અમદાવાદ સિવિલનાં ડોક્ટરોએ કરી કમાલ, 3D પ્રિન્ટીંગથી 7 વર્ષની કેન્સરગ્રસ્ત બાળકીને બક્ષ્યું નવજીવન…

હાલ ભલે ડોક્ટર પોતાની કમાણી માટે દર્દીઓનાં ખિસ્સા ખાલી કરીને જેમ તેમ ઓપરેશનો કરી નાખતાં હોય છે. પણ હજુ પણ કેટલાય ડોક્ટર એવાં છે કે જે આજે પણ લોકોને નવો જન્મ આપી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. દ્વારકાની સાત વર્ષની કેન્સરગ્રસ્ત બાળકી પાર સફળ ઓપરેશન કરી કેન્સરમુક્ત કરવામાં આવી હતી. છ કલાક ચાલેલાં આ ઓપરેશનમાં 3D પ્રિન્ટિંગ અને લિક્વિડ નાઇટ્રોજન ટેકનોલોજીનો ઉપયોગ ગુજરાતમાં સૌ પ્રથમ વાર કરવામાં આવ્યો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલનાં કેન્સર વિભાગમાં એક સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. દ્વારકાની 7 વર્ષની બાળકીના કેન્સર ટયુમરવાળા થાપાના હાડકાને તબીબોની ટીમે થ્રી ડી પ્રિન્ટિંગ અને લિક્વિડ નાઇટ્રોજનની મદદથી શરીરની બહાર કાઢીને કેન્સરમુક્ત કરી 6 કલાકની સર્જરીથી ફરી બેસાડ્યું છે.
ઓપરેશન ખૂબ જ કઠિન હતું, જેમાં બાળકીના સાંધાને બચાવવા મુખ્ય ઉદ્દેશ હતો. બાળકીના ઓપરેશન પહેલાં એક કુત્રિમ પગ બનાવીને તેના પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સફળ થતાં સર્જનોની ટીમે આ ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. થ્રી ડી પ્રિન્ટિંગ અને લિક્વિડ નાઇટ્રોજન ટેકનોલોજીનો રાજ્યમાં પ્રથમવાર ઉપયોગ કરાયો હોવાનો ડોકટરનો દાવો છે. સામાન્ય પરિવારની દીકરીને આ સફળ ઓપરેશન થતાં પરિવારજનો પણ ખુશ હતા. કેન્સર વિભાગમાં આવાં ઓપરેશનો મફતમાં થતાં હોવાનું સુપરિટેન્ડેન્ટ ડો.શશાંક પડ્યાએ જણાવ્યું હતુ. સિવિલ હોસ્પિટલનાં કેન્સર વિભાગમા દર વર્ષે 26000 જેટલાં દર્દીઓ પોતાના કેન્સરનું ચેકઅપ તેમજ સારવાર કરાવતાં હોય છે. કેન્સર એક અસાધ્ય રોગ હોવા છતાં પણ અત્યાધુનિક ટેકનોલોજીના લીધે દર્દીઓને બચવાની આશા વધી છે. ત્યારે ફક્ત સાત વર્ષની દીકરીને પુનર્જન્મ આપતાં બાળકી હવે બાળપણને મનભરીને માણી શકશે.
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)