ચૈત્ર નવરાત્રીઃસાતમા નોરતે ર્માં કાલરાત્રિ દેવીની ઉપાસના કરીએ..

ચૈત્ર નવરાત્રીઃસાતમા નોરતે ર્માં કાલરાત્રિ દેવીની ઉપાસના કરીએ..
એકવેણી જપાકર્ણપૂરા નગ્ના ખરાસ્થિતા,
લમ્બોષ્ઠી કર્ણિકાકર્ણી તૈલાભ્યક્ત શરીરિણી
વામ્પાદોલ્લસસલ્લોહલતાકણ્ટકભૂષણા
વર્ધનમૂર્ધધ્વજા કૃષ્ણા કાલરાત્રિર્ભયઙ્કરી
નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના સાતમા દિવસે જેમની ઉપાસના કરવામાં આવે છે તે ર્માં દુર્ગાના સાતમા સ્વરૂપ ર્માં કાલરાત્રિ દેવીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.પોતાના સંકલ્પથી પતિના અકાળ મૃત્યુને જીતી લેનાર સ્ત્રી કાલરાત્રી સમાન છે.કાલરાત્રી દેવીના શરીરનો રંગ ગાઢ અંધકાર જેવો એકદમ કાળો છે.માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં વિદ્યુતની જેમ ચમકતી માળા છે.તેમને ત્રણ નેત્ર છે.આ ત્રણે નેત્ર બ્રહ્માંડની જેમ ગોળ છે.જેમાંથી વિદ્યુત સમાન ચમકીલા કિરણો નીકળી રહ્યા છે.તેમના નાકમાંથી નીકળતા શ્વાસ-પ્રશ્વાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળે છે.તેમનું વાહન ગધેડો છે.
પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામના અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતું.શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રિ દ્વારા કરાય છે.ર્માં કાલરાત્રિનું મુખ્ય મંદિર ”કોલકાતાના કાલિઘાટ” પર આવેલું છે.જમણી બાજુના ઉપર તરફના હાથ વરમુદ્રાથી તમામને વરદાન આપી રહ્યા છે અને નીચે તરફનો હાથ અભયમુદ્રામાં છે.ડાબી બાજુના ઉપર તરફના હાથમાં ખડગ અને નીચે તરફના હાથમાં વજ્ર છે. ર્માં કાલરાત્રીનું સ્વરૂપ જોવામાં ભયંકર લાગે છે પરંતુ તે હંમેશાં શુભ ફળ આપનાર છે.માતાજીના કાલરાત્રિ સ્વરૂપની ઉપાસના કરનારને અભય પ્રાપ્ત થાય છે અને તેનુ હંમેશા શુભ થાય છે એટલે માતા કાલરાત્રિને શુભઙ્કરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
દુર્ગાપૂજાના સાતમા દિવસે ર્માં કાલરાત્રિની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન સહસ્ત્રાર ચક્રમાં સ્થિત હોય છે.તેમના માટે બ્રહ્માંડની તમામ સિદ્ધિઓના દ્વાર ખુલવા લાગે છે.આ ચક્રમાં સ્થિત સાધકનું મન પૂર્ણતઃ ર્માં કાલરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે.તેમના સાક્ષાત્કારથી મળનાર પુણ્યના તે ભાગીદાર બને છે.તેમના તમામ પાપો-વિઘ્નોનો નાશ થાય છે.તેમને અક્ષય પુણ્યલોકોની પ્રાપ્તિ થાય છે.ર્માં કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારી છે.દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત-પ્રેત વગેરે તેમના સ્મરણમાત્રથી ભયભીત થઇને ભાગી જાય છે.ર્માં કાલરાત્રિ ગ્રહ-બાધાઓ દૂર કરનાર છે.તેમના ઉપાસકને અગ્નિ જળ જીવ જંતુ શત્રુ વગેરેનો ભય ક્યારેય થતો નથી.તેમની કૃપાથી ઉપાસક ભયમુક્ત બની જાય છે.
ર્માં કાલરાત્રિના સ્વરૂપને પોતાના હ્રદયમાં ધારણ કરીને મનુષ્યએ એકનિષ્ઠ ભાવથી તેમની ઉપાસના કરવી જોઇએ.યમ-નિયમ અને સંયમનું પૂર્ણ પાલન કરવું જોઇએ.મન-વચન અને શરીરની પવિત્રતા રાખવી જોઇએ.તે શુભઙ્કરી દેવી છે.અમારે નિરંતર તેમનું સ્મરણ-ધ્યાન અને પૂજન કરવું જોઇએ.ર્માં કાલરાત્રિ સંસારના અંધકારને નષ્ટ કરી જ્ઞાનનું બીજ વાવે છે.જે તેમની ઉપાસના કરે છે તેને કાળનો ભય રહેતો નથી.ર્માં કાલરાત્રિને ગોળની બનાવેલી વાનગીનું નૈવેદ્ય ધરાવાથી પીડા દુર થાય છે અને ભયમુક્તિના આશિષ પ્રદાન કરે છે.ર્માં કાલરાત્રીના પૂજન સમયે કૃષ્ણ કમળ કે કોઇ નીલા રંગનું પુષ્પ દેવીને અર્પણ કરવું.માતાજીને ફળના પ્રસાદ રૂપે ચિકુનો ભોગ ધરાવવો જોઇએ.દેવીની વિશેષ કૃપાની પ્રાપ્તિ અર્થે સાધકે કેસરી રંગના વસ્ત્ર ધારણ કરવા જોઇએ.આ વસ્ત્ર ધારણ કરવાથી સાધકને સકારાત્મક ઊર્જાનો અહેસાસ થશે.
આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300