ગમે તેવી પરિસ્થિતિમાં મન: સ્થિતિ એકરસ રહે તે સંત…

ગમે તેવી પરિસ્થિતિમાં મન: સ્થિતિ એકરસ રહે તે સંત…
Spread the love

ગમે તેવી પરિસ્થિતિમાં મન: સ્થિતિ એકરસ રહે તે સંત…

એક વાર એવું થયું પંઢરપુરમાં સંતોની ભીડ હતી. દક્ષિણ ભારતથી એકનાથજી મહારાજ આવ્યા હતા. મહારાષ્ટ્રથી શ્રીતુકારામ મહારાજ દર્શન કરવા આવ્યા હતા. ગુજરાતમાંથી નરસિંહ મહેતા પણ આવ્યા હતા. દેશ-દેશથી મોટા-મોટા સાધુ-સંત વિઠ્ઠલનાથજી મહારાજનાં દર્શન કરવા માટે આવ્યા હતા. શ્રીએકનાથજી મહારાજ દર્શન કરે છે. દર્શનમાં હૃદય પિગળે છે. એકનાથ મહારાજને એવું લાગ્યું કે મારા પર ભગવાને જે કૃપા કરી છે, એવી કૃપા તેમણે જગતના કોઈ જીવ ઉપર કરી નથી. મારા પર ભગવાનની બહુ કૃપા છે.
એકનાથ મહારાજની જે ધર્મપત્ની છે તે બહુ લાયક છે- ‘મારી પત્ની કોઈ સ્ત્રી નથી, મારી પત્ની કોઈ સંત છે, એવું લાગે છે. મને સમજાવીને પાપ કરવાથી રોકે છે. ક્યારેક મને ક્રોધ આવી જાય છે, ત્યારે મારી પત્ની મને સમજાવે છે-ક્રોધ કેમ કરો છો-ક્રોધ ન કરો, ભગવાનનું સ્મરણ કરો. ઘરના વિચારો છોડી દો. ઘર હું સંભાળીશ.’ આ પ્રમાણે મારી પત્ની મને પાપ કરતો રોકે છે, ભક્તિમાં સાથ આપે છે. પત્ની બહુ લાયક છે, તેથી હું ભગવાનની ભક્તિ કરું છું. ભગવાને એવી કૃપા કરી છે કે મને ઘરમાં જ સત્સંગ આપ્યો છે.
એકનાથ મહારાજની પાછળ તુકારામ મહારાજ ઊભા હતા. તુકારામ મહારાજના ઘરમાં જે પત્ની હતી તે બહુ પ્રતિકૂળ હતી. મહારાજને બહુ ત્રાસ આપતી હતી. રોજ ઘરમાં ઝઘડા કરતી હતી. ચરિત્રમાં તો એવું લખ્યું છે કે ક્યારેક તે મહારાજને મારતી હતી. મહારાજ બહુ શાંત હતા, અતિ સરળ હતા. તુકારામ મહારાજ વિઠ્ઠલનાથજીનાં દર્શન કરે છે. દર્શન કરતાં આંખમાં આંસુ આવી ગયાં-ઘરમાં બહુ ત્રાસ છે. તુકારામ મહારાજે વિચાર કર્યો-મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે, તેથી ભગવાને મને આવી પ્રતિકૂળ પત્ની આપી છે. એ તો મારા ભગવાન જાણે છે-તુકારામને પત્ની સુખ આપે તો તુકારામ પત્નીની પાછળ પડશે. મને ભૂલી જશે. તુકારામને પત્ની ત્રાસ આપે તો તેનું મન સંસારથી હટી જશે-મારી ભક્તિ કરશે. તેથી ભગવાને જાણી-સમજીને આવું કર્યું છે. મારી પત્ની બહુ પ્રતિકૂળ છે. મને ત્રાસ આપે છે. તેથી હું ઘર અને સંસારને ભૂલી ગયો છું.
મહારાજના ચરિત્રમાં લખ્યું છે-ઘરમાં તેઓ જતાં જ ન હતા. ઘરની બહાર એક મોટો પર્વત હતો, ત્યાં જઈને આખો દિવસ ભક્તિ કરતા હતા. ઘરમાં જાય તો પત્ની બહુ ઝઘડા કરતી હતી, બહુ ત્રાસ આપતી હતી. એનો સ્વભાવ જ એવો હતો. ભગવાને જે કર્યું એ સારું કર્યું. મારા ભગવાન જે કાંઈ કરે છે, તેમાં જ જીવનું કલ્યાણ છે. જીવ ખરાબ કરી શકે છે, પણ ઈશ્વર ખરાબ કરી શકતો નથી. મારા ભગવાન મંગલમય છે. ભગવાને જે કર્યું છે-બહુ યોગ્ય કર્યું છે. મારા પર ભગવાનની બહુ કૃપા છે. પત્ની લાયક હોત તો હું તેની પાછળ પડી રહ્યો હોત. પત્ની ત્રાસ આપે છે, તેથી મારું મન સંસારથી વિરક્ત થઈ ગયું છે. હવે હું ભગવાનની પાછળ પડયો છું-સંસારમાં સાર નથી.
તુકારામ મહારાજની પાછળ નરસિંહ મહેતા ઊભા હતા. નરસિંહ મહેતાના પત્ની મૃત્યુ પામ્યાં હતાં. મહેતાજી વિઠ્ઠલનાથજીનાં દર્શન કરે છે. દર્શનમાં આનંદ થયો છે-મારા ભગવાને બહુ સારું કર્યું, મારી પત્નીનું મરણ થઈ ગયું. મારી પાછળ તે રહેતી તો કદાચ અંતકાળે મને તેનું સ્મરણ થાત. પત્નીનું મરણ થયું-બહુ સારું થયું. ભગવાનને કહે છે-‘તમે બહુ કૃપા કરી છે. હવે ઘરમાં કહેવા-સાંભળનાર કોઈ રહ્યું જ નહિ. હું અને તમે-બે મજા કરીશું, આનંદમાં રહીશું.’
ભક્ત અને ભગવાન-જ્યાં બે જ હોય છે ત્યાં આનંદ પ્રગટ થાય છે. ભક્ત અને ભગવાનની વચ્ચે કોઈ ત્રીજું આવી જાય છે, તે બહુ વિઘ્ન કરે છે. પત્નીનું મરણ થયું-બહુ સારું થયું. મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે, તેથી પત્નીનું મૃત્યું થયું છે, ભલુ થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાલ ! હવે ઘરમાં કહેવાવાળું, પૂછવાવાળું કોઈ નથી. તમે અને હું-આપણે બંને આનંદથી ભજન કરીશું.

