નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત પ્રા. શાળાઓમાં રંગોત્સવ – ૨૦૨૦નું સુંદર આયોજન

ભરૂચ,
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની નૈસર્ગિક શક્તિઓના આર્વિભાવ માટે મા શારદાભવન ટાઉન હોલ અંકલેશ્વર ખાતે આયોજીત રંગોત્સવ – ૨૦૨૦ કાર્યક્રમનું સહકાર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે કાર્યક્રમનું દિપ પ્રગટાવી ખુલ્લો મુકતા બાળકોમાં રહેલી કલાશક્તિના દર્શન કરવાની ઉમદા તકો આવા કાર્યક્રમોથી પ્રાપ્ત થાય છે, જે બાળકોના સર્વાંગી વિકાસ માટે મદદરૂપ બની રહેશે તેમ જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓની કલા અભિવ્યક્તિને ઉજાગર કરવા તથા તેઓમાં રહેલી પ્રતિભાને બિરદાવવા માટે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર ધ્વારા પ્રાથમિક શાળાઓના બાળકોને મંચ પુરો પાડવાના હેતુસર રંગોત્સવ – ૨૦૨૦ કાર્યક્રમ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રીમતિ દક્ષાબેન શાહ, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી કિંજલબેન ચૌહાણ, નગરપાલિકાના આગેવાન સદસ્યો, શિક્ષણ સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે રંગોત્સવ કાર્યક્રમમાં શહેરની શાળાઓમાં ભણતાં અતિ ગરીબ અને સામાન્ય જીવન જીવતા શ્રમજીવીઓ અને કામદારોના બાળકો સાથે દિવ્યાંગ બાળકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ છે તે બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદરેલા અભિયાન પ્લાસ્ટિકમુક્ત ભારત, પર્યાવરણ જાળવણી, પ્રાણીઓ પ્રત્યે આપણને અભિગમ બદલવા જેવી સાંપ્રત સમસ્યાઓને કૃતિઓમાં આવરી લેવાના પ્રયાસને બિરદાવવામાં આવ્યો હતો. તેમણે કાર્યક્રમના સફળ આયોજન કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
મંત્રીશ્રીએ રાજ્ય સરકાર ધ્વારા પણ ખેલમહાકુંભ અને કલામહાકુંભ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. જેના થકી ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૌરવ અપાવનારા ખેલાડીઓ – કલાકારોની પ્રાપ્તિ થઈ છે તેમ જણાવ્યું હતું.
રંગોત્સવ કાર્યક્રમના પ્રારંભમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી કિંજલબેન ચૌહાણે શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું હતું. રંગોત્સવ – ૨૦૨૦ કાર્યક્રમમાં વીસથી પણ વધુ જુદી જુદી સાંસ્કૃત્તિક કૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાઓમાં તેમજ જુદા જુદા કાર્યક્રમોમાં દાન આપનાર દાતાઓનું મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિશિષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે મેડલ અર્પણ કરવામાં અવ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી નિલેશભાઈ પટેલ, સદસ્યોશ્રી જનકભાઈ શાહ, સંદિપભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી ગણેશભાઈ અગ્રવાલ, શાસનાધિકારી શ્રી કેયુરભાઈ ઉપાધ્યાય, બીઆરસી અમીનાબેન પઠાણ, વિવિધ શાળાના શિક્ષકો, આગેવાન પદાધિકારીઓ, નગરપાલિકા તથા શિક્ષણ સમિતિના સદસ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.