આંખોમાંથી છલકતી લાગણી જોઇ હું હરખાઇ ગયો , જાણે સાત દરિયા ભરીને ભરપુર સુખ પામી ગયો

આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને હમણાં ધોધમાર મેહુલિયો વર્ષી પડશે એવું લાગી રહ્યું છે. વીજળીના કડાકા-ભડાકાઓની વચ્ચે મંદ મંદ પવન વહી રહ્યો છે અને સાથે ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે. વરુણ દેવની કૃપા થતા ધરતી પુત્રો હરખાઈ ગયા છે અને વાવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બાળક યુવાન વડીલ સહિત પરિવારના તમામ લોકો ખેતીના કામમાં વ્યસ્ત બની જાય છે. ગ્રામીણ વિસ્તારના તમામ ખેડૂત પરિવારોમાં સહજ રીતે આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આવો જ એક ખેડૂત પરિવાર એટલે અનુસ્નાતકનો અભ્યાસ કરતી સોની નામના યુવતીનો પરિવાર.
સોનીનો પરિવાર ખેતી પર નિર્ભર હોવાથી સોની ભણવાની સાથે માતાને ખેતીના કામોમાં પણ મદદરૂપ બની રહી છે. સોની તું ફક્ત ભણવામાં ધ્યાન આપ ખેતીની ચિંતા હું અને તારા પિતાજી સંભાળી રહ્યા છીએ તેમ માતાએ કહ્યું ત્યારે સોનીએ જણાવ્યું હું ભણવામાં પૂરતું ધ્યાન આપી જ રહી છું અને તેમાંથી સમય મળ્યે ખેતીના કામમાં આપને મદદરૂપ થવું તો શું વાંધો છે? જિદ્દી સોનીને સમજાવવી મુશ્કેલ હોવાથી માતા કહે છે કે તને જે યોગ્ય લાગે તે તું કરજે. સોની ભલે શહેરની કોલેજમાં અભ્યાસ કરી રહી છે પરંતુ દર મહિને તે ગામમાં આવી માતા-પિતા સહિત પરિવારના તમામ લોકોની ચિંતા કરી રહી છે.
શહેરની મધ્યમાંથી પસાર થતી નદીના કિનારા પર જ સોનીની કોલેજ આવેલી છે. ભણવામાં હોશિયાર અને આજ્ઞાંકિત હોવાથી કોલેજના પ્રોફેસરોની સોની લાડલી બનતી જાય છે. અનુસ્નાતકના અભ્યાસ દરમિયાન સોની અક્ષય નામના યુવાનના સંપર્કમાં આવે છે અને થોડા દિવસોમાં જ અક્ષય સાથે મિત્રતા થઈ જાય છે. સોની અને અક્ષય એકબીજાને અભ્યાસમાં મદદરૂપ બની રહ્યા છે અને કોલેજના અન્ય વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીના સમયમાં કામ આવે છે. પરંતુ કોલેજના જ કેટલાક યુવક-યુવતીઓને સોની અને અક્ષયની દોસ્તી પસંદ આવતી નથી અને તેઓ તેમને અલગ પાડવા માટે ષડયંત્રનો સહારો લે છે.
સોની જ્યારે ક્લાસમાં બેસીને અભ્યાસ કરી રહી હોય છે ત્યારે મનીષા નામની યુવતી દોડીને તેની પાસે આવે છે અને રડતા રડતા કહે છે કે આજે હું કોઈને મોઢું બતાવવા ને લાયક નથી રહી. રડવાનું બંધ કર અને તારી સાથે શું થયું છે તે તું મને જણાવ તો હું તારી શક્ય એટલી મદદ કરી શકીશ તેમ સોનીએ કહ્યું. બસ આજ તકનો લાભ ઝડપી મનીષા એ કહ્યું કે અક્ષય અને તેના મિત્રો મારી પાછળ પડ્યા છે અને અક્ષયે મારો હાથ કોલેજની વચ્ચે પકડીને પ્રપોઝ કર્યું છે. અક્ષયે મને કોઈને મોઢું બતાવવા લાયક રાખી નથી. આ સાંભળતા જ સોનીના ચહેરાના હાવભાવ બદલાય જાય છે અને તે એકદમ ગુસ્સામાં આવી જાય છે. સોની મનીષાનો હાથ પકડી તેને ખેંચીને કોલેજના કેમ્પસમાં મિત્રોની વચ્ચે ઉભા રહેલા અક્ષય પાસે લઈને આવે છે. મનીષાના મિત્રો કોલેજ કેમ્પસમાં જ દુર ઉભા રહી આ દ્રશ્ય જોવા માટે આતુર હોય છે અને સોનીને ઉશ્કેરી ને અક્ષય સાથેની દોસ્તી તોડાવવા માંગી રહ્યા છે.
