મોરબીના જાંબુડિયા ગામે થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયોઃ દિયરની ધરપકડ

મોરબી,
મોરબીના જાંબુડિયા ગામે થયેલ મહિલાની હત્યાનો ભેદ એલસીબીએ ઉકેલીને હત્યા કરનાર દિયરને પકડી પાડયો છે. મૃતક ભાભી અને હત્યારા દિયરને આડાસંબંધ હોવાથી ભાભી દિયરને અન્ય જગ્યાએ પરણવા દેતી ન હોય જેથી દિયરે ભાભીના માથા ઉપર પથ્થરના ઘા ઝીંકીને તેનું કાસળ કાઢી નાખ્યું હોવાનું પૂછપરછમા ખુલ્યું છે. દિયરે ભાભીના માથા ઉપર પથ્થરના ઘા ઝીંકીને માથું છૂંદી તેનું કાસળ કાઢી નાખ્યું હતું.
મોરબી તાલુકાના જુના જાંબુડિયા ગામે ગત તા. ૩૧ ઓગષ્ટના રોજ બાવળની ઝાડીમાંથી એક અજાણી મહિલાના માથાના ભાગે કોઈએ પથ્થર મારીને ઘાતકી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી.બાદમાં તાલુકા પોલીસે આ બનાવ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જેમાં મૃતક હિન્દીભાષી હોવાથી તેની ઓળખ મેળવવા માટે એલસીબીની એક ટીમ મધ્યપ્રદેશ રવાના થઈ હતી.
પૂછપરછ દરમિયાન શકદાર વિષ્ણુપ્રસાદે હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું. વધુમાં તેને કેફિયત આપી હતી કે મૃતક મહિલા તેની ભાભી થતી હોય તેની સાથે આડા સંબંધ હતા. જેથી તેની ભાભી તેના લગ્ન કોઈ અન્ય મહિલા સાથે થવા દેતી ન હતી. જેથી કંટાળી જઈને માથામા પથ્થરના ઘા ઝીંકીને તેની હત્યા નિપજાવી હતી. પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલીને આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.