અવિનાશી આત્મા નથી કોઇને હણતો કે નથી કોઇના દ્વારા હણાતો તેથી તેને અમર માનવામાં આવે છે.

અવિનાશી આત્મા નથી કોઇને હણતો કે નથી કોઇના દ્વારા હણાતો તેથી તેને અમર માનવામાં આવે છે.
Spread the love

ગીતામૃતમ્..અવિનાશી આત્મા નથી કોઇને હણતો કે નથી કોઇના દ્વારા હણાતો તેથી તેને અમર માનવામાં આવે છે.

શ્રીમદ ભગવદ ગીતાના બીજા અધ્યાયના અત્યાર સુધીના શ્ર્લોકોમાં આત્માને અવિનાશી જાણવા વાળાઓની વાત કહી હવે એ જ વાતને અન્વય અને વ્યતિરેકની રીતિથી દ્રઢ કરવા માટે જેઓ આત્માને અવિનાશી નથી જાણતા એમની વાત સમજાવતાં ભગવાન ગીતા(૨/૧૯)માં કહે છે કે
ય એનં વેત્તિ હન્તારં યશ્ચૈનં મન્યતે હતમ્
ઉભૌ તૌ ન વિજાનીતો નાયં હન્તિ ન હન્યતે..
જે મનુષ્ય આ અવિનાશી આત્માને હણનાર સમજે છે તથા જે મનુષ્ય એને હણાયેલ માને છે તે બંન્નેય આને નથી જાણતા કેમકે આ આત્મા વાસ્તવમાં નથી કોઇને હણતો અને નથી કોઇના દ્વારા હણાતો.. જે આ આત્માને મારવાવાળો માને છે તે બરાબર નથી સમજતો કારણ કે આત્મામાં કર્તાપણું નથી.જેવી રીતે કોઇપણ કારીગર ગમે તેટલો ચતુર કેમ ના હોય છતાં ઓજાર વિના તે કાર્ય કરી શકતો નથી એવી જ રીતે આ આત્મા શરીર વિના પોતે કંઇપણ કરી શકતો નથી આથી ભગવાને કહ્યું છે કે બધી જ જાતની ક્રિયાઓ પ્રકૃતિ દ્વારા જ થાય છે-એવો જે મનુષ્ય અનુભવ કરે છે તે આત્માના અકર્તાપણાનો અનુભવ કરે છે.તેનો અર્થ એ થયો કે આત્મામાં કર્તાપણું નથી પરંતુ આ શરીરની સાથે તદાત્મય કરીને અને સબંધ જોડીને શરીરથી થવાવાળી ક્રિયાઓમાં પોતાને કર્તા માની લે છે.જો આ શરીરની સાથે પોતાનો સબંધ ના જોડે તો આ કોઇપણ ક્રિયાનો કર્તા નથી.
જે એને મરેલો માને છે તે પણ બરાબર સમજતો નથી.જેવી રીતે આ આત્મા મારવાવાળો નથી એવી જ રીતે આ મરવાવાળો પણ નથી કેમકે એમાં ક્યારેય કોઇ વિકૃતિ આવતી નથી.જેમાં વિકૃતિ આવે છે અને પરીવર્તન થાય છે એટલે કે જે ઉત્પત્તિ-વિનાશશીલ હોય છે તે જ મરી શકે છે.આત્મા નાશ કરનારો પણ નથી અને નષ્ટ થવાવાળો પણ નથી.એ નિર્વિકારરૂપથી નિત્ય-નિરંતર જેમ છે તેમ રહેવાવાળો છે આથી આત્માને કારણે શોક ના કરવો જોઇએ.
ધાર્મિક ગ્રંથો અનુસાર આત્મા ઇશ્વરનો અંશ છે એટલે ઇશ્વરની જેમ આત્મા અજર-અમર છે.સંસ્કારોના કારણે આ દુનિયામાં તેનું અસ્તિત્વ છે.આત્મા જ્યારે આ શરીરમાં પ્રવેશ કરે છે તો તેને સ્ત્રી કે પુરૂષના નામથી બોલાવવામાં આવે છે.આત્માનો કોઇ રંગ-રૂપ કે લિંગ નથી.ઋગ્વેદ(૧/૧૬૪/૩૮)માં કહ્યું છે કે જીવ અમર છે અને શરીર પ્રત્યક્ષ નાશવાન છે,તમામ શારીરિક ક્રિયાઓનો અધિષ્ઠાતા છે કારણ કે જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહે છે ત્યાં સુધી તે ક્રિયાશીલ છે.આત્માના સબંધમાં મોટા મોટા પંડિત અને મેઘાવી પુરૂષ પણ જાણી શકતા નથી.આત્માને જાણવો એ જ મનુષ્ય જીવનનું મુખ્ય લક્ષ્ય છે.બૃહદારણ્ય ઉપનિષદ (૮/૭/૧)માં કહ્યું છે કે આત્મા પાપ-પુણ્ય, વૃદ્ધાવસ્થા, જન્મ-મૃત્યુ, શોક, ભૂખ-તરસથી રહિત છે.
