અસતની સત્તા(ભાવ) અને સતનો અભાવ વિદ્યમાન નથી.

ગીતામૃતમ્..
અસતની સત્તા(ભાવ) અને સતનો અભાવ વિદ્યમાન નથી.
શ્રીમદ ભગવદ ગીતાના બીજા અધ્યાયના અત્યાર સુધીના શ્ર્લોકોમાં દેહ અને આત્માનું વિવેચન કરીને વિષય બદલતાં ભગવાન ગીતા(૨/૧૬)માં કહે છે કે
નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ
ઉભયોરપિ દ્રષ્ટોઽન્તસ્ત્વનયોસ્તત્વદર્શિભિઃ
અસતની સત્તા (ભાવ) વિદ્યમાન નથી અને સતનો અભાવ વિદ્યમાન નથી.તત્વજ્ઞાની પુરૂષોએ આ રીતે બંન્ને તત્વનો અનુભવ કર્યો છે.શરીર જન્મ પહેલાં પણ નહોતું,મૃત્યુ પછી પણ નહી રહે અને વર્તમાન માં પણ એનો પ્રતિક્ષણ અભાવ થઇ રહ્યો છે.આ શરીર ભૂત-ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય કાળમાં ક્યારેય ભાવરૂપથી રહેતું નથી તેથી તે અસત્ છે.જે સત્ વસ્તુ છે તેનો અભાવ હોતો નથી.જ્યારે દેહનો જન્મ થયો ન હતો ત્યારે પણ આત્મા હતો,દેહ નષ્ટ થયા પછી પણ આત્મા રહેશે અને વર્તમાનમાં દેહના પરિવર્તનશીલ હોવા છતાં આત્મા તેમાં જેમ છે તેમ જ રહે છે.એવી જ રીતે સંસાર ઉત્પન્ન નહોતો થયો તે સમયે પણ પરમાત્માતત્વ હતું,સંસારનો અભાવ થવા છતાં પણ પરમાત્માતત્વ રહેશે અને વર્તમાનમાં સંસાર પરિવર્તનશીલ હોવા છતાં પણ પરમાત્માતત્વ તેમાં જેવું છે તેવું જ રહે છે.
પ્રતિક્ષણ શરીરોની ઉત્પત્તિ અને નાશ થતો રહે છે તો પણ કાળની ગતિ અતિસૂક્ષ્મ હોવાના કારણે એનું પ્રતિક્ષણ ઉત્પન્ન અને નષ્ટ થવું જોવામાં આવતું નથી.“નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ” આ સોળ અક્ષરોમાં તમામ વેદ-પુરાણો,શાસ્ત્રોનું તાત્પર્ય ભરેલું છે.સત્ અને અસત્ આ બંન્નેને જ પ્રકૃતિ અને પુરૂષ,ક્ષર-અક્ષર,શરીર-શરીરી,નિત્ય-અનિત્ય,નાશવાન-અવિનાશી..વગેરે અનેક નામોથી કહેવામાં આવ્યા છે. જોવા, સાંભળવા, સમજવા, ચિંતન કરવા,નિશ્ચય કરવા વગેરેમાં જે કંઇપણ આવે છે તે બધું અસત્ છે.જેના દ્વારા જોઇએ,સાંભળીએ,ચિંતન વગેરે કરીએ છીએ તે પણ અસત્ છે અને જે દેખાય છે તે પણ અસત્ છે. અસતની સત્તા વિદ્યમાન નથી પરંતુ અસતનો અભાવ જ વિદ્યમાન છે કારણ કે તેનો નિરંતર અભાવ (પરીવર્તન) થતો જ રહે છે.
સતનો અભાવ વિદ્યમાન નથી પરંતુ સતનો ભાવ જ વિદ્યમાન છે કારણ કે એનો ક્યારેય અભાવ થતો જ નથી.જેનો અભાવ થઇ જાય તેને સત્ કહેવાય જ નહી.તત્વદર્શી મહાપુરૂષોએ સત-તત્વને ઉત્પન્ન કર્યું નથી પરંતુ જોયું છે એટલે કે અનુભવ કર્યો છે.જ્યાં સુધી અસતની સત્તા છે ત્યાં સુધી વિવેક છે.અસતની સત્તા પુરી થયા પછી વિવેક જ તત્વજ્ઞાનમાં રૂપાંતર થઇ જાય છે.
