નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની ઉપાસના

નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની ઉપાસના
Spread the love

નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની ઉપાસના

દધાના કરપદ્માભ્યામક્ષમાલાકમણ્ડલૂ
દેવી પ્રસિદતૂ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા..

વર્ષમાં કુલ ચાર નવરાત્રી આવે છે,જેમાંથી બે ગુપ્ત નવરાત્રી અને બે શારદીય અને ચૈત્ર નવરાત્રી આવે છે.ચાલુ વર્ષે ચૈત્ર સુદ એકમ તા.૩૦-૦૩-૨૦૨૫થી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે.નવ દિવસ સુધી ચાલનારા નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની આયુષ્ય પ્રાપ્ત કરવા ઉપાસના કરવામાં આવે છે.કઠોર સાધના અને બ્રહ્મમાં લીન રહેવાના કારણે તેમનું નામ બ્રહ્મચારિણી છે.બ્રહ્મચારીણી માતાના ડાબા હાથમાં જપમાળા અને જમણા હાથમાં કમંડલ શોભાયમાન છે.માતાજીના આ સ્વરૂપની ઉપાસના કરવાથી મનુષ્યને ભક્તિ અને સિદ્ધિ બંનેની પ્રાપ્તિ થાય છે.માતા પાર્વતીજીનું આ અવિવાહિત સ્વરૂપ છે.માતાજીનું કોઇ વાહન નથી.આ દિવસે લીલા રંગનો પોશાક પહેરવો જોઇએ.લીલો રંગ ફળદ્રુપતા-શાંતિ અને જીવનની શરૂઆતનો રંગ છે જે દેવીના ઉપાસકોને શાંતિ આપે છે.બીજા નોરતે માતાજીને સાકરનો પ્રસાદ ધરાવવામાં આવે છે.માતા બ્રહ્મચારિણી તપ-ત્યાગ અને જ્ઞાનની મૂર્તિ છે.આવો.. માતા બ્રહ્મચારિણીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.વ્યવહારમાં કૌમાર્ય અવસ્થા સુધીની દિકરીએ બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ છે.નોરતાના બીજા દિવસે જેના લગ્ન થયા નથી તેવી કુમારીકાઓને ભોજન-કપડા અને દાન આપવાનો મહિમા છે.

ર્માં દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ માતા બ્રહ્મચારિણીનું છે.અહી બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા છે.બ્રહ્મચારિણી એટલે તપની ચારિણી,તપનું આચરણ કરનારી થાય છે.કહ્યું છે કે વેદસ્તત્વમ્ તપો બ્રહ્મ. વેદ-તત્વ અને તપ બ્રહ્મ શબ્દના અર્થ છે.બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોર્તિમય અને અત્યંત ભવ્ય છે.
પોતાના પૂર્વજન્મમાં જ્યારે તે હિમાલય અને મેનાના ઘેર પૂત્રીરૂપે ઉત્પન્ન થયાં ત્યારે નારદજીના ઉપદેશ અનુસાર તેમને ભગવાન શિવને પતિરૂપમાં પ્રાપ્ત કરવા અત્યંત કઠીન તપસ્યા કરી હતી.આ દુષ્કર તપસ્યાના કારણે તેમને તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણી નામથી ઓળખવામાં આવે છે.એક હજાર વર્ષ તેમને ફક્ત કંદમૂળ ખાઇને વ્યતીત કર્યા હતા.સો વર્ષ સુધી ફક્ત શાક ઉપર નિર્વાહ કર્યો હતો.કેટલાક દિવસો સુધી કઠિન ઉપવાસ રાખીને ખુલ્લા આકાશની નીચે ફક્ત જમીન ઉપર પડેલા બિલિપત્રો ખાઇને અહર્નિશ ભગવાન શિવની આરાધના કરી હતી.ત્યારબાદ હજારો વર્ષો સુધી નિર્જલ અને નિરાહાર તપસ્યા કરી હતી.એક સમયે બિલિના પાન(પર્ણ) પણ ખાવાના બંધ કર્યા હોવાથી તેમનું એક નામ અર્પણા છે.

હજારો વર્ષની આવી કઠિન તપસ્યાના કારણે બ્રહ્મચારિણી દેવીનું શરીર એકદમ ક્ષીણ અને કૃશકાય થઇ ગયું હતું.તેમની આવી દશા જોઇને તેમનાં માતા મેના અત્યંત દુઃખી થાય છે.તેમની માતા મેનાએ તેમને તપસ્યા પૂર્ણ કરવા બૂમ મારી કે ઉ..મા..ત્યારથી દેવી બ્રહ્મચારિણીનું એક નામ ઉમા પડ્યું છે.

તેમની આ તપસ્યાથી ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો.દેવતા,ઋષિ,સિદ્ધગણ,મુનિ તમામ બ્રહ્મચારિણી દેવીની આ તપસ્યાને અભૂતપૂર્વ પુણ્યકૃત બતાવીને તેમની પ્રસંશા કરવા લાગ્યા.છેલ્લે પિતામહ બ્રહ્માજીએ આકાશવાણીના દ્વારા તેમને સંબોધિત કરતાં પ્રસન્ન સ્વરમાં કહ્યું કે હે દેવી ! આજદિન સુધી કોઇએ આવી કઠોર તપસ્યા કરી નથી.તમારી આ અલૌકિક કૃત્યની ચતુર્દિક પ્રસંશા થઇ રહી છે. તમારી મનોકામના સર્વતોભાવેન પરિપૂર્ણ થશે.ભગવાન ચંદ્રમૌલિ શિવ તમોને પતિરૂપમાં પ્રાપ્ત થશે.હવે તમે તપસ્યા પૂર્ણ કરી પિતૃગૃહે જાઓ.

ર્માં દુર્ગાજીનું આ બીજું સ્વરૂપ ભક્તો અને સિદ્ધોને અનંત ફળ આપનાર છે.તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે.જીવનના કઠિન સંઘર્ષોમાં પણ તેમનું મન કર્તવ્ય-પથથી વિચલિત થતું નથી.તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે.જીવનના કઠીન સંઘર્ષોમાં પણ તેમનું મન કર્તવ્ય-પથ ઉપરથી વિચલિત થતું નથી. ર્માં બ્રહ્મચારિણી દેવીની કૃપાથી તેને સર્વત્ર સિદ્ધિ અને વિજ્યની પ્રાપ્તિ થાય છે.દુર્ગાપૂજાના બીજા દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિર થાય છે.આ ચક્રમાં અવસ્થિત મનવાળો યોગી તેમની કૃપા અને ભક્તિ પ્રાપ્ત કરે છે.આ દિવસે નીચેના સ્ત્રોતનો પાઠ કરવો.

તપશ્ચરિણી ત્વન્હિ તપત્રય નિવારણીમ્ ।
બ્રહ્મરૂપધારા બ્રહ્મચારિણી પ્રણમામ્યહમ્ ।
શંકરપ્રિયા ત્વન્હિ ભુક્તિ-મુક્તિ દાયિની ।
શાંતિદા જ્ઞાનદા બ્રહ્મચારિણી પ્રણમામ્યહમ્ ।

આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!