શ્રીમદ ભગવદગીતા(૨/૨૦)માં આત્માની અમરતાના વિષયમાં વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવી છે.
ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ
અજો નિત્યઃ શાશ્વતોઙયં પુરાણો ન હન્યતે મન્યમાને શરીરે..
આ આત્મા ન જન્મે છે અને કોઇપણ કાળમાં ન મરણ પામે છે તેમજ ઉત્પન્ન થઇને ફરીથી થવાવાળો નથી.આ અજન્મા નિત્ય-નિરંતર રહેવાવાળો શાશ્વત અને અનાદિ છે.શરીરના નાશ થવા છતાં પણ આ આત્માનો નાશ થતો નથી.શરીરમાં “હું” અને “મારાપણા” નો ભાવ હોવાથી જીવવાની ઇચ્છા અને મૃત્યુનો ભય થાય છે કારણ કે શરીર તો નાશવાન છે પરંતુ આત્મા અમર-અવિનાશી છે તેનો કોઇ વિનાશ કરી શકતું નથી.શરીરને પોતાનું સ્વરૂ૫ માનવું એ જ અવિવેક છે,પ્રમાદ છે અને પ્રમાદ એ જ મૃત્યુ છે.
શરીરમાં છ વિકારો હોય છેઃ ઉત્પન્ન થવું,અસ્તિત્વ દેખાવું,બદલાવું,વધવું,ઘટવું અને નષ્ટ થવું.આત્મા આ છ વિકારોથી રહિત છે.શરીર તો પ્રતિક્ષણ મરતું રહે છે.એક ક્ષણ પણ ટકતું નથી.આત્માનો ક્યારેય જન્મ થતો નથી તેથી તેને અજ(જન્મરહિત) કહ્યો છે.જ્યારે આત્મા નિત્ય નિરંતર જેવો છે તેવો જ રહે છે તેનો ક્યારેય વિનાશ થતો નથી.જેવી રીતે શરીર ઉત્પન્ન થાય છે એવી રીતે આત્મા ક્યારેય કોઇપણ સમયે ઉત્પન્ન થતો નથી તેથી એને સનાતન કહ્યો છે.આત્મા ક્યારેય મરતો નથી,મરે છે એ કે જેનો જન્મ થાય છે. પિંડ-પ્રાણનો વિયોગ શરીરમાં થાય છે પરંતુ આત્મામાં સંયોગ-વિયોગ થતા નથી તે જેમ છે તેમ જ રહે છે એનું મરણ થતું નથી.બધા વિકારોમાં જન્મવું અને મરવું-આ બે વિકારો મુખ્ય છે.
જે પુરૂષ આ આત્માને નાશરહિત,નિત્ય,અજન્મા તેમજ અવ્યય જાણે છે તે પુરૂષ કઇ રીતે કોને હણે છે? અને કઇ રીતે કોને હણાવે છે.(૨/૨૧) આત્મા કોઇપણ ક્રિયાનો કર્તા અને કર્મ નથી બનતો આથી મરવા મારવામાં શોક ન કરવો જોઇએ અને શાસ્ત્ર આજ્ઞાનુસાર પ્રાપ્ત કર્તવ્ય કર્મનું પાલન કરવું જોઇએ.ઉત્પન્ન થનાર વસ્તુ તો આપમેળે જ નાશ પામે છે,તેનો નાશ કરવો પડતો નથી પરંતુ જે વસ્તુ ઉત્પન્ન થતી નથી તે ક્યારેય નાશ પામતી જ નથી.આપણે ચૌ-રાશી લાખ યોનિઓમાં શરીર ધારણ કર્યા પરંતુ કોઇપ્ણ શરીર આપણી સાથે ન રહ્યું અને આપણે કોઇપણ શરીરની સાથે ના રહ્યા પરંતુ આપણે જેમના તેમ અલગ રહ્યા- આ જાણવાની શક્તિ મનુષ્ય સિવાયના બીજા શરીરોમાં નહોતી.જો આપણે એને જાણતા નથી તો ભગવાનના આપેલ વિવેકનો નિરાદર કરીએ છીએ.

આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!