સત્ અને અસત્ શું છે? તે બતાવતાં ભગવાન ગીતા(૨/૧૭)માં કહે છે કે..
અવિનાશી તૂં તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ્
વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત્કર્તુમર્હતિ..
નાશરહિત તો તૂં તેને જાણ જેનાથી આ સઘળું જગત-દ્રશ્યવર્ગ વ્યાપ્ત છે.આ અવિનાશીનો વિનાશ કોઇપણ કરી શકતો નથી.“તે અવિનાશી તત્વને તૂં સમજ” એવું કહીને ભગવાને તે તત્વને પરોક્ષ બતાવ્યું છે.સંપૂર્ણ સંસારમાં તે પરોક્ષ તત્વ જ વ્યાપ્ત છે અને પરીપૂર્ણ છે.વાસ્તવમાં જે પરીપૂર્ણ છે તે વિદ્યમાન છે અને જે પ્રત્યક્ષ સંસાર દેખાઇ રહ્યો છે તે વિદ્યમાન નથી.સત-તત્વ ઇન્દ્રિયો અને અંતઃકરણનો વિષય ન હોવાથી તેને પરોક્ષ રીતે કહેવામાં આવ્યું છે.જેવી રીતે સોનામાંથી બનેલાં ઘરેણાંઓમાં સોનું,માટીનાં બનેલાં વાસણોમાં માટી અને પાણીથી બનેલા બરફમાં પાણી જ વ્યાપ્ત છે તેવી જ રીતે સંસારમાં સત-તત્વ વ્યાપ્ત છે જે જાણવા યોગ્ય છે.આત્મા અવ્યય-અવિનાશી છે આ અવિનાશીનો કોઇ વિનાશ કરી શકતું નથી પરંતુ શરીર વિનાશી છે કારણ કે તે નિત્યનિરંતર વિનાશ તરફ જઇ રહ્યું છે.
ભગવાને ગીતામાં અનેક જગ્યાએ શરીરી(આત્મા)ને પણ અવ્યય કહ્યો છે અને પોતાને પણ અવ્યય કહ્યા છે.સ્વરૂપથી બંન્ને અવ્યય હોવા છતાં પણ ભગવાન તો પ્રકૃતિને પોતાના વશમાં રાખીને સ્વતંત્રતા પૂર્વક પ્રગટ અને અંતર્ધાન થાય છે અને શરીરી પ્રકૃતિને પરવશ થઇને જન્મતો અને મરતો રહે છે કારણ કે તેણે શરીરને પોતાનું માની રાખ્યું છે.આગળના શ્ર્લોક(૨/૧૮)માં ભગવાન કહે છે કે..
અન્તવન્ત ઇમે દેહા નિત્યસ્યોક્તાઃ શરીરિણઃ
અનાશિનોऽપ્રમેયસ્ય તસ્માદ્યુધ્યસ્વ ભારત..
આ શરીરો નાશવાન છે પણ શરીરી જીવાત્મા નિત્ય-અનાશી અને અપ્રમેય છે.નાશરહિત,જાણવામાં ન આવનારા અને નિત્ય સ્વરૂપ જીવાત્માનાં આ તમામ શરીરો નાશવંત કહેવાયાં છે માટે તૂં યુદ્ધ કર..કોઇપણ કાળમાં,કોઇપણ કારણથી ક્યારેય સહેજપણ જેમાં પરીવર્તન થતું નથી જેની ક્ષતિ થતી નથી અને જેનો અભાવ થતો નથી એનું નામ અનાશી એટલે કે અવિનાશી છે.જે પ્રમા (પ્રમાણ)નો વિષય નથી એટલે કે જે અંતઃકરણ અને ઇન્દ્રિયોનો વિષય નથી તેને અપ્રમેય કહે છે.
