નર્મદા : 29 પ્રાથમિક-માધ્યમિક શાળાઓની 2019-20ની ઓનલાઇન ઇન્સ્પાયર એવોર્ડ માટે પસંદગી
- પસંદગી પામેલા શાળાને શાળા દીઠ 10000/- નું ઈનામ.
- પસંદગી પામેલ શાળાઓ 30, 31 ડિસેમ્બરે ભરૂચ મુકામે ઝોન કક્ષાએ ભાગ લેવા જશે.
જીસીઆરટી ગાંધીનગર દ્વારા યોજાતી ઓનલાઇન ફાયરની જિલ્લાકક્ષાની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં 2019- 20 ની જિલ્લા કક્ષાની ઓનલાઇન ઇન્સ્પાયર એવોર્ડ માટે નર્મદા જિલ્લાની 29 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની પસંદગી પામી છે.આ પસંદગી પામેલા શાળાને શાળા દીઠ 10000/- નું ઈનામ મળ્યું છે હવે આપસંદગી પામેલ શાળાઓ 30, 31 ડિસેમ્બરે ભરૂચ મુકામે યોજાનાર ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. આ ઝોન કક્ષાની સ્પર્ધામાં ચાર જિલ્લા નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની શાળાઓ ભાગ લેશે જેમાં વિજ્ઞાન કૃતિ મોડેલ તૈયાર કરીને પ્રદર્શનમાં રજૂ કરવાની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદામાંથી 90 જેટલી શાળાઓ એ ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યું હતું, તેમાંથી માત્ર 29 શાળાઓ પસંદગી પામી છે, જેમાં નાંદોદ તાલુકાની 11 શાળાઓ, દેડીયાપાડા તાલુકાની 9 શાળાઓ, સાગબારા તાલુકાની 3 અને તિલકવાડા તાલુકાની 6 શાળાઓ મળી કુલ 29 શાળાઓ પ્રાથમિક વિભાગની 690 જેટલી શાળાઓ પૈકી ભાગ લેનાર શાળાઓ ત્રણ આંકડા સુધી પહોંચી શકી નથી ! જે ભાગ લેવા પ્રયત્નો પ્રત્યે શાળાની અને શિક્ષકોની ઉદાસીનતા છતી થઇ હતી. એટલું જ નહીં 29 પૈકી માત્ર 4 જ શાળાઓ માધ્યમિક છે.
જ્યારે 25 શાળાઓમાં પ્રાથમિક શાળાઓ છે, આમ નર્મદાની માધ્યમિક શાળાઓ પણ ભાગ લેવામાં અને એવોર્ડ મેળવવામાં પાછળ રહી છે. જે ચિંતાનો વિષય બની છે તેમાં પણ નર્મદાના વડામથક રાજપીપળા શહેર વિસ્તારની સમ ખાવા પૂરતી એક પણ શાળા ઇન્સ્પાયર એવોર્ડ માટે પસંદગી પામી નથી જે ચર્ચાને ચિંતાનો વિષય બન્યો છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા