સ્ત્રીનું ચરીત્ર અને પુરૂષનું ભાગ્ય દેવતાઓ પણ જાણી શકતા નથી.

સ્ત્રીનું ચરીત્ર અને પુરૂષનું ભાગ્ય દેવતાઓ પણ જાણી શકતા નથી.
Spread the love

સ્ત્રીનું ચરીત્ર અને પુરૂષનું ભાગ્ય દેવતાઓ પણ જાણી શકતા નથી.

એક ઘણો જ પ્રસિદ્ધ શ્લોક છે જેને આપ સર્વેએ અવશ્ય સાંભળ્યો હશે.આવો આ શ્ર્લોક જોઇએ.ત્રિયા ચરીત્રમ્ પુરૂષસ્ય ભાગ્યમ્,દેવો ન જાનાતિ કુતો મનુષ્યઃ.. જેનો શાબ્દિક અર્થ છે કે સ્ત્રીનું ચરીત્ર અને પુરૂષના ભાગ્યને દેવતાઓ પણ જાણી શકતા નથી તો પછી તેને મનુષ્ય કેવી રીતે જાણી શકે? આ શ્ર્લોકની રચના ઉજ્જૈનના પ્રખ્યાત રાજા ભતૃહરીએ કરી છે.રાજા ભતૃહરિ લોકકલ્યાણ કરનાર રાજાની સાથે સાથે ઉચ્ચકક્ષાના વિદ્વાન,કવિ,સાહિત્યકાર અને દાર્શનિક હતા.તેમને આ શ્ર્લોકમાં સ્ત્રીના ચરીત્રને ઘણું જ જટીલ બતાવ્યું છે.વસ્તુતઃ તેમાં તેમનો કોઇ દોષ પણ નથી.પ્રેમમાં જેને દગો મળે છે તેવા તમામ વ્યક્તિઓ આવું જ વિચારશે કે જેવું રાજા ભતૃહરિએ લખ્યું છે.આવો આ શ્ર્લોકના લખવા પાછળ બનેલ ઘટના જોઇએ.

આજથી લગભગ ૧૫૦૦ વર્ષ પહેલાં ભતૃહરિ ઉજ્જૈન નગરીના રાજા હતા.તેઓ ઘણા જ પ્રતાપી, કલાના પારખું,મહાન સંસ્કૃત કવિ,સાહિત્યકાર,સિદ્ધયોગી અને શિવભક્ત હતા.સમગ્ર રાજ્યમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ હતી.ભરપુર ધન-ધાન્ય હોવાથી પ્રજા ખુશ હતી.રાજા ભતૃહરિની ત્રીજી પત્નીનું નામ રાણી પિંગલા હતું.રાણી પિંગલા અભૂતપૂર્વ રૂપવતી, લાવણ્યની પ્રતિમૂર્તિ તથા કામદેવની પત્નીને શરમાવે તેવી અનિંદ્ય સુંદરતાની મૂર્તિ હતી,જ્યારે રાજા ભતૃહરિ ઘણા જ વિદ્વાન,શાસ્ત્રોના જ્ઞાતા અને દાર્શનિક વ્યક્તિ હતા.તેમને શરીરની નશ્વરતા અને આત્માની અમરતાનું જ્ઞાન હતું,આમ હોવા છતાં તેમની એક નબળાઇ એ હતી કે તે પોતાની પત્ની રાણી પિંગલા ઉપર અત્યંત મોહિત હતા અને તેના ઉપર અતિશય વિશ્વાસ કરતા હતા,પોતાનાથી વિશેષ પ્રેમ પીંગલાને કરતા હતા,આ મોહના કારણે ક્યારેક પોતાના કર્તવ્યને ભૂલી જતા હતા.સૌદર્ય એવી ચીજ છે કે તેના તરફ ઋષિ,મુનિ,સાધુ,સંત,દેવ,યક્ષ,ગંધર્વ તમામ આકર્ષિત થાય છે તો સામાન્ય માણસની તો વાત જ શું કરવી ! સંસાર અને શરીરની નશ્વરતા જાણવા છતાં કોઇ સુંદરતાની મૂર્તિના શરીરના પ્રત્યે આવું મિથ્યા આકર્ષણ નવાઇ પમાડે છે.

વિધાતાએ સ્ત્રીની રચના જ એવી કરી છે કે તે અબળા હોવા છતાં સબળા,ગાય જેવી હોવા છતાં સિંહણ,કોમલાંગી હોવા છતાં વજ્રતુલ્ય.તેના કારણે મોટા મોટા રાજસિંહાસન ડોલી ગયા હતા.મહાભારતનું વિનાશકારી યુદ્ધ પણ એક સ્ત્રીના કારણે જ થયુ હતું.રામાયણની રચના પાછળ પણ સીતાજીની સોનેરી હરણની લાલચ જવાબદાર હતી.સ્ત્રીના સૌંદર્યની જાળમાં વિવેકી અને જ્ઞાનીજનોનું જ્ઞાન અને વિવેક ખોવાઇ જાય છે.તેની એક તીરછી નજર સમક્ષ ભલભલાં સૂરમા હથિયાર હેઠા મૂકી દે છે.જ્ઞાનવિહિન પુરૂષ સ્ત્રી સમક્ષ ફક્ત એક જાનવર બનીને રહી જાય છે જેને જોઇને સ્ત્રી મનમાં ને મનમાં મલકાય છે.

