પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર, ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

મળતી માહિતી મુજબ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમ માંથી કલાપીની યાદગાર ગઝલ “આપની યાદી” ને ચાલુ અભ્યાસક્રમે કાઢી નાખવા માં આવી છે, આ બહુ દૂખદ ઘટના છે, વિદ્યાર્થીઓએ કરેલી મહેનતને આ રીતે નિષ્ફળ કરવામાં કમિટી મેમ્બર્સને શું ફાયદો છે ? એ જાણી શકાયુ નથી…
નર્મદ અને કલાપી ગુજરાતી ભાષા સાહિત્ય અને કવિતાના ઉતુંગ શિખરો છે. સંસ્કૃત માં થી ઉતરી આવેલા છંદો જેવા કે, મંદાક્રાંતા, વસંતતિલકા, શાર્દૂલ વિક્રિડિત, હરિગીત, માલીની, ઈન્દ્રવજા, ભૂજંગી, ઉપેન્દ્રવજા, તોટક, હરિણી, દોહરો, સોરઠો, સવૈયો, જેવા અનેક છંદો થી કલાપીની કવિતાઓ શોભે છે.
રસપ્રચુર અને ઊંડી અનુભૂતિ ધરાવતી કવિતાઓ વિદ્યાર્થીકાળ થી જ સાહિત્ય પ્રિતીને પોષે છે અને સંવેદનશિલતા જગાવે છે. છેલ્લા થોડા સમય થી કલાપીની કવિતાઓ ને અભ્યાસક્રમ માં થી દૂર કરવાની કોશિષો થઇ રહી છે તો સામે આવા સંવેદનશિલ કવિઓ અને કવિતાઓ તો લખાતી નથી તો પછી ક્યા આધારે આવુ કરવા માં આવી રહ્યુ છે? આ ગઝલોના યુગ માં ?
ગુજરાતી ગઝલોના મુખ્ય આધાર સ્થંભ જ કલાપી અને બાલાશંકર કંથારીયા છે, વિવિધ છંદો થી શોભતી 58- ગઝલો એ કલાપીના કાવ્યકલાપ માં એક છોગુ છે.
સરકારશ્રી અને સંસ્થાના સત્તાધિશોએ આ બાબતનું ધ્યાન રાખવુ જ જોઇએ.
કલાપી અને કેકારવ પર 168- જેટલા શોધ નિબંધ લખાયા છે અને પી.એચ.ડી. ની ડીગ્રી મેળવી સાહિત્ય રસીક વિદ્યાર્થીઓએ ડોકટરેટ કર્યુ છે. આ કંઈ નાની ઘટના નથી..
બધા મિત્રોને વિનંતી છે કે વીર નર્મદ યુનિવર્સિટીના સંચાલકો ને કારણ પૂછો કે શું કામ આપની યાદી ને અભ્યાસક્રમ માં થી કાઢી નાખવા માં આવી ? કારણ જણાવો?
નવી પેઢીને વારસા માં માતબર અને શુદ્ધ કવિતા આપવી હોય તો નર્મદ અને કલાપી શિરમોર છે, સરળ બાની, ઊંડી અનુભૂતી, છંદો અને લય સાથે ગેયતા આ બન્ને સર્જકો પૂરી પાડે છે.
આજે કવિઓ ખૂબ છે, પણ કવિતા કેટલા લખે છે?
જૂનુ એટલુ સોનુ એવુ આપણે માનીયે તો નવુ સર્જન એ કક્ષાનું હોવુ તો જોઇએ ને ?
વળી આપની યાદી નો આસ્વાદ તો કવિશ્રી ઉમાશંકર જોશી થી લઇને કવિશ્રી ઉદયન ઠક્કર સુધીના સિદ્ધહસ્ત કવિઓએ કરાવ્યો છે, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી પણ બની શકે છે..
સૌને વિનંતી છે કે સત્તાધિશો ને જાણ થાય એ ખાતર પણ આ પોષ્ટને શેઅર કરશો એવી વિનંતી.. અમે યુનિવર્સિટીને ઈ-મેલ કરીને કારણ જાણવા કોશિષ કરી છે..
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની !
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની !
આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની !
દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની !
થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!
પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર;
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જૂદાઇ આપની!
રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!
જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું:
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની! – કલાપી।
રીપોર્ટ : મનોજ રાવલ( ધનસુરા)