હિના ખાન ‘ઈન્ડિયા ડે પરેડ’માં સામેલ થનારી પ્રથમ ટીવી એક્ટ્રેસ બનશે

મુંબઈ,
ટીવી એક્ટ્રેસ હિના ખાને આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. હવે, હિના ખાનને ન્યૂયોર્કમાં યોજાનાર ‘ઈન્ડિયા ડે પરેડ’ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. હિના ખાન પહેલી ટીવી એક્ટ્રેસ છે, જેને ઈન્ડિયા ડે પરેડમાં સામેલ થવાની તક મળશે. હિના ખાનના ચાહકો આ વાતથી ઘણાં જ ખુશ છે. તેઓ સોશિયલ મીડિયામાં હિના ખાનને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ન્યૂયોર્કમાં ૧૮ ઓગસ્ટના રોજ ‘ઈન્ડિયા ડે પરેડ’માં સૈન્ય દળોના પરાક્રમ તથા બલિદાનને સન્માનિત કરવામાં આવશે. આ પરેડમાં હજારો ભારતીયો સામેલ થાય છે. આ વર્ષે પરેડની મુખ્ય થીમ ‘પોતાના સૈનિકોનું સમર્થન કરો, પોતાના સૈનિકોને સલામ કરો’ એ છે. હિના ખાનની સાથે સુનિલ શેટ્ટી પણ જાવા મળશે. એફઆઈએ (ધ ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિયેશન) ન્યૂયોર્ક ટ્રાઈ સ્ટેટના પ્રમુખ આલોક કુમારે કહ્યું હતું, ‘આપણાં જવાન, સૈનિકો આપણાં માટે જીવનું બલિદાન આપે છે. આ અમારા તરફથી તેમને શ્રદ્ધાંજલિ આપવાની તક છે. અમે તેમની સેવા, હિંમત તથા બલિદાનને યાદ કરીએ છીએ.’