જેમાં અંતઃકરણ અને ઇન્દ્રિયો પ્રમાણ નથી થતાં તેમાં શાસ્ત્ર અને સંત-મહાપુરૂષો જ પ્રમાણ હોય છે. શાસ્ત્ર અને સંત-મહાપુરૂષ તેઓના માટે પ્રમાણ બને છે,જેઓ શ્રદ્ધાળુ છે.જેની જે શાસ્ત્ર અને સંતમાં શ્રદ્ધા હોય છે તે તે જ શાસ્ત્ર અને સંતના વચનોને માને છે.આ કારણથી આ તત્વ પ્રમાણનો નહી પરંતુ ફક્ત શ્રદ્ધાનો વિષય છે.શરૂઆતમાં આ તત્વ શ્રદ્ધાનો વિષય છે પરંતુ આગળ જતાં જ્યારે એનો પ્રત્યક્ષ અનુભવ થઇ જાય છે ત્યારે આ શ્રદ્ધાનો વિષય રહેતો નથી.
પરમતત્વ નિત્ય નિરંતર રહેવાવાળું છે.કોઇ કાળમાં આ રહેતું ના હોય એવી વાત નથી.આ અવિનાશી અપ્રમેય અને નિત્ય શરીરીનાં સંપૂર્ણ સંસારમાં જેટલાં પણ શરીરો છે તેઓ બધાં અંતવાળાં કહેવામાં આવ્યાં છે.એમનો પ્રત્યેક ક્ષણે અંત થઇ રહ્યો છે.જડતાની સાથે હું અને મારાપણું થવાથી જ વિકારો પેદા થાય છે. શરીર અને હું(સ્વયં) બંન્ને ભિન્ન ભિન્ન છે.આ વિવેકને મહત્વ ન આપવાથી જ માત્ર વિકારો પેદા થાય છે પરંતુ જેઓ આ વિવેકનો આદર કરે છે અને મહત્વ આપે છે તેઓ પંડિત હોય છે.આવા પંડિત લોકો શોક કરતા નથી.ભગવાન અર્જુનને યુદ્ધ એટલે કે કર્તવ્ય કર્મ કરવાનો આદેશ આપે છે કેમકે શરીર તો અંતવાળુ છે અને શરીરી (આત્મા) અવિનાશી છે.
અપ્રમેય-પ્રમેય એટલે માપી શકાય તેવો.માપ ત્રણ રીતે નીકળે છે.વજનથી..જીવાત્માનું વજન નથી, લંબાઇ-પહોળાઇથી..આવું માપ પણ નથી અને કાલકૃત એટલે “આ સમયથી આ સમય સુધી રહેનારો..” તેવું માપ પણ નથી.શરીરની વર્ષગાંઠ અને મરણતિથિ ઉજવાય,જીવાત્માની જન્મતિથિ અને મરણતિથિ ન હોય તેથી તેને અપ્રમેય –અનંત કહ્યો છે.
જો કે ભાવ(હોવાપણું) આત્માનો જ છે,શરીરનો નથી તેમછતાં મનુષ્યની ભૂલ એ થાય છે કે તે પહેલાં શરીરને જોઇને પછી તેમાં આત્માને જુવે છે.પહેલાં આકૃતિને જોઇને પછી ભાવને જુવે છે.ઉપર ઉપરથી લગાડેલી ર્પાલિશ(ચળકાટ) ક્યાં સુધી ટકશે? આપણે વિચાર કરવો જોઇએ કે આત્મા પહેલાં હતો કે શરીર પહેલાં હતું? વિચાર કરવાથી સિદ્ધ થાય છે કે આત્મા પ્રથમ છે,શરીર પછી છે.ભાવ પ્રથમ છે,આકૃતિ પછી છે તેથી સાધકની દ્રષ્ટિ પહેલાં ભાવરૂપ આત્મા એટલે કે સ્વયં તરફ જવી જોઇએ,શરીર તરફ નહી.
શરીર નાશવાન છે.લાખ પ્રયત્નો કરીને પણ શરીરને અમર બનાવી શકાય નહી.હા,તેને દીર્ધજીવી બનાવી શકાય છે.શરીરથી અમર થવાય જ નહી કારણ કે તેનો નાશ અવશ્યંભાવી છે.શરીરને ધારણ કરનાર જીવાત્મા નિત્ય છે તેનો નાશ થતો નથી.શરીર વિના એકલો જીવાત્મા કશું કાર્ય ન કરી શકે અને એકલો જીવાત્મા સુખદુઃખ પણ ભોગવી ન શકે.શરીર માધ્યમ છે.
આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300