તે દિવસોમાં નાથ સંપ્રદાયના પ્રણેતા ગુરૂ ગોરખનાથે ઘણી જ કઠણ તપસ્યા કરી હતી અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઇને ભગવાન બ્રહ્માજીએ તેમને એક ચમત્કારિક ફળ આપીને કહ્યું હતું કે આ ફળ જે વ્યક્તિ ખાશે તે સદૈવ યુવાન અને સુંદર રહેશે,વૃદ્ધાવસ્થા ક્યારેય આવશે નહી,તે અમર થઇ જશે.અમરફળ મેળવીને ગુરૂ ગોરખનાથે વિચાર્યું કે જો હું આ અમરફળ ખાઇશ તો હું અમર થઇ જઇશ પરંતુ તેનાથી સામાન્ય જનતાને તેનાથી શું ફાયદો જશે? પરંતુ જો આ અમરફળ કોઇ એવા વ્યક્તિ ખાય જેનાથી જનતાને ફાયદો થાય તો જ તેની સાર્થકતા કહેવાશે.અચાનક તેમને ધ્યાન આવ્યું કે ઉજ્જૈનના રાજા ભતૃહરિ જનહિતૈષી,લોકકલ્યાણકારી અને લોકપ્રિય રાજા છે,જો તેઓ આ ફળને ખાશે તો તે અમર થઇ જશે અને જો રાજા ભતૃહરિ અમર થઇ જશે તો આ રાજ્યનો બેડો પાર થઇ જશે અને જનતા હંમેશના માટે સુખી થઇ જશે.આવું વિચારીને ગુરૂ ગોરખનાથ રાજા ભતૃહરિના દરબારમાં પધારે છે.રાજાએ તેમનું યથોચિત આદર-સત્કાર કરી આવવાનું પ્રયોજન પુછ્યું ત્યારે ગુરૂ ગોરખનાથે પોતાની પાસેનું અમરફળ રાજા ભતૃહરિને આપ્યું અને તેના મહિમાનું વર્ણન કર્યુ.સાથે સાથે ગુરૂ ગોરખનાથે કહ્યું કે આ ફળ તમારે જ ખાવાનું છે તેને અન્ય કોઇને આપવાનું નથી.

રાજા ભતૃહરિએ તે અમરફળ લઇ લીધું અને ગુરૂ ગોરખનાથને વિદાય કર્યા.રાજાએ મનોમન વિચાર કર્યો કે આ અમરફળ ખાઇને હું શું કરૂં? મારા અમર થવાથી શું લાભ? મારી રાણી પિંગલાને હું કેટલો પ્રેમ કરૂં છું,મારી રાણી પિંગલા કેટલી સુંદરતાની મૂર્તિ છે,જો તે આ અમરફળ ખાશે તો પિંગલા હંમેશાં યુવાન રહે તે વધુ આવશ્યક છે.જો તેનું રૂપ લાવણ્ય આ નશ્વર સંસારમાં અમર થઇ જાય તો તેનો પ્રેમ પણ અમર થઇ જાય.પ્રેમી હંમેશાં પોતાની પ્રેમિકાના ભલા માટે જ વિચારતા હોય છે એટલે રાજાએ તે અમરફળ પોતાની રાણી પીંગલાને આપ્યું.રાણી પિંગલાને પોતાના રાજ્યના બલવાન સેનાપતિ ઉપર પ્રેમ હતો તેથી પિંગલાએ વિચાર્યું કે જો સેનાપતિ આ અમરફળ ખાય અને અમર થઇ જાય તો તે મારી કામેચ્છા પુરી કરતો રહેશે આમ વિચારીને અમરફળ સેનાપતિને આપ્યું.

સેનાપતિ ઉજ્જૈન નગરીની સર્વશ્રેષ્ઠ વેશ્યા સાથે સાચો પ્રેમ કરતો હતો તેથી તેને પ્રેમીધર્મ નિભાવીને અમરફળ વેશ્યાને આપ્યું.અમરફળ મળ્યા પછી વેશ્યાએ વિચાર કર્યો કે હું અમર થઇને શું કરૂં? હું તો ગંદા કર્મ કરૂં છું એટલે અમર થવું એ મારા માટે અભિશાપ બનશે.તેના કરતાં આ અમરફળ એવા વ્યક્તિએ ખાવું જોઇએ જેને આ દેશ અને સમાજને ઘણી આવશ્યકતા છે અને આ માટે એક જ વ્યક્તિ યોગ્ય છે ઉજ્જૈનના રાજા ભતૃહરિ.આમ ફરતું ફરતું અમરફળ રાજા ભતૃહરિ પાસે આવી ગયું.અમરફળને જોઇને રાજાને ઘણી જ નવાઇ લાગી.રાજા ભતૃહરિએ વેશ્યાને પુછ્યું કે આ અમરફળ તારી પાસે કેવી રીતે આવ્યું? વેશ્યાએ સેનાપતિનું નામ બતાવ્યું.રાજાએ સેનાપતિને બોલાવ્યો અને અમરફળ બતાવીને કહ્યું કે શું તમે આ અમરફળ વેશ્યાને આપ્યું હતું? સેનાપતિએ હા પાડી ત્યારે રાજા ભતૃહરિએ સેનાપતિને પુછ્યું કે આ અમરફળ તને ક્યાંથી મળ્યું? તો સેનાપતિએ રાણી પિંગલાનું નામ આપી દીધું.

