વૃદ્ધ દંપતીને બંધક બનાવી ૫૦ તોલા સોનુ, ડોલરની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર

વલસાડ,
વલસાડના બુધલાઈ ગામમાં આવેલા ગંગા ફાર્મ હાઉસમાં રાત્રે ૧૦થી ૧૫ જેટલા લૂંટારૂઓ ત્રાટક્્યા હતા. લૂંટારૂઓએ ફાર્મ હાઉસમાં હાજર વૃદ્ધ દંપતી અને મજૂરોને બંધક બનાવી ૫૦ તોલા સોનુ, ડોલર અને રોકડા પાંચ લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, અમેરિકાની સિટીઝનશીપ ધરાવતા દંપતી ૯ મહિના પહેલા જ વતન પરત ફર્યા હતા.
વૃદ્ધા રૂક્ષમણીબેન આર પટેલે જણાવ્યું હતું કે, તેઓના બે દીકરા અમેરિકામાં રહે છે જ્યારે એક દીકરો વલસાડ જિલ્લાના બુધલાઈ ગામમાં આવેલા ગંગા ફાર્મ હાઉસમાં રહે છે. તેઓ અમેરિકાની સિટીઝનશીપ ધરાવે છે. ખેતીના કામ અર્થે ૯ મહિના પહેલા અમેરિકાથી વતન પરત ફર્યા હતા. ગત રોજ રાત્રે પોણા એક વાગ્યા આસપાસ ૧૦થી ૧૫ જેટલા લૂંટારૂ ધસી આવ્યા હતા. પહેલાં મજૂરોને માર મારી બંધક બનાવી લીધા હતા. જેથી દરવાજા ખોલી જાવા જતા હાથ ખેંચી જમીન પર પટકી પાડ્યા હતા. જેથી બૂમાબૂમ કરતા મોં પર હાથ મૂકી ધમકી આપી હતી.
લૂંટારૂઓ મોં પર રૂમાલ અને હાફ પેન્ટ અને શર્ટ પહોરી આવ્યા હતા. લૂંટારૂઓએ વૃદ્ધાના પતિને અંદર ઘૂસી બંધ બનાવી લીધા હતા. ત્યારબાદ હાલના આંકડા પ્રમાણે ૫૦ તોલા સોનુ, પાંચ લાખ રોકડા અને ડોલરની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ૨.૩૦ વાગ્યા આસપાસ લૂંટારૂઓ તમામ મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા અને ફાર્મ હાઉસનો દરવાજા પાંચ વાગ્યા સુધી ન ખોલવાની ધમકી આપી ભાગી ગયા હતા. ત્યારબાદ ગભરાઈ ગયેલા વૃદ્ધ દંપતી અને મજૂરોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી લૂંટારૂઓનું પગેરૂ મેળવવાની તજવીજ હાથ ધરી છે.