પ્રાકૃતિક ખેતી શા માટે? : જમીન અને આપણાં સ્વાસ્થ્યનું જતન કરતી પ્રાકૃતિક ખેતી વિષે જાણીએ

પ્રાકૃતિક ખેતી શા માટે?  : જમીન અને આપણાં સ્વાસ્થ્યનું જતન કરતી પ્રાકૃતિક ખેતી વિષે જાણીએ
Spread the love

પ્રાકૃતિક ખેતી શા માટે?

જમીન અને આપણાં સ્વાસ્થ્યનું જતન કરતી પ્રાકૃતિક ખેતી વિષે જાણીએ

જૂનાગઢ : ગુજરાત રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પ્રાકૃતિક ખેતી કરવા જ પ્રેરાય તે માટે અવનવી ખેડૂતલક્ષી યોજનાઓ, સહાય, ખેડૂત જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે અને આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે આ પ્રયાસમાં ખેડૂતો સ્વેચ્છાએ જોડાઈ પણ રહ્યા છે.

સામાન્ય રીતે ખેતીમાં વધુ ઉત્પાદન માટે રાસાયણિક ખાતરો વપરાય છે અને પાકને જંતુઓ કે રોગથી રક્ષણ માટે ઝેરી જંતુનાશક દવાઓનો વપરાશ કરવામાં આવે છે. આ પદ્ધતિના ગેરફાયદા એ છે કે ઉપજમાં ઝેરી જંતુનાશકો રહી જાય છે, જે સ્વાસ્થ્ય નુકશાન કરે છે. વધુમાં જમીનની કુદરતી ઉત્પાદનક્ષમતા લાંબા સમયે ઘટી જાય છે.

૩૦ એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી માટે એક ગાયના ગૌમુત્ર અને છાણ પર્યાપ્ત હોય છે. નાના ખેડુતો માટે પણ પ્રાકૃતિક ખેતી ફાયદાકારક છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ મોડેલ પાંચ સ્તંભ પર આધારીત છે. જે સ્તંભો બીજામૃત, જીવામૃત, વાપ્સા, આચ્છાદન અને  મિશ્ર ખેતી છે.

આ પાંચેય સ્તંભ વિષે પ્રાથમિક પરિચય મેળવીએ.

‘બીજામૃત’ દેશી ગાયનું છાણ, ગૌમૂત્ર, પલાળેલો ચુનો અને પાણી તેમજ માટીના મિશ્રણથી તૈયાર કરી શકાય છે. બીજામૃતમાં બિયારણને નિર્ધારિત કલાકો સુધી પલાળીને છાયામા સુકવ્યા બાદ વાવેતર કરવામાં આવે છે.

‘જીવામૃત’ એ દેશી ગાયનું છાણ, ગૌમૂત્ર, ગોળ, બેસન, પાણી અને માટીનાં મિશ્રણ દ્વારા બનાવાય છે, જે સુક્ષ્મજંતુઓનો ભંડાર છે અને જરૂરી પોષકતત્વો પુરા પાડવામાં અગત્યની ભુમિકા ભજવે છે, જેને પિયત સાથે કે છંટકાવ સ્વરૂપે વાપરવામાં આવે છે.

‘વાપ્સા’ એટલે ભેજ કે વરાપ વ્યવસ્થાપન. છોડને પાણી જ નહિં પણ ભેજ એટલે કે પાણી અને હવાનું સંતુલિત પ્રમાણ જોઇએ, જે વાપ્સા દ્વારા પુરૂં પડાય છે. અલગ અલગ પાકો અને જમીનના ઢાળ મુજબ પાણીની નિક તૈયાર કરીને વરાપ વ્યવસ્થાપન કરવામાં આવે છે.

‘આચ્છાદન’ એટેલે જમીનને ઢાંકીને રાખવી જેથી સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ વધે અને તે ઉડી ન જાય. જમીનને ઢાંકવાથી ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે અને પાણીની મોટી બચત થાય છે. વધુમાં સુર્યપ્રકાશ ન મળતાં નિંદામણની સમસ્યા પણ રહેતી નથી. આચ્છાદિત ખેતરમાં દિવસે પણ અળસિયા કાર્ય કરીને ઓક્સિજન, ખાતર આપે છે તેમજ જમીનની પાણી સંગ્રહ ક્ષમતા વધારી આપે છે. વધુપડતી ગરમીમાં ભેજને કારણે છોડ સુકાઈ જવાનો ડર રહેતો નથી.

‘મિશ્ર ખેતી’ એટલે મિશ્ર પાક પદ્ધતિ. એક પાકની સાથે અન્ય પાકની પસંદગી એવી રીતે કરવામાં આવે છે કે જેથી બંને પાક સારી રીતે વિકાસ પામે. સહજીવી પાક મુખ્ય પાક કરતાં અડધી કે તેથી ઓછી મુદતનો, ઝડપથી વૃદ્ધિ પામતો અને મુખ્ય પાકને સુર્યપ્રકાશથી રક્ષણ આપી શકે, પાન વધુ ખરતાં હોય તેવો પસંદ કરવામાં આવે છે.

આમ, પ્રાકૃતિક ખેતી પ્રચલિત રાસયણિક ખાતરો અને જંતુનાશકોવાળી ખેતીનો એક ઉપાય બની રહી છે. દિવસે ને દિવસે વધુ ને વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાં છે. લોકોમાં આરોગ્ય પ્રત્યે સભાનતા આવી છે, જેથી ઝેરમુક્ત ઉત્પાદનો માટે સારાં ભાવો પણ મળી રહે છે. સરકાર પણ વિવિધ સહાય દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!