અંતકાળમાં ભગવાનને કેવી રીતે જાણી શકાય?

અંતકાળમાં ભગવાનને કેવી રીતે જાણી શકાય?
Spread the love

ગીતામૃતમ્..
અંતકાળમાં ભગવાનને કેવી રીતે જાણી શકાય?

અર્જુનનો પ્રશ્ન છે કે અંતકાળમાં આપ કેવી રીતે જાણવામાં આવો છો? તેના જવાબમાં ભગવાન શ્રીમદ ભગવદ ગીતા(૮/૫)માં કહે છે કે

અંતકાલે ચ મામેવ સ્મરન્મુક્ત્વા ક્લેવરમ્
યઃ પ્રયાતિ સ મદ્ભાવં યાતિ નાસ્ત્યત્ર સંશયઃ

જે માણસ અંતકાળમાં મારૂં સુમિરણ કરતો રહીને શરીર છોડીને જાય છે તે મારા સ્વરૂપને જ પ્રાપ્ત થાય છે તેમાં સહેજપણ સંશય નથી.મનુષ્યને જીવનમાં સાધન-ભક્તિ કરીને પોતાનો ઉદ્ધાર કરવાનો અવસર આપ્યો હતો પરંતુ તેને કંઇ કર્યું જ નહી.હવે બિચારો આ મનુષ્ય અંતકાળમાં બીજું સાધન કરવામાં અસમર્થ છે એટલે મને યાદ કરી લે તો તેને મારી પ્રાપ્તિ થઇ જશે.સાંભળવા-સમજવા અને માનવામાં જે કંઇ આવે છે તે બધું મારૂં સમગ્રરૂપ છે.આથી જે તેને મારૂં જ સ્વરૂપ માનશે તેને અંતકાળમાં પણ મારૂં જ ચિંતન થશે એટલે કે તેણે જ્યારે સર્વ કંઇ મારૂં જ સ્વરૂપ માની લીધું તો અંતકાળમાં તેને જે કંઇ યાદ આવશે તે મારૂં જ સ્વરૂપ હશે એટલા માટે તે સ્મરણ મારૂં જ થશે.મારૂં સ્મરણ થવાથી તેને મારી જ પ્રાપ્તિ થશે.સાધકે મારો જે કોઇ ભિન્ન કે વિભિન્ન ભાવથી એટલે કે સગુણ-નિર્ગુણ,સાકાર-નિરાકાર,દ્વિભૂજ-ચર્તુભૂજ તથા નામ,લીલા,ધામ,રૂપ વગેરેથી સ્વીકાર્ય કર્યો છે અને મારી ઉપાસના કરી છે,અંતસમયના સ્મરણ અનુસાર તે મારા એ જ ભાવને પ્રાપ્ત થાય છે.

જેઓ ભગવાનની ઉપાસના કરે છે તેઓ તો અંતસમયે ભગવદભાવને પ્રાપ્ત થાય છે પરંતુ જેઓ ઉપાસના કરતા નથી તેઓને અંતસમયે કોઇ કારણવશાત્ ભગવાનના કોઇ નામ,રૂપ,લીલા કે ધામ વગેરેનું સ્મરણ થઇ જાય તો તેઓ પણ ઉપાસકોની જેમ ભગવદભાવને પ્રાપ્ત થઇ જાય છે.

ભગવાને અહી એક વિશેષ છુટ આપી છે કે મરણાસન્ન વ્યક્તિના ગમે તેવા આચરણ રહ્યા હોય, ગમે તેવા ભાવ રહ્યા હોય કે ગમે તેવું જીવન વિત્યું હોય પરંતુ અંતકાળે તે ભગવાનને યાદ કરી લે તો તેનું કલ્યાણ થઇ જાય છે.દરેક મનુષ્યના માટે સાવધાન થવાની જરૂર છે કે તે પ્રત્યેક ક્ષણે ભગવાનનું સુમિરણ કરે.એક ક્ષણ ૫ણ ખાલી જવા ન દે કેમ કે અંતકાળની ખબર નથી કે એ ક્યારે આવી જશે.વાસ્તવમાં પ્રત્યેક ક્ષણ અંતકાળ જ છે.એવું કાંઇ નક્કી નથી કે આટલા વર્ષો, આટલા મહિના અને આટલા દિવસો બાદ મૃત્યુ થશે.મૃત્યુની ગતિ હરઘડી ચાલી જ રહી છે,આથી પ્રત્યેક ક્ષણે ભગવાનને યાદ કરવા જોઇએ અને એમ સમજવું જોઇએ કે બસ આ જ અંતકાળ છે.

