રાજકોટ : પ્રેમમાં પાગલ યુવતી પર ભાઇએ હાથ ઉપાડતા ભાગી, બોયફ્રેન્ડે પણ સાથ છોડ્યો..

રાજકોટ શહેરના રેલવે સ્ટેશન પર આમ તેમ દોડાદોડી કરતી યુવતીને હતાશાની સ્થિતિમાં જોતા એક યાત્રિકે ૧૮૧માં ફોન કર્યો હતો. ૧૮૧નો સ્ટાફ ત્યાં પહોંચતા પ્રેમપ્રકરણ બહાર આવ્યું હતું. સ્ટાફે પ્રેમીને ફોન કરતા તેણે આવું કશું હોવાની ના પાડતા યુવતી ભાંગી પડી હતી. અને રડતાં રડતાં ૧૮૧ને પોતાની આપવીતી સંભાળાવી હતી. જેમાં પ્રેમમાં પાગલ હોય ભાઇએ હાથ ઉપાડતા પ્રેમી પાસે આવવા ભાગી હતી. પરંતુ પ્રેમીએ સાથ છોડી દીધો હતો. બાદમાં ૧૮૧એ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મયૂરી(નામ બદલાવેલ છે)ની આંખ ઊના રહેતા વિજય(નામ બદલાવેલ છે) સાથે એક પ્રસંગમાં મળી હતી. બંને વચ્ચે એક વર્ષથી પ્રેમસંબંધ હતો. આ સંબંધની ખબર મયૂરીના ભાઈને થતા તેણે મયૂરીને ફડાકા ઝીંક્યા હતા. જેથી ડરીને યુવતી ટ્રેનમાં બેસી રાજકોટ આવી ગઈ હતી. રાજકોટ પહોંચીને મયૂરીએ કોઇ યાત્રીના મોબાઈલમાંથી વિજયને ફોન કરતા વિજયે થોડી વારમાં રાજકોટ આવે છે. તેમ કહ્યું હતું.
જો કે વિજય ન આવતા મયૂરી હતાશ થઈ સ્ટેશન પર આમ તેમ દોડી રહી હતી. ૧૮૧ને ફોન કરાતા કાઉન્સેલર પિંકી ભટ્ટી. કોન્સ્ટેબલ દિવ્યાબેન. હેતલબેન. તેમજ પાઈલટ સુરેશભાઈ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અને મયૂરીને સમજાવીને વિજયના ફોન નંબર મેળવી કાઉન્સેલરે ફોન કરી સ્પીકર ચાલુ રાખ્યું હતું. વિજયને રાજકોટ આવવાનું કહેતાં જ તેણે કહ્યું કે, મયૂરી સાથે તેને કોઇ પ્રેમ નથી. તે પોતે જ ધરાર સંબંધ રાખવાનું અને પરણવાનું કહે છે.
આ સાંભળીને મયૂરીએ ફોન પર સીધી પોક મૂકી આવું શું કામ કરે છે. તે પૂછ્યું હતું. અને પછી ભાંગી પડી હતી. કાઉન્સેલરે વાત કરતા વિજયે જ મયૂરીના ભાઈના નંબર આપ્યા હતા. અને વાત કરતા તેના પિતા રાજકોટ આવ્યા હતા. મયૂરી પરિવારથી ડરતી હોવાથી જવા તૈયાર ન હતી. પણ કાઉન્સેલિંગ કરાતા મયૂરી જવા રાજી થઈ હતી.*
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)