ગ્રંથાલય ભારતી દ્વારા નિબંધ સ્પર્ધાના વિજેતાઓનો સન્માન સમારોહ યોજાયો

ગ્રંથાલય ભારતી દ્વારા નિબંધ સ્પર્ધાના વિજેતાઓને શિલ્ડ પારિતોષિક આપી સન્માનિત કરવાનો સમારોહ યોજાયો
વિવિધ ચાર વિભાગોના ૧૬ વિષયોમાં ૩૬ વિજેતાઓને શિલ્ડ આપી અને ૩૬૬ સ્પર્ધકોને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા
સૌથી વધુ ગુજરાતી માતૃભાષામાં ૩૫૪ નિબંધો લખાયા
નિબંધ સ્પર્ધામાં સૌથી વધુ ૩૦૦ બહેનોએ ભાગ લઈ અગ્રેસર રહ્યા
જન્મદિન,લગ્ન જીવનની ઉજવણી પ્રસંગે પુસ્તકો ભેટ આપી વાંચન સંસ્કૃતિને જાળવી રાખવી જોઈએ
– ડૉ. સંજીવભાઈ ઓઝા– પૂર્વ કુલપતિ આયુર્વેદિક યુનિવર્સિટી
સાર્વજનિક પુસ્તકાલયો સમાજ પરિવર્તનનાં સશકત માધ્યમો છે.
— ડૉ. નરેન્દ્રભાઇ દવે
રાજકોટ : ગ્રંથાલય ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યોજવામાં આવેલી રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધાના વિજેતાઓ સ્મૃતિ ચિન્હ શિલ્ડ અને તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રોથી અભિવાદન કરી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો.
આ નિબંધ સ્પર્ધામાં માધ્યમિક , કોલેજ, મુક્ત વિભાગ અને ગ્રંથાલય ક્ષેત્રના કર્મચારીઓ મળીને ચાર વિભાગમાં વિવિધ ૧૨ વિષયોની સ્પર્ધા યોજવામાં આવેલી હતી. જેમાં સૌથી વધુ નિબંધો ૩૦૦ બહેનો દ્વારા લખાયા હતા. તેમજ સૌથી વધુ ગુજરાતી માતૃભાષામાં ૩૫૪ નિબંધો લખાયેલા હતા. કુલ મળીને ૪૦૨ સ્પર્ધકોને ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વિવિધ વિભાગોમાં ૧૨ વિષયોમાં પ્રથમ ત્રણ વિજેતાઓ મળીને કુલ ૩૬ વિજેતાઓનું સ્મૃતિ ચિન્હ શિલ્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ સન્માન કાર્યક્રમના મુખ્ય વક્તા ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ ડૉ. સંજીવ ભાઈ ઓઝા એ પ્રાસંગિક વક્તવ્ય આપતા જણાવ્યું કે, પ્રાચીન સમયમાં લિપિ કે કાગળની સુવિધા ન હતી ત્યારે પણ શ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થતું હતું, ક્રમશઃ કાગળની શોધ થતાં તક્ષશિલા , નાલંદા, વલ્લભી વિદ્યાપીઠોમાં લાખો હસ્તલિખિત ગ્રંથ ભંડારને વાંચવા દેશ વિદેશથી જ્ઞાન પિપાષુઓ , પ્રવાસીઓ ભારતીય જ્ઞાનનું અધ્યયન કરવા લહિયાઓ સાથે લાવી જ્ઞાન મેળવવા આવતા હતાં. સાંપ્રત સમયમાં વાંચન ઘટયું છે ત્યારે જન્મદિન કે લગ્ન જીવનની ઉજવણી જેવા પ્રસંગે પુસ્તકોની ભેટ આપી લેખન અને વાંચન સંસ્કૃતિને જાળવી રાખવી આવશ્યક છે. આ નિબંધ સ્પર્ધાનાં વિષયોને વ્યવહારુ જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરવો જોઈએ.
ગ્રંથાલય ભારતીનાં પ્રાંત અધ્યક્ષ ડૉ. નરેન્દ્રભાઇ દવે એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, વર્તમાન મોબાઈલ યુગમાં વિદ્યાર્થીઓ અને વ્યક્તિ વિશેષમાં વાંચન અને લેખન પ્રવૃત્તિમાં ખૂબ ઉદાસીનતા જોવા મળે છે. સાર્વજનિક પુસ્તકાલયો આપણાં સમાજ પરિવર્તનના સશકત માધ્યમો છે. આપણાં દૈનિક જીવનમાંથી નિયમિત રીતે વાંચન માટે સમય કાઢી ભારતના મહાન પુરુષોના જીવન ચરિત્રનું વાંચન કરવું આવશ્યક છે. અને તો જ દેશની સંસ્કૃતિ અને સમૃદ્ધ જ્ઞાનનો વારસો જળવાશે.
આ પ્રસંગે ગ્રંથાલય ભારતીના પ્રાંત સંયોજક શ્રી દિલીપભાઈ ભટ્ટ અને સહ સંયોજક ડૉ. રાજેશભાઈ ત્રિવેદી એ પ્રાસંગિક પ્રવચન આપી સંસ્થાના ઉદ્દેશ્યો અને કાર્ય પ્રવૃત્તિ વિશે પરિચય આપેલો.
આ અભિવાદન કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યાલય પ્રમુખ શ્રી જયેશભાઈ સંઘાણી, શ્રી ધવલભાઈ જોશી, શ્રી હિતેશભાઈ ત્રિવેદી, કેતનભાઈ પરમાર, વૈભવીબેન વીંછી, સોનલબેન જોશી,કલ્પેશભાઈ છાયા, વગેરેએ ભારે જહેમત ઉઠાવેલી.
દિલીપભાઈ ભટ્ટ
પ્રાંત સંયોજક, ગ્રંથાલય ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300