તા. ૭ એપ્રિલ – ‘વિશ્વ આરોગ્ય દિવસ’

તા. ૭ એપ્રિલ – ‘વિશ્વ આરોગ્ય દિવસ’
રાજ્યમાં હાલમાં ઉપલબ્ધ વર્લ્ડ ક્લાસ આરોગ્ય સુવિધાઓમાં રૂ. ૨૩ હજાર કરોડ કરતાં વધુના ખર્ચે થશે વધારો
રાજ્યના વિવિધ સ્થળોએ નવી ન્યુરોલોજીકલ સાયન્સ સંસ્થા, રેડિયોથેરાપી સેન્ટર્સ તેમજ કાર્ડિયોલોજી સેટેલાઈટ સેન્ટર કાર્યરત થશે
• જાન્યુઆરી-૨૦૨૫ સુધીમાં PHC ખાતે ૧.૪૪ કરોડ-CHC દ્વારા ૧.૩૧ કરોડ કરતા વધુ દર્દીઓને આરોગ્ય સેવાઓ અપાઈ
• રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમના સફળતાપૂર્વક અમલીકરણ થકી રાજ્યમાં અત્યાર સુધીમાં રક્તપિત્ત પ્રમાણદર ૦.૩૯ જેટલો
• ગુજરાત ટીબી નિર્મુલન કામગીરીમાં અગ્રેસર: વર્ષ ૨૦૨૪માં ૧.૩૭ લાખ કરતા વધુ ટીબીના દર્દીઓની સારવાર થકી સફળતાનો દર ૯૦ ટકા
રાજ્યના પ્રત્યેક નાગરિકને સર્વશ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પુરી પાડવાના સંકલ્પ સાથે રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે, જેના ફળસ્વરૂપે સમગ્ર દેશમાં ગુજરાત વર્લ્ડ ક્લાસ આરોગ્ય સુવિધાઓ પૂરું પડતું રાજ્ય બન્યું છે. વધુમાં વધુ નાગરિકો ઉત્તમ આરોગ્ય સેવાઓ મેળવી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના વર્ષ ૨૦૨૪-૨૫ના રૂ. ૨૦,૧૦૦ કરોડના બજેટમાં ૧૬.૩૫ ટકા જેટલો વધારો કરીને નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૨૩,૩૮૫.૩૩ કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના સામાન્ય નાગરિકો અને છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકોને વિવિધ આરોગ્ય સેવાઓ મેળવવામાં કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર અનેકવિધ આયોજનબદ્ધ પગલાં લઈ રહી છે. જેના પરિણામે આગામી સમયમાં અમદાવાદ સિવિલ મેડિસીટીમાં મગજ અને નર્વ સિસ્ટમ સંબંધિત રોગોની સારવાર તેમજ સંશોધન માટે ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયત સંસ્થાનું નિર્માણ કરવામાં આવશે. તદ્પરાંત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ દ્વારા કેન્સરના રોગોની સેવાઓ સુદ્રઢ કરવા પોરબંદર, હિંમતનગર, વલસાડ અને ગોધરા ખાતે નવા રેડિયોથેરાપી સેન્ટરો શરૂ કરવામાં આવશે. તેવી જ રીતે યુ.એન.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડીયોલોજી, અમદાવાદ દ્વારા ગાંધીનગર અને સુરત ખાતે કાર્ડિયોલોજી તથા ન્યુરોલોજી વિભાગની સેવાઓ તેમજ રાજકોટ અને ભાવનગર ખાતે કાર્ડિયોલોજી સેટેલાઈટ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે.
એક નવીન અભિગમ સાથે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગંભીર કે જીવલેણ બિમારીથી પીડાતા દર્દી જ્યારે જીંદગીના અંતિમ તબક્કામાં હોય ત્યારે તેમને સારવારની સાથે સંભાળ પણ મળે તે માટે ૬ સરકારી હોસ્પિટલમાં ‘પેલિયેટીવ કેર’ વોર્ડ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલ તેમજ એમ. એન્ડ જે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓપ્થાલ્મોલોજી અને સ્પાઈન ઈન્સ્ટીટયુટ, અમદાવાદ ખાતે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે નવા અત્યાધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરવામાં આવશે.