મનિષાના મિત્રો માની રહ્યા છે કે હવે સોની અક્ષય પર તુટી પડશે અને તેમની દોસ્તી ક્ષણમાં જ તુટી જશે. પરંતુ સોની અક્ષય પાસે પહોંચીને અક્ષયનો હાથ પોતાના માથા પર મૂકી ને પૂછે છે કે શું તે કે તારા કોઇ મિત્રએ મનીષાનો હાથ પકડીને કોલેજ કેમ્પસમાં તેને પ્રપોઝ કર્યું છે? આ સાંભળીને અક્ષય કાંઇ સમજી શકતો નથી અને મૌન ઉભો રહે છે. અક્ષય હું તને પુછી રહી છુ, તું આજે મૌન ન રહીશ અને મને જવાબ આપ તેમ સોનીએ ફરી પુછ્યુ ત્યારે અક્ષયે કહ્યુ કે, તું મને આ શું પૂછી રહી છે. મનીષા મને સહેજ પણ પસંદ નથી તો શું હું તેને પ્રપોઝ કરું ખરો? મનીષા અને તેના મિત્રોએ સાથે મળીને આપણને બંનેને અલગ પાડવા માટે આ ષડયંત્ર રચ્યું હોય તેમ લાગી રહ્યું છે. આપણી દોસ્તી મનિષાને પસંદ નથી અને તે મને ફસાવીને દોસ્તી તોડાવવા માંગે છે, હવે તને જે યોગ્ય લાગે તેમ તું કરી શકે છે. તારો અક્ષય તારી સામે હાજર જ છે.
આ સાંભળતાની સાથે જ સોનીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે અને તે બધાની વચ્ચે જ મનિષાના ગાલ પર થપ્પડ મારે છે. થપ્પડની ગુંજ એટલી જોરદાર હોય છે કે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સાથે પ્રોફેસરો પણ આવી જાય છે અને મનીષાનો તમાસો જોઈ રહ્યા છે. કોલેજમાં શાંત જોવા મળતી સોનીનો ગુસ્સો આજે પહેલી વખત બધા લોકોને જોવા મળ્યો છે અને કોઈ સોનીને શાંત કરવા માટે જવાની હિંમત કરતું નથી ત્યારે અક્ષય આગળ આવે છે અને સોનીને કહે છે કે તું શાંત થા, તારા મગજ ને શાંત કર, મનીષા અને તેના મિત્રો તો આવા જ છે, શું તું પણ તેમના જેવી બનીને આ રીતે તમાસો ઉભો કરી રહી છું.
અક્ષયના મનાવવાના કારણે સોની થોડી શાંત પડે છે અને તેમ છતાં પણ મનીષા ને ચેતવણી આપતાં કહે છે કે હવે ફરી જો તું અક્ષયની આસપાસ પણ જોવા મળી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તને અને તારા જેવા તમામ લોકોને મારી આ આખરી ચેતવણી છે. નીચું મોઢુ કરીને રડતા રડતા મનીષા એક પણ શબ્દ બોલ્યા વગર તેના મિત્રોની સાથે કોલેજ કેમ્પસમાંથી બહાર નીકળી જાય છે અને ખુલ્લી પડી ગયા પછી ખરેખર મનીષા કોઈને મોઢું બતાવવા ને લાયક રહેતી નથી. અક્ષય અને સોની આ ઘટના પછી પણ રાબેતા મુજબ કોલેજમાં આવી અભ્યાસ કરી રહ્યા છે પરંતુ મનીષા અને તેના મિત્રો કોલેજમાં આવવાની હિંમત કરતા નથી. કોલેજ કેમ્પસમાં બનેલી આ ઘટના પછી અક્ષય અને સોની વધુ નજીક આવવા લાગે છે અને તેમની દોસ્તી હવે પ્રેમમાં પરિણામી રહી છે.
અક્ષય સોનીનો હાથ પોતાના માથા પર મૂકે છે અને સોનીને પ્રેમથી પૂછે છે કે શું તું મને પ્રેમ કરે છે? આ સાંભળીને સોની સ્તબ્ધ થઈ જાય છે અને એક ક્ષણ માટે કાંઈ પણ બોલી શકતી નથી. થોડીવાર પછી સોની અક્ષય ને કહે છે કે તું એક વખત મારી આંખોમાં જોઈ લે, તને મારો જવાબ મળી જશે. અક્ષય સોનીની આંખોમાં એક નજરે જુએ છે અને કહે છે આંખોમાંથી છલકતી લાગણી જોઈ હું હરખાઈ ગયો, જાણે સાત દરિયા ભરીને સુખ પામી ગયો. બસ અહીંથી જ સોની અને અક્ષયના પ્રેમની શુભ શરૂઆત થાય છે. અક્ષય અને સોની કોલેજની પાસે આવેલી નદીના કિનારા પર બેસીને કલાકો સુધી પ્રેમની વાતો કરી રહ્યા છે.
કોલેજ ચાલુ હોય કે રજા હોય પરંતુ નદી કિનારા પર બેસીને પ્રકૃતિના સાનિધ્યમાં પ્રેમથી વાતચીત કરવાનો નિત્યક્રમ બંને જાળવી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ભરપૂર પ્રેમ હોવા છતાં પણ બંને એક બીજાની મર્યાદા સમજી રહ્યા છે અને એકાંતમાં પણ સલામત અંતર રાખીને પ્રેમથી વાતો કર્યા કરે છે. સોની અને અક્ષય પ્રેમની પવિત્રતા જાળવી રાખે છે. જ્યારે લગ્નની વાત નિકળે છે ત્યારે અક્ષય અને સોની બન્ને પરીવારની જ્યાં મરજી હશે ત્યાં લગ્ન કરવા માટે સહમત થાય છે અને કોલેજ જીવનના ભરપુર પ્રેમનો આંનદ માણી રહ્યા છે.