બોલો આપણે પણ આમાંના એક છે કે નહી?

આપણે ત્યાં કેટલા રિવાજો પરંપરાથી ચાલ્યા આવે છે. રિવાજોનું પાલન કરવું પરંપરાને વળગી રહેવું ખુબ સારી વાત છે. પણ આપણા કેટલાક રિવાજો પરંપરા હવે નવા જમાના પ્રમાણે પરિવર્તન માંગે છે.
કોઈ પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય તો એ પરિવારના શોકમાં દુઃખમાં ભાગીદાર બનવાની આપણી સામાજિક નૈતિક ફરજ છે. પહેલા તો મૃત્યુને સ્મશાનયાત્રાને પણ આપણે હાઈફાઈ બનાવી દીધી છે.
પહેલા કોઈનું મૃત્યુ થાય તો તરત જ મોહલ્લાના સમાજના જાણકાર આગેવાનો વડીલો દોડી આવતા હતા. તમામ વ્યવસ્થા સંભાળી લેતા હતા. જરૂરી સલાહ સુચન આપતા હતા. સ્મશાન યાત્રા પરિવારના ઘરથી ચાલતા ચાલતા નીકળતી હતી. તમામ લાગતા વળગતા સબંધીઓ મિત્રો આમાં ચાલતા ચાલતા જોડાતા હતા પણ હવે તો કોઈની પાસે સમય નથી .
કોઈનું પણ મૃત્યુ થાય એટલે ફટાફટ એમ્બ્યુલન્સ આવી જાય છે. એમ્બ્યુલન્સમાં શબ મુકી સ્મશાન સુધી લઈ જવામાં આવે છે . આવેલામાંથી અર્ધા ઉપરાંત તો હાશ છુટ્યા કહી ઘરેથી જ ભાગી જાય છે. બીજા કેટલાક પોતાના પ્રાઇવેટ વાહનમાં સ્મશાન સુધી પહોંચે છે ત્યાં હાજરી માત્ર ૨૦/૨૫ ટકા જ હોય છે હવે પહેલા ચિતા બળતા બળતા સાંજ પડી જતી હતી. હવે ઇલેક્ટ્રિક ગેસ ભઠ્ઠીમાં ફટાફટ ચિતામાં શબનો નિકાલ કરી દેવામાં આવે છે. કોઈ લાગણી કોઈ અપનાપન હેત કોઈ લગાવ કોઈ માયા મમતા નહી. આપણે પણ જાણે નિર્જીવ ગેસની ભઠ્ઠી બની ગયા છે.
હવે જેની કઈ જ જરૂર નથી એવી રીતે બેસણાનો કાર્યક્રમ હવે નવા સ્ટેટ્સ પ્રમાણે હોલમાં વાડીમાં રાખવામાં આવે છે. આ હોલ વાડીનું ભાડું તોતિંગ જબ્બર હોય છે . પછી મહામહેનતે મળેલો મરનારનાં ફોટા નજીક જઈ શ્રધ્ધાંજલિ આપવાની હોય છે પણ હવે નવું હજારો રૂપિયા ખર્ચી ભજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. વળી પાછા કેટલાક ઉત્સાહી મિત્રો તો જાણે ગીતસંગીત ગઝલની મહેફિલમાં આવ્યા હોય એમ ફરમાઇશની ચિઠ્ઠીઓ ભજન ગાનારને મોકલે છે. બોલો આમાં મૃતકની કોઈ ગરીમાં રહી ખરી? આ શોકસભા છે કે કોઈ મહેફીલ?
વળી પાછું પીવાના પાણી અને દૂધ કોલ્ડ્રિંકની વ્યવસ્થા પણ શરૂ થઈ છે. ઘણા મિત્રો એક ઘૂંટ પણ પાણી પીતા નથી પણ સમય પસાર કરવા પાણીની બોટલ ખોલી આમતેમ રમાડ્યા કરે છે. આમ કિંમતી પાણીનો સામુહિક વેડફાટ થાય છે .
હકીકતમાં મોટા ભાગના લોકો બેસણામાં પરાણે મોઢું બતાવવા આવતા હોય છે બેસણામાં આવનાર પરિવારના સભ્યને પ્રણામ કરી ખુરશી ખેંચી બેસી જાય છે. બાજુમાં બેસેલા ભાઈ સાથે જોરશોરથી વાતો કરે છે. કેટલાક ભાઈઓ તો પગ લાંબા કરી આરામથી મોબાઈલ કાઢી બેસી જાય છે.
આવા બેસણાની કોઈ જરૂર ખરી? હોલ વાડીની બહાર કલાકો સુધી ટ્રાફિક જામ કરવાનો કોઈ મતલબ ખરો?
પરિવારે મરનારની પાછળ આવા ખર્ચ કરતા આ રકમ સમાજસેવા લોકહીતના કામોમાં વાપરી મરનારને સાચી શ્રધ્ધાંજલિ આપવી જોઈએ એમ નથી લાગતું?
હા પાછું બેસણા માટે આગલા દિવસે દોડાદોડી કરી વધારે પૈસા ચુકવી સફેદ કફની લેંઘો અને ગાંધીટોપી પરિવારવાલા ખરીદી કરે છે. બેસણું પતિ ગયા પછી આ સફેદ કપડાં કઈ જ કામ લાગતા નથી આ બે કલાક માટે ફાલતુ હજારો રૂપિયા ખર્ચી આપણે શું સાબિત કરવા માંગીએ છીએ? આ કપડાં જરૂરિયાતમંદોને મદદ કરતી સંસ્થાઓને દાન આપી સાચું પુણ્ય કમાઈ શકાય.
” તેરા અપના ખુન હી તુજ કો આગ લગાયેગા”
આલેખન : અબ્બાસ કૌકાવાલા. સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300