ગીતામૃતમ્ : ગીતા એટલે શોકામગ્ન અર્જુનને શોક-નિવૃત્તિનો ઉપદેશ

ગીતામૃતમ્ : ગીતા એટલે શોકામગ્ન અર્જુનને શોક-નિવૃત્તિનો ઉપદેશ
Spread the love

ગીતામૃતમ્ : ગીતા એટલે શોકામગ્ન અર્જુનને શોક-નિવૃત્તિનો ઉપદેશ

ધર્મભૂમિ કુરૂક્ષેત્રના મેદાનમાં એક તરફ કૌરવો અને એક તરફ પાંડવોની સેના ઉભી છે.બંન્ને સેનાઓના મધ્યભાગમાં સફેદ ઘોડાઓથી યુક્ત એક મહાન રથ ઉભો છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણ બેઠા છે.અર્જુનને નિમિત્ત બનાવીને મનુષ્યમાત્રનું કલ્યાણ કરવા માટે ભગવાન પોતાના દિવ્ય ઉપદેશનો પ્રારંભ કરતાં સર્વપ્રથમ શરીર અને આત્માનું વર્ણન કરતાં શ્રીમદ ભગવદગીતા(૨/૧૧)માં કહે છે કે

અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે
ગતાસૂનગતાસૂંશ્ચ નાનુશોચન્તિ પંડિતાઃ

હે અર્જુન ! તૂં જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે શોક કરે છે અને જ્ઞાનીજનોના જેવાં વચનો બોલે છે પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે અને જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક કરતા નથી.ગીતાજ્ઞાનની શરૂઆત આ શ્ર્લોકથી થાય છે તેવું કેટલાક વિદ્વાનો માને છે.
મનુષ્યને શોક ત્યારે જ થાય છે કે જ્યારે તે સંસારના પ્રાણી-પદાર્થોને બે વિભાગમાં વહેંચી નાખે છે કે આ મારા છે અને આ મારા નથી,આ મારા પોતાના કુટુંબીઓ છે અને આ મારા પોતાના કુટુંબીઓ નથી, આ અમારી જાતિના છે અને આ અમારી જાતિના નથી.જે અમારા હોય છે એમનામાં મમતા-કામના,પ્રીતિ અને આસક્તિ થઇ જાય છે અને તેનાથી શોક ચિંતા ભય ઉદ્વેગ ખળભળાટ સંતાપ વગેરે દોષો આવી જાય છે.અર્જુનને પણ તમામ કુરૂવંશીઓમાં મમતા હતી તેથી તેમના મરવાની આશંકાથી શોક થઇ રહ્યો હતો,આ શોક દૂર કરવા ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો છે જેનો આ અગિયારમા શ્ર્લોકથી શરૂ થાય છે અને છેલ્લે ભગવાન (૧૮/૬૬)માં એ જ શોકને અનુચિત બતાવતાં કહેશે કે તૂં ફક્ત મારો જ આશ્રય લે અને શોક ના કર કારણ કે સંસારનો આશ્રય લેવાથી શોક થાય છે અને અનન્યભાવથી મારો આશ્રય લેવાથી તારો શોક ચિંતા બધું જ નાશ પામશે.

આ સંસારમાત્રમાં બે વસ્તુઓ છે-સત(આત્મા) અને અસત(શરીર).આત્મા અવિનાશી અને શરીર વિનાશી છે.મનુષ્ય સમક્ષ જન્મવું-મરવું,લાભ-હાનિ વગેરેના રૂપમાં જે કોઇ પરિસ્થિતિ આવે છે તે પ્રારબ્ધ એટલે કે પોતાનાં કરેલાં કર્મોનું ફળ છે.બધાના પિંડ-પ્રાણનો વિયોગ અવશ્યંભાવી છે તેથી તે માટે શોક કરવો જોઇએ નહી.મરણ પામેલ પ્રાણીઓના માટે શોક કરવાથી તેમને દુઃખ ભોગવવું પડે છે.શરીરની સાથે એકતા માનવાથી જ શરીરનું પાલન-પોષણ કરવાવાળાઓની સાથે પોતાપણું થઇ જાય છે અને એ પોતાપણાના કારણે જ કુટુંબીઓના મરવાની આશંકાથી મનમાં શંકા અને શોક થાય છે.આત્મા કોઇ શરીર સાથે લિપ્ત નથી તેથી તેને સર્વવ્યાપી કહેવામાં આવે છે.મનુષ્ય વિવેકપ્રધાન છે તેથી હું શરીર નથી-આવો વિવેક મનુષ્યશરીરમાં જ થઇ શકે છે.શરીરને હું-મારૂં માનવું એ પશુબુદ્ધિ છે.

