માર માર્યાં બાદ કૂતરાંનું મોત થતાં કરણ પટેલ ગુસ્સામાં, વોચમેનને ધમકી આપી

મુંબઈ,
‘યે હૈં મહોબ્બતેં’ ફૅમ રમન ભલ્લા એટલે કે કરણ પટેલે એક વોચમેનને અલ્ટીમેટ આપ્યું છે. આ વોચમેને કૂતરાને માર માર્યો હતો અને ત્યારબાદ તેનું મોત થઈ ગયું હતું. હાલમાં કરણ પટેલ બલ્ગેરિયામાં ‘ખતરો કે ખિલાડી ૧૦’ના શૂટિંગમાં વ્યસ્ત છે. અહીંથી કરણે ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે વોચમેનને ધમકી આપી હતી. આ સાથે જ તેણે લખ્યું હતું, ‘ભાટિયા અને વર્લી બિલ્ડિંગનો વોચમેન તું તારા દિવસ ગણવાનું શરૂ કરી દે. તે કૂતરાંને માર મારીને મારી નાખ્યો છે. હવે તારું બચવું સરળ નથી. અમે પ્રાણીને પ્રેમ કરનારા એ વાત સુનિશ્ચિત કરીશું કે તમારા જેવા બકવાસ લોકોને સખ્તમાં સખ્ત સજા મળે.’ વીડિયોમાં કરણ પટેલ ધમકીભર્યાં સૂરમાં કહે છે, ‘જેવી રીતે તમને ખ્યાલ છે..લકી બદનસીબ કૂતરો..પહેલાં તેને બેરહેમીથી માર મારવામાં આવ્યો. કારણ કે તે વરસાદથી બચવા માટે બિલ્ડિંગમાં આવ્યો હતો. તે મરી ગયો. મિસ્ટર ભાટિયા આ મારું કરણ પટેલનું અલ્ટીમેટ છે કે હાલમાં તો હું દેશમાં નથી પરંતુ જે દિવસે પરત આવ્યો, તે દિવસે તમારી હાલત તે કૂતરાં કરતાં પણ ખરાબ ના કરું તો હું બે બાપનો.’