દાહોદ જિલ્લાના ૮૮૬૬૨ ખેડૂતોને કિસાન ક્રેડીટ કાર્ડ ફાળવવામાં આવશે

- આ માટે તા. ૮ ફેબ્રુઆરી થી ૨૩ ફેબ્રુઆરી સુધી જિલ્લા વહિવટી તંત્ર વ્યાપક ઝુંબેશ ચલાવશે
દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધી યોજના અંતર્ગત ૨,૦૨,૫૧૦ ખેડૂતો જોડાયા છે. જે પૈકી પાક ધિરાણ મેળવતા ખેડૂતોની સંખ્યા ૧,૧૬,૫૪૮ છે. બાકી રહેલા ૮૮,૬૬૨ ખેડૂતોને કિસાન ક્રેડીટ કાર્ડ – પાક ધિરાણ આપવા માટે જિલ્લામાં વહિવટી તંત્ર બેન્કો સાથે મળીને વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવશે અને તા. ૮ ફેબ્રુઆરી થી ૨૩ ફેબ્રુઆરી સુધી એક અભિયાન અંતર્ગત બાકી રહેલા ખેડૂતોને પાક ધિરાણનો લાભ કિસાન ક્રેડીટ કાર્ડ થકી આપવામાં આવશે.
ઉક્ત બાબતની માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધી યોજના હેઠળ બેન્ક ખાતામાં સીધી સહાય મળે છે. પરંતુ કિસાન ક્રેડીટ કાર્ડ – પાર્ક ધિરાણ લીધું ન હોય તો તેમણે તાત્કાલીક બેન્કમાં જઇ અરજી પત્રક અને જરૂરી દસ્તાવેજ જેવા કે ૭/૧૨, ૮-અ, હક્ક પત્રક, આકારણી, મિલકત પત્રક, આધાર કાર્ડ અને ચુંટણી કાર્ડની નકલ સાથે અરજી કરવાની રહેશે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, ૩ લાખ સુધીની આવક ધરાવતા ખેડૂતો પાસેથી બેન્કો દ્વારા આ બાબતે કોઇ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહી. ખેડૂતે પીએમ કિસાન યોજનાનું જયા ખાતું હોય ત્યાં અરજી કરવાની રહેશે. જેમનાં કિસાન ક્રેડીટ કાર્ડ કોઇ કારણસર બંઘ કરવામાં આવ્યા છે તે ખેડૂતો પણ અરજી કરી શકશે. આ ઉપરાંત પશુપાલન કે મત્સ્ય ઉધોગ કરતા ખેડૂતો પણ આ યોજના હેઠળ અરજી કરી શકશે.
તેમણે જણાવ્યું કે, આ અભિયાન અંતર્ગત તમામ બાકી ખેડૂત ખાતેદારને આવરી લેવા માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના અધિકારીઓ-કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. ખેડૂતો પોતે પણ જે તે બેન્કમાંથી કે જન સેવા કેન્દ્ર ખાતેથી અરજીપત્રક મેળવી જરૂરી ડોકયુમેન્ટ સાથે બેન્કમાં અરજી કરી શકશે. આ માટે ગ્રામ સેવક કે તલાટીની પણ મદદ લઇ શકાશે. પાક ધિરાણ સમયસર ચુકવણી કરનારને ૭ ટકા વ્યાજ સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. પત્રકાર પરિષદમાં લીડ બેન્ક મેનેજર શ્રી આર.બી. મુનિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સુથાર ઉપસ્થિત રહ્યા હતા.
રીપોટ : જેની શૈખ