દર વર્ષેની જેમ આ વર્ષે તા. ૭ એપ્રિલના રોજ “Healthy beginnings, hopeful futures” થીમ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન-WHO દ્વારા ‘વિશ્વ આરોગ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આજે જ્યારે સમગ્ર વિશ્વ પોતાના નાગરિકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય પર વિશેષ ભાર મૂકી રહ્યું છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ નાગરિકોને સર્વશ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે કટિબદ્ધ છે. રાજ્યનો કોઈપણ નાગરિક આરોગ્ય સેવાઓથી વંચિત ન રહે તે માટે જાન્યુઆરી-૨૦૨૫ સુધીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-PHC દ્વારા અંદાજે કુલ ૧.૪૪ કરોડથી વધુ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર-CHC દ્વારા કુલ ૧.૩૧ કરોડથી વધુ દર્દીઓને ઓપીડી થકી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તના દર્દીઓને ઉચ્ચત્તમ સારવાર આપવામાં આવી રહી છે. જેના પરિણામે અત્યાર સુધીમાં રાજ્યમાં રક્તપિત્ત પ્રમાણદર ૦.૩૯ જેટલો જ રહ્યો છે, જે રાજ્ય સરકારની રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમના સફળતાપૂર્વક અમલીકરણ થકી નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે.
રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ફાઈલેરીયા જેવા રોગોના નિયંત્રણ અને અટકાયતની પ્રવૃત્તિઓનો અસરકાર અમલ કરવામાં આવે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા નાણાંકીય સહાય તેમજ સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત વર્ષ-૨૦૨૪ દરમિયાન રાજ્યના ૨૩૩ ગામોની અંદાજિત ૨.૫૨ લાખ કરતાં વધુ વસ્તીને જંતુનાશક દવા છંટકાવ હેઠળ આવરી લેવામાં આવી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં શરૂ કરવામાં આવેલા ટીબી મુક્ત ભારત અભિયાનમાં ટીબીના દર્દીઓને સાર્વત્રિક રીતે સારવાર મળતી થાય તે માટે ગુજરાત સરકાર પણ પ્રતિબદ્ધ છે, જે અન્વયે રાજ્યમાં ટીબીનું નિદાન અને સારવાર તમામ સરકારી આરોગ્ય કેન્દ્રોમાં વિનામૂલ્યે કરવામાં આવે છે. આ ઉપરાંત રાજયના તમામ જિલ્લાઓમાં કુલ ૩૩ જિલ્લા ક્ષય કેન્દ્ર, ૮ શહેરી ક્ષય કેન્દ્ર, તમામ તાલુકા અને અર્બન વિસ્તારમાં ૩૦૮ જેટલા ટીબી યુનિટ તેમજ ગંભીર પ્રકારના દર્દીના નિદાન માટે ૩ કલ્ચર લેબોરેટરી અને ૧૭૦ નાટ લેબોરેટરી કાર્યરત કરવામાં આવી છે. જેના પરિણામે ગુજરાતમાં વર્ષ ૨૦૨૪માં ૧.૩૭ લાખ કરતાં વધુ ટીબીના દર્દીઓની નોંધણી કરવામાં આવી હતી, જેમની સારવારનો સફળતાનો દર ૯૦ ટકા જેટલો છે.
વધુમાં ટીબી નિર્મુલન કામગીરી અંતર્ગત રાજ્યમાં ટીબીના દર્દીઓને ૩.૪૩ લાખ કરતા વધુ પોષણ કીટ આપવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના તમામ દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુસર સારવાર ચાલુ રહે ત્યાસુધી દર મહિને રૂ. ૫૦૦ની સહાય આપવામાં આવતી હતી, જેને વધારીને રૂ. ૧૦૦૦ કરવામાં આવી છે. આ યોજના થકી વર્ષ ૨૦૧૮થી અત્યાર સુધીમાં ૬.૫૩ લાખ કરતા વધુ ટીબીના દર્દીઓને રૂ. ૨૦૧ કરોડ સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે, આમ ટીબી નિર્મુલન કામગીરીમાં ગુજરાત દેશના તમામ રાજ્યોમાં અગ્રેસર છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સગર્ભા બહેનોને પૂરતું પોષણ મળે અને માતા-બાળ મૃત્યુદર ઘટાડવા ‘નમોશ્રી યોજના’ અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યની ૨.૭૭ લાખ કરતાં વધુ સગર્ભા બહેનોએ લાભ લીધો છે. વર્ષ ૨૦૨૧થી રાજ્ય સરકાર દ્વારા ‘મા’, ‘મા વાત્સલ્ય’ અને આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને “પી.એમ.જે.વાય.-મા” યોજનાનું સંયુક્ત નામ આપવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્યમાં આ યોજનાની શરૂઆતથી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં કુલ ૨.૭૧ કરોડ જેટલા આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં આયુષ પ્રભાગ દ્વારા આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ જેવી પરંપરાગત ઉપચાર પદ્ધતિઓના સંવર્ધન માટે અનેક મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે. જે અન્વયે આયુષ પદ્ધતિઓનો ગ્રામીણ વિસ્તાર સુધી વ્યાપ વધારવા માટે આયુષગ્રામ પ્રોજેક્ટ, ૩૬૫ જેટલા આયુષ્માન આરોગ્ય મંદિર શરૂ કરવામાં આવ્યા છે, તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું છે.
જીગર બારોટ
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300