શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા આયોજીત રક્તદાન શિબિર અને સર્વરોગ નિદાન કેમ્પ

જૂનાગઢ જિલ્લાના માંગરોળના આરેણા ખાતે આગામી તારીખ ૦૮.૧૨.૨૦૧૯ને રવિવારના રોજ શિવમ્ ચક્ષુદાન-આરેણા દ્વારા આયોજીત અને જુનાગઢ સરકારી હોસ્પિટલની બ્લડબેંક,ગ્રામપંચાયત- આરેણા,પે.સે.શાળા- આરેણા તેમજ H.D.F.C. બેંક-માંગરોળ ના સહકારથી સરકારી પ્રાથમિક શાળા આરેણા મુકામે એક રક્તદાન શિબિરનુ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.
રક્તદાન શિબિરનો સમય સવારે ૧૦ઃ૦૦ થી સાંજના ૪ઃ૦૦ વાગ્યા સુધીનો રહેશે. જ્યારે સર્વ રોગ નિદાન કેમ્પનો સમય સવારે ૧૦ઃ૦૦ થી ૧૨ઃ૩૦ વાગ્યા સુધીનો રહેશે. ડૉ.વિજયભાઈ કાથડ (M.D.physician) દ્વારા દર્દીને તપાસવામાં આવશે.તેમજ સ્થળ પર ઉપલબ્ધ દવાઓ ફ્રીમાં આપવામાં આવશે. જે દર્દીઓ પોતાની તપાસ કરાવવા ઈચ્છતા હોય તેઓએ ૮ તારીખે સ્થળ પર ૮ઃ૩૦ થી ૧૦ઃ૦૦ વાગ્યા સુધીમાં નામ લખાવી જવા વિનંતી.
રક્તદાન શિબિર મેજર થેલેસેમિયાગ્રસ્ત ત્રણ બાળાઓના હસ્તે દિપ પ્રાગટ્ય કરી શરુ કરવામાં આવશે. રક્તદાન શિબિર થેલેસેમિયાગ્રસ્ત બાળકોના જીવનદીપ માટે કરવામાં આવી રહી છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ૨૦ થી ૨૫ દિવસના અંતરે બ્લડ(લોહી) ચડાવવુ પડે છે. આવા બાળકોની જીંદગી આપ રક્તદાતાઓ પર નિર્ભર છે. જેથી આપ રક્તદાતા સ્વેચ્છિક રક્તદાન કરી આ બાળકોના જીવનદીપને આગળ ધપાવવા ઉપયોગી થાવ એવી નમ્ર અરજ સાથે આપ સૌ રક્તદાતાઓને આ શિબિરમાં વિનમ્ર ભાવે આમંત્રિત કરવામાં આવે છે. આપ આવી અને આ રક્તદાન શિબિરને સફળ બનાવો અને આ થેલેસેમિયાગ્રસ્ત બાળકોના જીવનદિપને આગળ ધપાવો.
આપના લોહીનું પ્રત્યેક બુંદ આ બાળકોના પ્રત્યેક શ્વાસ માટે આશાનુ કિરણ બની રહેશે.આપના દ્વારા થતા આ મહાદાનથી આપણા પૂરાણોમાં બતાવેલ દાનધર્મો સાચા અર્થમાં સાર્થક થશે.શાસ્ત્રોમાં વર્ણવેલ દાનો પૈકી મનુષ્ય પોતાની શક્તિ મુજબ અન્નદાન, વસ્ત્રદાન, ભુમિદાન, સુવર્ણદાન, ગૌદાન જેવા દાનો કરે છે અને કરતો આવ્યો છે. આ ઉપરાંતના માનવ મુલ્યને ઉજાગર કરતા દેહદાન અને અંગદાન પણ થયેલા છે. તેમા રક્તદાનનો પણ સમાવેશ થાય છે. આપણા લોહીના બિંદુથી આવા કુમળા ફુલ મુરજાતા અટકે અને ફરી પાછા એ બાગમાં તેની સુવાસ ફેલાવતા રહે તેવી આપ રક્તદાતાઓ પાસેથી અપેક્ષા સહ…..
કેમ્પ તા : ૦૮-૧૨-૨૦૧૯
કેમ્પનુ સ્થળ : પે.સેન્ટર શાળા,આરેણા
રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)