અંતકાળે જે કોઇનું ચિંતન થાય છે તેના અનુસાર જ જન્મ લેવો ૫ડે છે ૫રંતુ એનું તાત્પર્ય એ નથી કે મકાનને યાદ કરતા રહીને શરીર છોડવાથી મકાન બની જશે, ધનને યાદ કરવાથી ધન બની જશે ૫રંતુ મકાનનું ચિંતન થવાથી જીવાત્મા તે મકાનમાં ઉંદર,ગરોડી વગેરે બની જશે અને ધનનું ચિંતન કરવાથી તે સા૫ બની જશે.તાત્પર્ય એ થયું કે અંતકાળના ચિંતનનો નિયમ સજીવ પ્રાણીઓના માટે જ છે.નિર્જીવ(જડ) પદાર્થોના માટે નથી.આથી જડ ૫દાર્થોનું ચિંતન થવાથી તે તેમનાથી સબંધિત કોઇ સજીવ પ્રાણી બની જશે.મનુષ્યેત્તર(૫શુ ૫ક્ષી વગેરે) પ્રાણીઓને પોત-પોતાના કર્મો અનુસાર જ અંતકાળે સ્મરણ થાય છે અને તેના અનુસાર જ અંતકાળે સ્મરણ થાય છે અને તેના અનુસાર જ આગળનો જન્મ થાય છે.આ રીતે અંતકાળના સ્મરણનો કાયદો બધી જગ્યાએ લાગુ ૫ડે છે પરંતુ મનુષ્ય શરીરમાં એ વિશેષતા છે કે તેનું અંતકાળનું સ્મરણ કર્મોના આધિન નથી ૫રંતુ પુરૂષાર્થને આધિન છે.પુરૂષાર્થમાં મનુષ્ય સ્વતંત્ર છે તેથી જ તો અન્ય યોનિઓ કરતાં તેનો અધિક મહિમા છે.

કોઇપણ બિમાર મરણાસન્ન વ્યક્તિ હોય તો તેના ઇષ્ટનું ચિત્ર કે મૂર્તિ તેની સામે રાખવાં જોઇએ.જેવી જેની ઉપાસના હોય અને જે ભગવાનમાં તેની રૂચી હોય,જેનો એ જપ કરતો હોય એ જ ભગવાનનું નામ તેને સંભળાવવું જોઇએ.જે સ્વરૂ૫માં તેની શ્રધ્ધા અને વિશ્વાસ હોય તેની યાદ અપાવવી જોઇએ.જો તે બેહોશ થઇ જાય તો તેની પાસે ભગવાનના નામનું જ૫ કિર્તન કરવું જોઇએ,જેથી તે મરણાસન્ન વ્યક્તિની સામે ભગવત્સબંધી વાયુ મંડળ બનેલું રહે.ભગવત્સબંધી વાયુ મંડળ રહેવાથી ત્યાં યમરાજના દૂતો આવી શકતા નથી.ભગવાનની યાદ આવવાથી “હું શરીર છું” અને શરીર “મારૂં” છે તેની યાદ રહેતી નથી,ફક્ત ભગવાનને જ યાદ કરતાં કરતાં શરીર છુટી જાય છે અને તેને ભગવાનની પ્રાપ્તિ થઇ જાય છે.

મૃત્યુનો સમય આવતાં મનુષ્યએ ગભરાવવું જોઇએ નહી.તેમને વૈરાગ્યના શસ્ત્રથી શરીર અને તેનાથી સબંધ રાખવાવાળાઓના પ્રત્યે મમતા તોડી નાખવી.સદગુરૂએ બ્રહ્મજ્ઞાનની સાથે જ પ્રદાન કરેલ ગુરૂમંત્રનું નિરંતર સુમિરણ કરવું.પ્રાણવાયુને વશમાં કરીને મનનું દમન કરવું અને એક ક્ષણના માટે ૫ણ પ્રભુના નામ સુમિરણને ન ભુલવું.બુધ્ધિની સહાયતાથી મનના દ્વારા ઇન્દ્રિયોને તેમના વિષયો તરફથી હટાવી લેવી અને કર્મની વાસનાઓથી ચંચળ બનેલા મનને વિચારોના દ્વારા રોકીને પ્રભુ ૫રમાત્માનું ધ્યાન કરવું.આમ ધ્યાન કરતાં કરતાં વિષયવાસનાથી રહિત મનને પૂર્ણ રૂ૫થી ભગવાનમાં એવું તલ્લીન કરી દેવું કે ૫છી અન્ય વિષયનું ચિન્તન જ ના થાય.