સત-તત્વના કારણે શોક કરવો અનુચિત છે તે સમજાવતાં ભગવાન કહે છે કે “કોઇ કાળમાં હું નહોતો અને તું નહોતો તથા આ રાજાલોક નહતા આ વાત પણ નથી અને ભવિષ્યમાં હું તૂં અને રાજાલોક આપણે બધા નહી રહીએ એવી વાત નથી.(૨/૧૨)” આપણી સત્તા કાલાતિત તત્વ છે કારણ કે આપણે કાળના પણ જ્ઞાતા છીએ.પરમાત્મા અને જીવાત્મા સમાન ગુણધર્મોવાળા છે.અનેક યુગ બદલાઇ જાય તો પણ આત્મા બદલાતો નથી કેમકે તે પરમાત્માનો અંશ છે પરંતુ શરીર ક્ષણભર સ્થિર નથી તે બદલાતું રહે છે.ભગવાન કહે છે કે..

દેહિનોऽઙસ્મિન્યથા દેહે કૌમારં યૌવનં જરા
તથા દેહાન્તરપ્રાપ્તિર્ધીરસ્તત્ર ન મુહ્યતિ..(૨/૧૩)

“દેહધારીઓના આ મનુષ્ય શરીરમાં જેમ બાળપણ-યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે-તે બાબતમાં ધીર પુરૂષ મોહિત થતો નથી.” શરીરમાં પહેલાં બાલ્યાવસ્થા પછી યુવાવસ્થા અને પછી વૃદ્ધાવસ્થા આવે છે.શરીરમાં ક્યારેય એક અવસ્થા રહેતી નથી તેમાં નિરંતર પરિવર્તન થતું રહે છે.શરીર અને આત્મા જુદા છે.આત્મા દ્રષ્ટા અને શરીર દ્રશ્ય છે આથી શરીરમાં જે પરિવર્તન થાય છે તે આત્મામાં થતું નથી.

શરીર સતત બદલાતું રહે છે.તેની મુખ્ય ત્રણ અવસ્થાઓ છેઃબાળપણ-યુવાની અને વૃદ્ધાવસ્થા સ્થૂળ શરીરોની અવસ્થા છે,તેવી જ રીતે દેહાન્તરની પ્રાપ્તિ (મૃત્યુ પછી બીજું શરીર ધારણ કરવું) સૂક્ષ્મ અને કારણ શરીરની અવસ્થાઓ છે.દેહાન્તરની પ્રાપ્તિ થતાં સ્થૂળ શરીર તો છુટી જાય છે પરંતુ મુક્તિ પહેલાં સૂક્ષ્મ અને કારણ શરીર છુટતાં નથી.નથી.જ્યાં સુધી મુક્તિ ના થાય ત્યાં સુધી સૂક્ષ્મ અને કારણ શરીર સાથે સબંધ ચાલુ રહે છે.સ્થૂળશરીરની અવસ્થાઓ બદલાવાથી તો એમનું જ્ઞાન થાય છે પરંતુ શરીરાંતરની પ્રાપ્તિ થતાં પહેલાંના શરીરનું જ્ઞાન નહી થવામાં કારણ એ છે કે મૃત્યુ સમયે અને જન્મ સમયે એટલી બધી વેદના થાય છે કે મર્યા પછી પૂર્વજન્મ યાદ આવતો નથી.મૃત્યુ અને જન્મના સમયે ઘણું જ વધારે કષ્ટ થાય છે,એ કષ્ટના કારણે બુદ્ધિમાં પૂર્વજન્મની સ્મૃતિ રહેતી નથી.જન્મના સમયે શ્વાસની ગતિ રોકાઇ જાય છે અને પૂર્વસ્મૃતિ નષ્ટ થઇ જાય છે.સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ શરીર છે અને તેની અંદર કારણ શરીર (વાસનાઓ) છે.

