આમલકી એકાદશીની વ્રત કથા

આમલકી એકાદશીની વ્રત કથા
અઠ્ઠાસી હજાર ઋષિઓને સંબોધિત કરતાં સૂતજીએ કહ્યું કે હે વિપ્રો ! પ્રાચિન સમયની વાત છે.મહાન રાજા માંધાતાએ વશિષ્ઠજીને પુછ્યું હતું કે હે મુનિ ! જો આપ મારી ઉપર પ્રસન્ન હો તો એવા વ્રતનું વિધાન બતાવવાની કૃપા કરો કે જેનાથી મારૂં કલ્યાણ થાય.મહર્ષિ વશિષ્ઠજીએ કહ્યું કે હે રાજન ! તમામ વ્રતોમાં ઉત્તમ અને છેલ્લે મોક્ષ આપનાર આમલકી એકાદશીનું વ્રત છે.ત્યારે રાજા માંધાતાએ કહ્યું કે આ આમલકી એકાદશી વ્રતની ઉત્પત્તિ કેવી રીતે થઇ? આ વ્રત કરવાનું શું વિધાન છે? જે મને વિસ્તારપૂર્વક બતાવવાની કૃપા કરો.મહર્ષિ વશિષ્ઠજીએ કહ્યું કે આ વ્રત ફાગણ માસના સુદ પક્ષમાં આવે છે.આ વ્રતના ફળસ્વરૂપ તમામ પાપો નષ્ટ થઇ જાય છે.આ વ્રતનું પુણ્ય એક હજાર ગાયોના દાન બરાબર માનવામાં આવે છે. આમલકી (આમળું)ની મહત્તા તેના ગુણો સિવાય એ વાતમાં છે કે તેની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના શ્રીમુખથી થયેલ છે.આ વિશે એક પૌરાણિક કથા સાંભળો.
પુરાતન સમયમાં વૈદિક નામનું એક નગર હતું.આ નગરમાં બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય અને શૂદ્ર ચારેય વર્ણના લોકો પ્રસન્નતાપૂર્વક રહેતા હતા.આ નગર હંમેશાં વેદધ્વનિથી ગુંજતું હતું.આ નગરમાં કોઇ પાપી, દુરાચારી કે નાસ્તિક નહોતા.આ નગરમાં ચિત્રરથ નામનો ચંદ્રવંશી રાજા રાજ્ય કરતો હતો.તે ઉચ્ચકોટિના વિદ્વાન તથા ધાર્મિક પ્રવૃત્તિના હતા,તેમના રાજ્યમાં કોઇ ગરીબ કે કંજૂસ નહોતું.આ રાજ્યમાં તમામ લોકો વિષ્ણુ ભક્તો હતા અને નગરના તમામ નર-નારીઓ પ્રત્યેક એકાદશીનો ઉપવાસ કરતા હતા.
એકવાર ફાગણ માસના સુદ પક્ષની આમલકી એકાદશી આવે છે તે દિવસે રાજા તથા નગરના તમામ નર-નરીઓ અને બાળકોએ આનંદપૂર્વક આ આમલકી એકાદશીનો ઉપવાસ કર્યો.રાજા પોતાની પ્રજા સાથે મંદિરમાં જઇને ક્લશ સ્થાપિત કરીને ધૂપ દીપ નૈવેદ્ય પંચરત્ન છત્ર વગેરેથી ધાત્રીનું પૂજન કરતાં સ્તુતિ કરે છે કે હે ધાત્રી ! આપ બ્રહ્મસ્વરૂપા છો.આપ બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન થયેલ છો અને તમામ પાપોનો નાશ કરનારી છો.આપ શ્રીરામચંદ્રજી દ્વારા સન્માનિત છો,હું આપને પ્રાર્થના કરૂં છું કે આપ મારા તમામ પાપોનું હરણ કરો.તે દિવસે રાજા સહિત તમામ નગરજનોએ જાગરણ કર્યું.રાત્રિના સમયે ત્યાં એક શિકારી આવે છે કે જે મહાપાપી તથા દુરાચારી હતો.પોતાના કુટુંબના પાલન-પોષણ માટે તે જીવોની હિંસા કરતો હતો.તે સમયે તે ભૂખ અને તરસથી અત્યંત વ્યાકુળ હતો તેથી ભોજન મેળવવાની આશાથી તે મંદિરના એક ખૂણામાં આવીને બેસી જાય છે અને મંદિરમાં ચાલતી ભગવાન વિષ્ણુની કથા તથા એકાદશી માહાત્મય સાંભળવા લાગ્યો.આમ તે શિકારીએ પણ અન્ય લોકોની સાથે જાગરણ કરીને રાત પસાર કરી. સવારમાં બધા લોકો પોત-પોતાના નિવાસસ્થાને ચાલ્યા ગયા અને શિકારી પણ પોતાના ઘેર ચાલ્યો ગયો અને ભોજન કર્યું.
