ચીનમાં કોરોનાવાયરસથી સૌરાષ્ટ્રના વેપાર પર માઠી અસર પોર્ટ પર કરોડોનો માલ ફસાયો

કોરોનાવાયરસની સૌથી વધુ અસર મોરબીમાં સિરામિક અને ટાઇલ્સની ફેક્ટરી ઉપર પડશે. સિરામિક ટાઈલ્સની ફેક્ટરીઓમાં ચીનના ટેક્નિશિયનો કામ સંભાળતા હોય છે. ચીનમાં જે રીતે કોરોનાવાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. તેની સીધી અસર રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ-અલગ ઉદ્યોગો પર જોવા મળી રહી છે. ખાસ કરીને રાજકોટમાં જે ઉદ્યોગો ચાલી રહ્યા છે. તેમાં મોટાભાગના ઉદ્યોગોનું સીધું કે આડકતરું કનેક્શન ચીન સાથે જોડાયેલું છે. રાજકોટમાં મુખ્યત્વે કોટનની નિકાસ થાય છે. અને રાઉન્ડ બ્રાર તથા મશીનરીની આયાત કરવામાં આવે છે. હાલ આયાત નિકાસકરો થોભો અને રાહ જુઓની પરિસ્થિતિમાં આવી ચૂક્યા છે.
બીજી તરફ રાજકોટમાંથી અંદાજે 60 થી 70 લાખ ગાંસડી કોટનની નિકાસ ચીનમાં થાય છે. આ વર્ષે સારો વરસાદ થવાના કારણે કોટનનું ઉત્પાદન સારું થયું છે. જેથી ચીનની માંગ પણ સારી છે. ત્યારે કોટન માર્કેટ પણ કોરોનાવાયરસની ઝપેટમાં આવી ચૂક્યું છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું પણ પુષ્કળ ઉત્પાદન થયું છે. જેથી સૌરાષ્ટ્રમાંથી સિંગદાણા અને સિંગતેલ ચીનમાં મોકલવામાં આવે છે. પરંતુ આ વાયરસને કારણે સિંગતેલ અને સિંગદાણાના કન્ટેનરો પોર્ટ પર અટવાઈ ચૂક્યા છે. અને અંદાજીત 100 કરોડ જેટલો માલ ફસાયો છે. ઉલ્લેખનીય છે. કે ચીનની તેલીબીયામાં ચીક્કર ખરીદી જોવા મળે છે. ચીનમાં લોકોની અવર-જવર બંધ કરાતા પોર્ટ ઉપર મજૂરો આવતા બંધ થઇ જતા સૌરાષ્ટ્રમાંથી મોકલાવેલા અંદાજિત 200 કન્ટેનર ખાલી કર્યા વગર પોર્ટ પર ફસાયેલા છે.
સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ તથા મોરબીથી બિઝનેસ હેતુ માટે સતત ચીનમાં અવરજવર કરતાં ઉદ્યોગકારો પણ કોરોનાવાયરસથી ડરી પોતાની ટૂર કેન્સલ કરાવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાંથી દર અઠવાડિયે અંદાજિત 50 જેટલા કોર્પોરેટ લોકો ચીનની વિઝીટ માટે જતા હોય છે. તો બીજી તરફ ચીનથી પણ ટેકનિશિયન અને ઉદ્યોગકારો સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં આવતા હોય છે. કોરોનાવાયરસની સૌથી વધુ અસર મોરબીમાં સિરામિક અને ટાઇલ્સની ફેક્ટરી ઉપર પડશે. સિરામિક ટાઈલ્સની મોટી ફેક્ટરીઓમાં ચીનથી આવેલા ટેક્નિશિયનો કામ સંભાળતા હોય છે. અંદાજિત 500 જેટલા ચીનના વ્યક્તિ હાલ મોરબીમાં વસવાટ કરે છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)