કહો તો ખરા કે માધવ છે ક્યાં?

– અજય રાવલ (ગાંધીનગર)
કહો તો ખરા કે માધવ છે ક્યાં?
જલમાં સ્થલમાં ઊંચા નભમાં, વ્યાપી રહ્યો એ કણકણમાં.
કહો તો ખરા o
ઝરમર ઝરતાં મેઘે પૂછ્યું, સુણજો ઓ ધરતી મા;
મેઘશ્યામ સુંદર ક્યાં દીઠા, કહે સુંઘો આ સોડમમાં.
કહો તો ખરા o
એક નિશા પૂર્ણિમા કેરી, પૂછી રહી સખી હરખાતાં;
શ્રીહરિનું મુખ છે કેવું, જાણ પૂનમ કેરા ચાંદા.
કહો તો ખરા o
નિશા ઢળીને ભાણજી પ્રગટ્યા, પૂછી કમળને રહ્યા;
ક્યાં છે વ્હાલો શ્રીનંદનંદન, જુઓ પરાગને આ.
કહો તો ખરા o
પૂછે અજય સુણો સૌ કોઈ, કાં ભટકો મૂંઝવણમાં,
ફાંફાં મારો બહાર વિશ્વમાં, તે બિરાજે ભીતરમાં.
કહો તો ખરા o