એક સફળ બિઝનેસમેનની સંઘર્ષશીલ ગાથા….

નામ કલ્પના સરોજ. વિદર્ભ પ્રાંતમાં આવેલાં રોપરખેડા નામનાં ગામમાં તેનો જન્મ થયો હતો. તેઓ દલિત જ્ઞાતિનાં હોઈ ગામનાં મોટેરાંઓ પોતાનાં બાળકોને તેમનાથી દૂર રાખતાં અને તેમનાં ઘરનું ખાતાયે અટકાવતાં. તે વર્ગમાં સારા માર્ક્સ મેળવીને ઉત્તીર્ણ થાય તે કેટલાંક શિક્ષકો અને વાલીઓને ગમતું નહોતું. આ પ્રકારનો પક્ષપાતી ભેદભાવ તેનાં કૂમળા માનસને ખૂબ ડંખતો. આખરે તેણે ધોરણ-૭ પછી અભ્યાસ તજી દેવો પડયો અને ૧૨ વર્ષની ઉંમરે લગ્ન કરીને મુંબઈની ગીચ ઝૂંપડપટ્ટીમાં રહેવા જવાનું થયું. અહીં નોકરાણીની માફક રાત દિવસ વૈતરું કરવું પડતું.
૧૦/૫ની રૂમમાં જીવતાં એ સંયુક્ત પરિવારનાં ૧૦ સભ્યો નજીવી બાબતોમાં તેનો વાંક કાઢી લડતા. એટલું ઓછું હોય તેમ તેનો પતિ પણ તેને મારઝૂડ કરતો અને ઘરમાંથી બહાર હાંકી કાઢતો. તેનાં લગ્નનાં ૬ માસ બાદ તેનાં પિતા તેની મુલાકાતે આવ્યા. તેમણે પોતાની લાડકવાઈ દીકરીને જીવતી લાશ બની ગયેલી જોઈ અને તેઓ ભારે હૈયે તેને પોતાના ઘેર પરત લઈ આવ્યા. ગામમાં લોકોની ટીકાઓને લીધે ઘરની બહાર પગ મૂકવાનું અઘરું થઈ પડયું. તેની જ્ઞાતિના આગેવાનોએ તેનો સામાજિક બહિષ્કાર પણ કરી દીધો.
અતિશય હતાશ થઈ જઈ તેણે ઝેરી દવા પી ને આપઘાતનો પ્રયાસ કર્યો, પરંતુ તેનાં આન્ટી તેને તરફડીયા ખાતી જોઈ ગયાં અને તેઓ તેને સમયસર હોસ્પિટલ લઈ ગયાં. તેના બચાવ અંગે ડોક્ટરો બહુ આશાવાદી નહોતા તેમ છતાં તે બચી ગઈ. આ ઘટનાને ઈશ્વરીય સંકેત માની તેણે જીવતરનો જંગ જીતી લેવાનો સંકલ્પ કરી લીધો. તેણે પોતાનાં માવતરનાં માથે ભારરૂપ નહીં બનતાં પગભર થવાનું નક્કી કર્યું. તેણે પોલીસ કોન્સ્ટેબલની, આયાની અને લશ્કરની નોકરીઓ માટે અરજીઓ કરી. પરંતુ પૂરતા ભણતરનાં અભાવે તેને દરેક ઠેકાણે નિષ્ફળતાઓ મળી. આખરે તે ૧૬ વર્ષની ઉંમરે મુંબઈ પાછી ફરી. અહીં તેણે તેનાં કોઈ દૂરનાં સગાનાં ઘેર નજીવા ભાડેથી રહેવાનું શરૂ કર્યું.
