ચોમાસા બાદ ગાબડાવાળા રસ્તાઓની મરામત માટે સીએમએ ફાળવી ૧૭૨.૪૮ કરોડની ગ્રાન્ટ

ગાંધીનગર,
આ વર્ષે ગુજરાતમાં ૧૪૫થી વધુ ટકા વરસાદ પડ્યો છે, પણ આ સાથે જ ગુજરાતના મોટાભાગના રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા હતા. આકાશમાંથી પથરા પડ્યા હોય તેવા મસમોટા ગાબડા રસ્તાઓ પર પડ્યા છે. જેને કારણે નાગરિકોને ચાલવામાં તથા વાહનો હાંકવામાં પારવાર તકલીફ પડી રહી છે. ત્યારે નાગરિકોની આ સમસ્યાને દૂર કરતો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લેવાયો છે. મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત ૧૭૨. ૪૮ કરોડની ગ્રાન્ટ રાજ્યની ૧૬૨ નગરપાલિકાઓને ફાળવવામાં આવ્યા છે. આ ગ્રાન્ટનો ઉપયોગ વરસાદી મોસમમાં રસ્તાને થયેલા નુકશાનની મરામતમાં કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની ૧૬૨ નગરપાલિકાઓમાં આ વર્ષે અતિભારે વરસાદથી નુકશાન પામેલા માર્ગોની મરામત માટે, માર્ગો-રસ્તાના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે ૧૬૦.૪૮ કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસાના અતિભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં રસ્તાઓને ભારે નુકશાન થયું છે. જેને કારણે રસ્તાઓ પર ખાડા પડવા, ધોવાણ થઇ જવું જેવા કારણોસર નગરોના રસ્તાઓનું રિસરફેસીંગ, રીપેરીંગ કરવું આવશ્યક બની ગયું છે. આ હેતુથી જ મુખ્યમંત્રી દ્વારા રાજ્યની વિવિધ નગરપાલિકાઓને આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.