રાણી પિંગલાનું નામ સાંભળીને રાજા ભતૃહરિનું દિલ તૂટી ગયું.જે પીંગલાને પોતાના જીવથી વધુ પ્રેમ કરતા હતા તે બીજા અન્ય કોઇને પ્રેમ કરે છે? આવું વિચારીને તે પાગલ જેવા બની ગયા પરંતુ રાજા ભતૃહરિ બુદ્ધિમાન,ધૈર્યવાન અને નીતિકુશળ હતા.તે ગાંડપણમાં કોઇ ખરાબ કરવા ઇચ્છતા ન હતા એટલે તે સીધા પોતાના રાણીવાસમાં જાય છે અને રાણી પિંગલાને પુછે છે કે મેં તમોને જે અમરફળ આપ્યું હતું તે ખાધું કે નહી? ત્યારે પિંગલા ખોટું બોલે છે કે મેં અમરફળ ખાઇ લીધું છે.પછી રાજા ભતૃહરિ પોતાની પાસેનું અમરફળ કાઢે છે અને રાણી પિંગલાને બતાવે છે.અમરફળ જોઇને સમગ્ર હકીકતની ખબર પડી જતાં અને પોતાની ચોરીનો ભેદ ખુલી જવાના ડરથી તે રાજા ભતૃહરિના પગમાં પડી જાય છે.

આ ઘટના બન્યા પછી રાજા ભતૃહરિને સંસારના સબંધો,પ્રેમ વગેરેમાંથી વૈરાગ્ય આવી ગયો.રાજા ભતૃહરિએ પોતાના નાનાભાઇ વિક્રમાદિત્ય કે જેમનો ઇતિહાસ પ્રસિદ્ધ છે,જેમની વિક્રમ-વેતાળની વાર્તાઓ પ્રસિદ્ધ છે તેમને રાજ્ય કારભાર સોંપી વૈરાગ્ય ધારણ કરી ગુરૂ ગોરખનાથના શરણમાં ચાલ્યા ગયા.ગુરૂ ગોરખનાથે કહ્યું કે વૈરાગ્ય ધારણ કરવો સહેલું કામ નથી.જે વૈરાગ્ય ધારણ કરે છે તેની કોઇપણ વસ્તુ,પ્રાણી કે પદાર્થોમાં આસક્તિ ના હોવી જોઇએ ત્યારે જ વૈરાગ્ય ધારણ કરી શકાય છે.તમે પોતાની સૌથી પ્રિય રાણી પિંગલાને માતા કહીને તેમની પાસેથી ભિક્ષા માંગીને લાવો ત્યાર પછી જ હું તમોને વૈરાગ્યની દિક્ષા આપીશ.રાજા ભતૃહરિ સાધુ વેશમાં રાણી પિંગલા સામે જાય છે અને તેમને માતા કહીને ભિક્ષા માંગે છે.રાણી પિંગલા પોતે કરેલ અપરાધથી લજ્જિત થાય છે પરંતુ રાજા ભતૃહરિ ટસના મસ થતા નથી અને ભિક્ષા લઇને ચાલ્યા જાય છે.

સાચો સાધુ એ છે કે જે નારીના નાના કે મોટા રૂપમાં માતાની નજરથી જુવે,કોઇના પ્રત્યે ઘૃણા,દ્વેષ કે ઇર્ષા ના રાખે,જેને માન-અપમાનની ચિંતા ના હોય તે જ સાચો સાધુ કહેવાય છે.ત્યારપછી રાજા ભતૃહરિ એ સતત બાર વર્ષ ઘોર તપસ્યા કરી અને ઉજ્જૈન પાસેની ગુફાઓમાં રહેવા લાગ્યા.આ ગુફાઓ આજે પણ ઉજ્જૈનમાં સ્થિત છે.વૈરાગ્યકાળમાં તેમને ત્રણ મહાન ગ્રંથોની રચના કરી.નીતિ શતક-શ્રૃંગાર શતક અને વૈરાગ્ય શતક. શતકનો અર્થ સૌ થાય છે.પ્રત્યેક ગ્રંથમાં જે તે વિષયને સબંધિત સૌ શ્ર્લોકો છે જેને અવશ્ય વાંચવા જોઇએ.રાણી પીંગલાના વિશ્વાસઘાતના કારણે તેમને આ શ્ર્લોકોની રચના કરી હતી.

આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!