચાવી જાણે તે જ મહાદેવ થાય.

મહાદેવ પેટમાં હળાહળ ઝેરને ઉતારી ગયા તેનો અર્થ સમજ્યા? કડવી વાતને માણસ મનમાં ઉતારે પછી તેને વાગોળી વાગોળીને દુ:ખી થયા કરે,યાદ કરી કરીને ક્લેશ અનુભવ્યા કરે,મહિના તથા વર્ષો સુધી પેલું ઝેર પ્રસર્યા કરે.પૂરૂં જીવન ઝેરઝેર થઈ જાય એટલે કોઈની કડવી વાતની અસર ના થવા દેવી તથા સામી કડવી વાત ના આપવી.જે આવી હોય તેને સહન કરી ખંખેરી નાખવી,ગમ ખાઈ લેવો તે જ કલ્યાણકારી છે.આવું કરે તો કુટુંબને બચાવી શકે,ત્રણ લોકને બચાવી શકે.ગમ ખાવામાં આટલી બધી શક્તિ છે.(સ્વામી સચ્ચિદાનંદ)

આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!