આંગણવાડીમાં અતિકુપોશિત બાળકોના પોષણ માટે ઇંડા આપવાની કોઈ યોજના છે જ નહિ : ગણપતસિંહ વસાવા

રાજ્યના મહિલાબાળ કલ્યાણમંત્રી ગણપતસિંહ વસાવા એ સ્પષ્ટપણે જણાવ્યું છે. કે રાજ્યની કોઈ આંગણવાડીમાં અતિકુપોશિત બાળકોના પોષણ માટે ઇંડા આપવાની કોઈ યોજના છે જ નહિ અને આવો પાયલોટ પ્રોજેક્ટ કોઈ જિલ્લામાં કરવામાં આવ્યો નથી. તેમણે દાહોદ જિલ્લાની આંગણવાડીના અતિકૂપોષિત બાળકોને ઇંડા પોષક આહાર તરીકે આપવાના પાયલોટ પ્રોજેક્ટ અંગે પ્રસિદ્ધ થયેલા અખબારી અહેવાલોના સંદર્ભમાં આ સ્પષ્ટતા કરતાં કહ્યું કે. આંગણવાડીના બાળકોને કઠોળ સોયાબીન રેડી ટુ ઇટ ટેઇક હોમ રાશન અને આદિજાતિ વિસ્તારોમાં દૂધ સંજીવની યોજના અન્વયે દૂધ પોષક આહાર તરીકે આપવામાં આવે છે. એટલું જ નહિ મધ્યાન ભોજન યોજનામાં પણ સરકાર સાથે સ્વૈચ્છિક દાતાઓ તિથિ ભોજન અંતર્ગત સાત્વિક પોષક આહાર આપે છે. આંગણવાડીઓમાં જન ભાગીદારીથી પણ ફળ કઠોળ સુખડી શીરો રાગી લાડુ વગેરે પૂરક પોષણ અપાય જ છે. એટલે ઇંડા આપવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં અહિંસા અને જીવદયા ની કરુણા સંવેદના સાથે કાર્યરત રાજ્ય સરકાર આવી ઇંડા આપવાની કોઈ જ યોજના અમલી બનાવશે નહિ. એમ મહિલાબાળ કલ્યાણમંત્રી એ ભારપૂર્વક ઉમેર્યું છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)