ધીર એ છે કે જેને સત-અસતનો બોધ થઇ ગયો છે.તે સુખ-દુઃખમાં સમાન રહે છે.દેહ અને દેહી ભિન્ન છે-આ વિષયમાં તેને ક્યારેય મોહ થતો નથી,એને પોતાની અસંગતતા અખંડ જ્ઞાન રહે છે.જન્મવું અને મરવું એ આપણો ધર્મ નથી પરંતુ શરીરનો ધર્મ છે.આપણું આયુષ્ય અનાદિ અને અનંત છે જેની અંતર્ગત અનેક શરીર ઉત્પન્ન થાય છે અને મરે છે.જેમ આપણે અનેક વસ્ત્રો બદલીએ છીએ પરંતુ વસ્ત્રો બદલવા છતાં આપણે બદલાતા નથી પરંતુ એના એ જ રહીએ છીએ.(૨/૨૨) એવી જ રીતે અનેક યોનિઓમાં જવા છતાં આપણી આપણી સત્તા નિત્ય નિરંતર જેમની તેમ રહે છે.

અનિત્ય વસ્તુ શરીર વગેરેના કારણે જે શોક થાય છે એની નિવૃત્તિ માટે ભગવાન ગીતા(૨/૧૪)માં કહે છે કે..ઇન્દ્રિયોના વિષયો(જડપદાર્થો) તો ઠંડી(અનુકૂળતા) અને ગરમી(પ્રતિકૂળતા) દ્વારા સુખ-દુઃખ દેનારા છે તથા આવવા-જવાવાળા અને અનિત્ય છે માટે તેમને સહન કરો કેમકે સુખ-દુઃખમાં સમ રહેનાર જે બુદ્ધિમાન પુરૂષને આ માત્રાસ્પર્શ(પદાર્થો) વિચલિત(સુખી-દુઃખી) કરતા નથી,તે અમર થવાને સમર્થ થઇ જાય છે..શરીર ઇન્દ્રિયો અંતઃકરણ વગેરેની ક્રિયાઓનો અને અવસ્થાઓનો આરંભ અને અંત હોય છે અને તેઓનો ભાવ અને અભાવ હોય છે.તે ક્રિયાઓ અને અવસ્થાઓ તારામાં નથી કેમકે તૂં તેમને જાણવાવાળો તેમનાથી ભિન્ન છે.તૂં પોતે જેવોને તેવો રહે છે.આથી તે ક્રિયાઓમાં અને અવસ્થાઓમાં તૂં નિર્વિકાર રહે તેને જ તિતિક્ષા કહે છે.મનુષ્ય યોનિ સુખ-દુઃખ ભોગવવા મળી નથી પરંતુ સુખ-દુઃખથી ઉપર ઉઠીને આનંદ અને પરમશાંતિની પ્રાપ્તિ માટે મળી છે.
સુખ-દુઃખમાં સમ રહેનાર જે બુદ્ધિમાન પુરૂષને આ માત્રાસ્પર્શ પદાર્થો વિચલિત એટલે કે સુખી-દુઃખી કરી શકતા નથી અને તે અમર થઇ જાય છે.(૨/૧૫) માત્રાસ્પર્શા એટલે જેમનાથી જ્ઞાન થાય છે તે જ્ઞાનનાં સાધનો ઇન્દ્રિયો અને અંતઃકરણનું નામ માત્રા છે.માત્રાથી એટલે કે ઇન્દ્રિયો અને અંતઃકરણથી જેમનો સંયોગ થાય છે તેમનું નામ સ્પર્શ છે.મનુષ્ય ઘણું કરીને પરિસ્થિતિઓને બદલવાનો જ વિચાર કરે છે જે કદી બદલી શકાતી નથી અને જેમને બદલવાનો સંભવ જ નથી.પુરૂષ એટલે પુરમાં-દેહમાં રહેનારો. જીવાત્મા અને દેહ મળીને પુરૂષ થાય છે.ઘણા લોકો કહે છે કે દેહ અને જીવાત્માને કાંઇ લેવાદેવા નથી તો તે યોગ્ય નથી.
શરીર સાથેના તાદાત્મયથી જ વ્યથા થાય છે તેથી શરીર એ હું છું એવું માનનાર કોઇપણ મનુષ્ય વ્યથારહિત હોઇ શકે નહી.સુખ કે દુઃખની પરિસ્થિતિથી સુખી-દુઃખી થવું એ જ વ્યથિત થવું છે.સુખી-દુઃખી થવું એ સુખ-દુઃખનો ભોગ છે અને ભોગી વ્યક્તિ ક્યારેય સુખી થઇ શકતો નથી.સુખદ દુઃખદ પરિસ્થિતિ પ્રારબ્ધથી પ્રાપ્ત થાય છે.દુઃખનું કારણ છે સુખની ઇચ્છા.

આલેખનઃવિનોદભાઈ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!