કેટલોક સમય પસાર થયા પછી તે શિકારીનું મૃત્યુ થયું.તેને જીવોની હિંસા કરી હતી તેથી તેને નરકગામી જ બનવાનું હતું પરંતુ તે દિવસે આમલકી એકાદશીનું વ્રત તથા જાગરણના પ્રભાવથી તેને રાજા વિદુરથના ઘેર જન્મ લીધો.તેનું નામ વસુરથ પાડવામાં આવે છે.મોટો થયા પછી તે ચતુરંગિણી સેના સહિત તથા ધન-ધાન્યથી યુક્ત થઇને દશ હજાર ગામોનું સંચાલન કરવા લાગ્યો.તે તેજમાં સૂર્ય સમાન, ક્રાંતિમાં ચંદ્રમા સમાન,વીરતામાં ભગવાન વિષ્ણુ સમાન તથા ક્ષમામાં પૃથ્વી સમાન હતો.તે ઘણો જ ધાર્મિક,સત્યવાદી,કર્મવીર અને વિષ્ણુ-ભક્ત હતો.તે પ્રજાનું સમાનભાવથી પાલન કરતો હતો તથા દાન આપવું તેનું નિત્ય કર્મ હતું.
એકવાર રાજા વસુરથ શિકાર ખેલવા માટે જાય છે.દૈવયોગથી તે જંગલમાં રસ્તો ભુલી જાય છે અને દિશાનું જ્ઞાન ન હોવાથી તે વનમાં એક વૃક્ષની નીચે સૂઇ જાય છે.કેટલાક સમય પછી પહાડી ઉપર વસતો ડાકૂ ત્યાં આવે છે અને રાજાને એકલા જોઇને મારો-મારોની બૂમો પાડીને રાજા વસુરથ તરફ દોડે છે અને કહે છે કે આ દુષ્ટ રાજાએ અમારા માતા-પિતા,પૂત્ર-પૌત્ર વગેરે તમામ સબંધિઓને મારીને તેમને દેશ નિકાલની સજા કરી હતી.હવે આપણે આ રાજાને મારીને આપણા અપમાનનો બદલો લેવો જોઇએ.આટલું કહીને તે ડાકૂ રાજાને મારવા લાગ્યો પરંતુ તે ડાકુના અસ્ત્ર-શસ્ત્રના પ્રહાર થતાં જ નષ્ટ થઇ જતાં હતાં અને રાજાને પુષ્પ સમાન લાગતાં હતાં.કેટલાક સમય પછી પ્રભુ ઇચ્છાથી તે ડાકુનાં જ અસ્ત્ર-શસ્ત્ર તેની ઉપર પ્રહાર કરવા લાગ્યાં જેનાથી ડાકૂ મૂર્ચ્છિત થઇ ગયો.તે સમયે રાજાના શરીરમાંથી એક દિવ્ય દેવી પ્રગટ થયાં.આ દેવી અત્યંત સુંદર હતા તથા સુંદર વસ્ત્રો તથા આભૂષણો ધારણ કર્યાં હતાં.તેમની ભૃકુટી વાંકી હતી.તેમની આંખોમાંથી ક્રોધની ભીષણ જ્વાળાઓ નીકળી રહી હતી.તે સમયે તે કાળ સમાન પ્રતિત થઇ રહ્યાં હતાં.તેમને જોતાં જ તમામ ડાકૂઓનો નાશ થઇ ગયો.
ઉંઘમાંથી જાગ્યા પછી રાજાએ સામે અનેક ડાકૂઓને મરેલા પડેલા જોયા.રાજા વિચારવા લાગ્યા કે આ લોકોને કોને માર્યા હશે? આ વનમાં મારૂં હિતૈષી કોન છે? રાજા વસુરથ આવો વિચાર કરતા હતા ત્યારે આકાશવાણી થઇ કે હે રાજન ! આ સંસારમાં ભગવાન વિષ્ણુ સિવાય બીજું કોન તારી રક્ષા કરી શકે ! આ આકાશવાણીને સાંભળીને રાજાએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી તેમને પ્રણામ કર્યા અને પોતાના નગરમાં પાછા આવ્યા અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યા.
મહર્ષિ વશિષ્ઠજીએ કહ્યું કે હે રાજન ! આ બધી આમલકી એકાદશીના વ્રતનો પ્રભાવ હતો.જે મનુષ્ય એક આમલકી એકાદશીનું વ્રત કરે છે તે પ્રત્યેક કાર્યમાં સફળ થાય છે અને અંતમાં વૈકુઠધામમાં જાય છે. ભગવાન શ્રીહરિની શક્તિ અમારા તમામ કષ્ટો દૂર કરે છે.આ શક્તિના બળથી જ ભગવાન વિષ્ણુએ મધુ-કૈટભ નામના રાક્ષસોનો સંહાર કર્યો હતો.આ જ શક્તિથી ઉત્પન્ના એકાદશી બનીને મુર નામના અસુરનો વધ કરી દેવતાઓના કષ્ટ દૂર કરી તુમને સુખી કર્યા હતા.
આલેખનઃવિનોદ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300