મોરબી-માળીયાના વિવિધ પ્રશ્નો વિધાનસભામાં મુકવા માટે બ્રિજેશ મેરજાને મોકલી આપવા અનુરોધ

- 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા વિધાનસભાના સત્રમાં સ્થાનીય પ્રશ્નો ઉઠાવવા બ્રિજેશ મેરજાએ મોબાઈલ નંબર જાહેર કર્યો
આવનારી 24 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે મોરબી, માળીયા મી.ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ એક વોટ્સએપ નંબર જાહેર કરી નાગરિકોને પોતાના વિસ્તારના સ્થાનીય પ્રશ્નો જણાવવા અનુરોધ કર્યો છે. ગુજરાત વિધાનસભાનું નવા વર્ષનું પ્રથમ આગામી સત્ર 24/02/2020ના રોજ શરૂ થશે. આ સત્ર 31/03/2020 સુધી ચાલનાર છે ત્યારે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ એક વોટ્સએપ નંબર જાહેર કરીને નાગરિકોને પોતાના વિસ્તારની સ્થાનીય સમસ્યાઓ ઉજાગર કરવા માટે આહવાન કર્યું છે.
વોટ્સએપ નંબર 94287 01547 જાહેર કરતા મેરજાએ નાગરિકો જોગ સંદેશો આપ્યો છે કે અગાઉની કાર્યશૈલી પ્રમાણે તેઓ પોતાના વિસ્તારના નાના-મોટા તમામ પ્રશ્નો વિધાનસભાના ફ્લોર પર ઉઠાવતા રહેશે અને ઉચ્ચ કક્ષાએ એ પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહેવા પ્રતિબદ્ધ છે. આ માટે લોકો તેઓના પ્રશ્નો ટૂંકમાં પરંતુ મુદ્દાસર ઉપરોક્ત વોટ્સએપ નંબર પર જણાવે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં પ્રશ્નોતરી માટે એક ચોક્કસ રીતે સુનિશ્ચિત કરેલી વહીવટી પ્રક્રિયાને અનુસરવું પડતું હોય છે. વિધાનસભામાં કોઈ પ્રશ્નો ઉઠાવવા માટે જે-તે વિષયનો યોગ્ય અભ્યાસ જરૂરી હોય છે. આંકડાકીય માહિતી સહિતની બાબતો એકઠી કરવી પડતી હોય આગોતરું આયોજન કરવું પડતું હોય મોરબી-માળીયા મી.ના નાગરિકો પોતાના વિસ્તારના પ્રશ્નો સમયસર મોકલાવે એ જરૂરી હોય ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ઉપરોક્ત મોબાઈલ નંબર જાહેર કર્યો છે.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)