અંતકાળમાં ભગવાનની સ્મૃતિ બનેલી રહે તેના માટે ભગવાનના નામનું સુમિરણ ભગવાનની લીલાઓનું ચિંતન ભગવાનની કથાનું શ્રવણ સંતમહાપુરૂષોનો સત્સંગ કરવો જોઇએ.જે ભગવાનની શરણાગતિ સ્વીકારી લે છે તેના માટે અંતકાળમાં ભગવાનની સ્મૃતિ સુલભ બની જાય છે કારણ કે ભગવાને આશ્વાસન આપ્યું છે કે જે જીવનભર મારૂં ચિન્તન કરે છે તેને કદાચ અંતકાળમાં કંઠ રૂધાઇ જતાં પ્રભુ નામ સુમિરણ ના થઇ શકે તેવા સમયે હું તેમનું સ્મરણ કરૂં છું.આમ અંતિમ સમયની સ્મૃતિ પુરૂષાર્થ સાધ્ય નહીં ૫રંતુ ભગવત્કૃપાસાધ્ય છે અને આ ભગવત્કૃપા શરણાગત ભક્તના માટે સહજ સુલભ છે એટલે જન્મ-મરણના બંધનથી છુટવા ભગવાનની શરણાગતિ અને ભગવાનના નામનું સતત સુમિરણ એકમાત્ર ઉપાય છે.

જે મનુષ્યની જેમાં વાસના રહે છે તે વાસના મુજબ જ તે સ્વપ્ન જુવે છે અને તેના સ્વપ્ન જેવું જ મરણ હોય છે એટલે કે વાસનાને અનુરૂ૫ જ અંત સમયે ચિંતન થાય છે અને તે ચિંતન અનુસાર જ મનુષ્યની ગતિ થાય છે.આનો અર્થ એ થયો કે મૃત્યુ સમયે આપણે જેવું ઇચ્છીએ છીએ તેવું ચિંતન કરી શકતા નથી પરંતુ આ૫ણી અંદર જેવી વાસના હશે તેવું જ ચિંતન આપમેળે થશે અને તે પ્રમાણે ગતિ થશે. જે વસ્તુને આ૫ણે સત્તા અને મહત્તા આપીએ છીએ તેની સાથે સબંધ જોડીએ છીએ તેનાથી સુખ લઇએ છીએ તેની જ વાસના બને છે.જો સંસારમાં સુખ-બુધ્ધિ નહી હોય તો સંસારમાં વાસના થશે નહી અને વાસનાના અભાવમાં મૃત્યુના સમયે જે ચિંતન થશે તે ભગવાનનું જ થશે કેમકે સિધ્ધાંત પ્રમાણે સર્વ કાંઇ ભગવાન જ છે.

અંતકાળમાં બે યમદૂતો આવે છેઃ પાપ પુરૂષ અને પુણ્ય પુરૂષ.પાપ પુરૂષ કહે છે કે તેં બહુ પાપ કર્યા છે એમ કહી મારે છે.પુણ્ય પુરૂષ કહે છે કે તને પુણ્ય કરવાની તક આપી હતી છતાં પણ તેં પુણ્ય કેમ કર્યું નહિ? ભક્તિ કરવાનો તને અવસર આપ્યો હતો છતાં ભક્તિ કેમ ના કરી? તેમ કરીને મારે છે.આ જીવ મરે છે ત્યારે અતિશય તરફડે છે.પ્રત્યેક પ્રાણીનો એકને એક દિવસે અંતિમ સમય આવવાનો જ છે,જે ઉત્પન્ન થયો છે તેનું મૃત્યુ અને મૃત્યુનો સમય સુનિશ્ચિત છે એટલા માટે સમય છે ત્યાં સુધી અમારે ત્યાં જવાની તૈયારી કરી લેવી જોઇએ.મનુષ્ય જ્યારે પ્ર્રવાસમાં જાય છે ત્યારે અગાઉ કેટલાય દિવસોથી તૈયારી કરે છે પરંતુ અંતકાળની તૈયારી ઘણા ઓછા લોકો કરતા હોય છે.અંતકાળનું નામ અને ધ્યાન આવતાં ગભરાઇ જવું જોઇએ નહી.

અંતકાળમાં હરિ લેવા આવે તેવી ઈચ્છા હોય તો આજથી જ “હાય હાય”કરવાનું છોડી દઈને “હરિ હરિ” કરવાની ટેવ પાડો.જ્યાં સુધી શરીર સારૂં છે ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે.શરીર બગડ્યા પછી કંઈ નહિ થાય.

આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!