આ ત્રણે મહાન સંત છે. એકના ઘરમાં પત્ની અનુકૂળ છે.તેઓ કહે છે કે મારા પર ભગવાનની કૃપા છે-પત્ની અનુકૂળ છે તેથી હું ઘરને ભૂલી ગયો છું, હું આખો દિવસ ભક્તિ કરું છું.
એકને ઘરમાં પત્ની ત્રાસ આપે છે. તે કહે છે-બહુ સારું છે. સંસારમાં મારી મમતા ન થાય-સંસારથી મારું મન વિરક્ત થઈ જાય. તેથી ભગવાને આમ કર્યું છે. એકની પત્ની મૃત્યુ પામી છે. તે કહે છે મારી ઉપર પણ કૃપા છે. આ ત્રણે મહાન સંત છે.
સતત જે પોતાના મનને શાંત રાખે છે, તે જ ભક્તિ કરી શકે છે. મનને શાંત રાખવું એ મહાન પુણ્ય છે. હૃદયને બાળવું એ મહાન પાપ છે. ગમે તે થાય, હૃદયને કદી બાળવું નહિ. શાસ્ત્રોમાં લખ્યું છે-પોતાના હૃદયને જે બાળે છે, તેને ભગવાનનું મંદિર બાળવાનું પાપ લાગે છે. તમારા હૃદયમાં નારાયણ છે. મનને શાંત રાખો. જે હૃદયને શાંત રાખે છે, તે જ ભક્તિ કરી શકે છે.

-ડોંગરેજી મહારાજ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!