એ જે વિસ્તારમાં રહેતી હતી ત્યાં કપડાં સીવવાની નાની-નાની ફેકટરીઓ આવેલી હતી. આવી જ એક ફેકટરીમાં તેને માસિક ૬૦ રૂ.ના પગારથી કામ મળી ગયું. ફેકટરીમાં થોડો સમય રહીને તે સીવણનું કામ શીખી ગઈ. એ પછી તેણે અનુસૂચિત જાતિઓ માટે ઉપલબ્ધ સરકારી લોન મેળવી અને તેમાંથી સીલાઈ મશીન ખરીદી દરજીકામ શરૂ કર્યું. એ એક બ્લાઉઝ સીવવાનાં ૧૦ રૃા. લેતી. ધીમેધીમે મૂડી જમા થવા લાગી હતી. તેણે પોતાની બચત થાપણ તરીકે મૂકી માસિક ૪૦ રૃા.ના ભાડેથી એક રૂમનું મકાન મેળવ્યું. ગામમાં તેનાં પિતાની નોકરી છૂટી ગઈ હોવાથી તેણે પોતાના આખા પરિવારને અહીં બોલાવી લીધું.
આવી સ્થિતિમાં તેની નાની બહેન બીમાર પડી. તેની બહેન તેની સામે રડી રડીને કરગરતી હતીઃ ‘દીદી… મને બચાવી લો… મને બચાવી લો…મારે મરવું નથી…’ …પણ દીદી લાચાર હતી. એ દિવસથી કલ્પનાએ વધુ ને વધુ નાણાં મેળવવા વધુ ને વધુ મહેનત કરવાનું શરૂ કરી દીધું. તેણે જ્યોતિબા ફૂલે યોજના હેઠળ લોન મેળવી ફર્નિચરની દુકાન શરૂ કરી. એ ધંધામાં તેને સારી એવી સફળતા મળી. બે વર્ષમાં જ લોન ભરપાઈ કરી દીધી. ૨૨ની ઉંમરે એક ઓળખીતા સ્ટીલ ફેબ્રિકેટર સાથે પુનર્લગ્ન કર્યાં, પણ બે જ વર્ષમાં તેમનું આકસ્મિક મૃત્યુ થતાં વૈધવ્ય વેઠવાનું આવ્યું.
આવા સમયે એક ચમત્કારિક તક સાંપડી. કાનૂની ગૂંચમાં ફસાયેલી એક જમીન તેમને સસ્તામાં મળી. બે વર્ષથી દોડધામ કરીને બધી કાનૂની ગૂંચ ઉકેલીને છેવટે એમણે બિલ્ડર સાથે મળીને એ જગ્યા પર બાંધકામ કરીને મોટી પ્રોપર્ટી વિકસાવી અને એ સાથે, કલ્પનાના જીવનનું સ્વરૂપ બદલાઈ ગયું. આ જ અરસામાં મુંબઈમાં કુર્લા ખાતે આવેલી જગપ્રસિદ્ધ કામાણી બ્રાન્ડની ત્રણ મોટી કંપનીઓ નાદારીમાં અને વિવાદોમાં સપડાઈ. આ તબક્કે બેન્કોએ પોતાનાં ૧૧૬ કરોડ રૂપિયાના ધીરાણો પરત મેળવવા કાનૂની જંગ શરૂ કર્યા.
આ કંપનીના ૫૬૬ કારીગરો કલ્પનાને મળ્યા અને કલ્પનાને આ બળતું ઘર હાથમાં લીધું અને મેનેજમેન્ટ સંભાળ્યું. તેમણે ૨૦૦૦-૨૦૦૬ દરમિયાન કોર્ટ-કચેરીના ધક્કા ખાધાં, બેન્કના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી અને તે નાણાં મત્રીને પણ મળ્યાં. આખરે તેમણે કંપનીને દેવાના ડુંગરમાંથી અકલ્પનીય રીતે બહાર કાઢી. આજે ૬ મોટી કંપનીઓની માલિકી, ૧૧૨ મિલિયન ડોલરની સંપત્તિ, ભારતીય મહિલા બેન્કના ડિરેક્ટર તરીકેનો હોદ્દો અને પદ્મશ્રીનું સન્માન મેળવી ચૂકેલાં કલ્પના સરોજ ઓરિજિનલ સ્લમ ડોગ મિલિયોનેર તરીકે જાણીતાં છે. આ દલિત ઉદ્યોગ સાહસિકને શત શત અભિનંદન..
રિપોર્ટ : તુલસી બોધુ (બ.કાં.)